મનદુરસ્તી / હાઉ ઇઝ ધ ‘જોશ’... સ્ટુડન્ટ્સ?

article by dr. prashant bhimani

ડૉ. પ્રશાંત ભીમાણી

Feb 20, 2019, 01:18 PM IST

‘તને કંઈ ભાન છે! હવે કેટલા ઓછા દિવસ બાકી છે બોર્ડની પરીક્ષાને. જો આકાશ, આ ફાઇનલ એક્ઝામમાં તું સારા ટકા ન લાવ્યો તો અમે તારા ભવિષ્ય માટે કશું નહીં કરી શકીએ. તારા પપ્પાએ દિવસ-રાત એક કરીને લાખો રૂપિયાની ટ્યુશન ફી ભરી છે. તારામાં સહેજ પણ દયા હોય તો અમારી આબરૂ સાચવી લેજે. નહીંતર રિઝલ્ટમાં જો કંઈક આડુંઅવળું થયું તો અમે લોકોને શું મોં બતાવીશું?’ સ્મિતાબહેનનું ટેન્શન સાતમા આસમાને હતું.

  • બે-પાંચ માર્ક ઓછા આવવાને લીધે વિદ્યાર્થી ડિપ્રેશનમાં સરી પડે છે કેે મનોચિકિત્સા કરાવવી જરૂરી બની જાય છે

બોર્ડની પરીક્ષાઓ થોડા દિવસ જ દૂર છે. વિદ્યાર્થીઓ અને વાલીઓેમાં એક્ઝામ સ્ટ્રેસ ચરમસીમાએ છે. સામાન્ય રીતે બે પ્રકારના સ્ટ્રેસ વ્યક્તિને ઊભા થતા હોય છે. યુસ્ટ્રેસ અને ડિસ્ટ્રેસ. જો તમે પ્લાનિંગ માટે સામાન્ય મૂંઝવણ અનુભવો અને એને લીધે તમારા કામને વેગ અને દિશા મળે તો એ યુસ્ટ્રેસ મતલબ સારા પ્રકારનો સ્ટ્રેસ કહેવાય. એ તમારી ગતિ વધારવામાં ઈંધણનું કામ કરે છે. જેને સહેજ પણ ચિંતા નથી તે વધારે ખતરનાક છે. મતલબ જીરો સ્ટ્રેસ વાસ્તવમાં શક્ય નથી. જો કોઈ મોટિવેશનલ સ્પીકર કે અન્ય તમને એવું કહેતા હોય કે ‘સ્ટ્રેસને જીરો કરી નાખો’ તો એ મૂર્ખામી છે. મનોવિજ્ઞાનની દૃષ્ટિએ આ શક્ય નથી અને ઇચ્છનીય પણ નથી. થોડું સ્ટ્રેસ કે પ્લાનિંગની હળવી ચિંતા તમારા પ્રયાસોને વધુ ચીવટવાળા અને સક્ષમ બનાવે છે. આ બાબત માત્ર પરીક્ષાને નહીં જીવનના કોઈપણ કામ માટે લાગુ પાડી શકાય. જે લોકોએ ‘ખરેખર’ સંન્યાસ લીધો હોય અથવા ખૂબ ઓછો આઇ.ક્યૂ હોય તે લોકોને સ્ટ્રેસ ન હોય એવું શક્ય છે, બાકી હળવા સ્ટ્રેસને ‘ચેલેન્જ’ જેવું પોઝિટિવ નામ આપવાથી ઇચ્છનીય ધ્યેય પ્રાપ્તિ તરફ જવામાં મદદ મળે છે. યાદ રાખીએ કે યોગ્ય પ્લાનિંગ એ શ્રેષ્ઠ પરફોર્મન્સનું પ્રથમ પગથિયું છે.
એથી વિરુદ્ધ જે લોકો પ્લાનિંગને તીવ્ર ચિંતાનું સ્વરૂપ આપી દે છે તે લોકો સ્મિતાબહેનની જેમ પોતાની સફળતાના આકાશને સંકોચવાનો પ્રયાસ કરે છે. આને ડિસ્ટ્રેસ કહેવાય. નકારાત્મક પ્રકારની કાલ્પનિક ચિંતા કરતાં માતા-પિતા પોતાના સંતાનને એટલું બધું ગભરાવી મૂકે છે કે એ ‘પરફોર્મન્સ એંગ્ઝાયટી’નો શિકાર બની જાય છે. આજકાલ કેટલાક ‘નામીચા’ કોચિંગ ક્લાસવાળા બધા વિદ્યાર્થીઓને પોતાની સ્ટારબૅચમાં રહેવું જોઈએ તેવું દબાણ કરે છે. ટેસ્ટમાં બે-પાંચ માર્ક ઓછા આવવાને લીધે વિદ્યાર્થી ડિપ્રેશનની એટલી ભયંકર ગર્તામાં ડૂબી જાય છે કે એને મનોચિકિત્સા કરાવવી જરૂરી બની જાય છે. આ માટે માતા-પિતા અને વિદ્યાર્થીઓ બંનેએ કેટલીક ટિપ્સ સમજવા જેવી છે.
- માતા-પિતાએ સંતાનનું શૈક્ષણિક સ્તર સમજવું અને સ્વીકારવું જરૂરી છે. એ પ્રમાણે જ એની પાસે પરિણામની અપેક્ષા રાખો.
- સંતાનની સારી બાબતોને વધુ બિરદાવો, પણ ખરાબ બાબત માટે ટોકવાનું બંધ કરો. એને બધી ખબર પડે ‘જ’ છે.
- સંતાનને પોષણયુક્ત અને સંતુલિત આહાર મળે તે જુઓ.
- એમની સાથે બહાર ‘કૉફી’ પીવા કે ચાલવા જાઓ. એ વખતે ભણવાની વાતો કરવાનું ટાળો.
- તમારા ઘરમાં કરફ્યૂ જેવું વાતાવરણ ન થાય તે ખાસ જોજો. મજાક-મસ્તી ચાલતા રહે તો તેની પોઝિટિવ અસરો ભણતા સંતાન પર થાય જ છે.
- છેલ્લી ઘડીએ આક્રમણ કરતા ‘બેસ્ટ લક’ કહેવા ગમે ત્યારે પ્રગટ થઈ જતા ‘વેલ-વિશર’ની શુભેચ્છા તમે જ લઈ લો. એનાથી સંતાન પર બિનજરૂરી પ્રેશર પણ ઊભું થાય છે.
- જે વિદ્યાર્થીએ તૈયારી કરવા પ્રયત્નો પ્રામાણિકપણે આપ્યા છે એણે ગભરાવાની જરૂર નથી.
- પોઝિટિવ એટિટ્યૂડ કેળવી શકાય છે. ઓછા ટકા આવે તો જિંદગી બરબાદ નથી ‘જ’ થતી. પહેલાં ક્યારેય નહોતા એટલા બધા કરિયર ઑપ્શન અત્યારે અવેલેબલ છે. કોઈપણ પરીક્ષા જીવનની અંતિમ પરીક્ષા નથી.
- પરીક્ષાના આગલા દિવસ સુધી રોજ ચાલવાનું કે સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ કરવાનું રાખો. થોડા યોગાસનો શીખી લો. ધ્યાન ચોક્કસ મદદરૂપ થાય છે.
- તમારા પ્રોબ્લેમ વિશે ખૂલીને વિશ્વાસુ મિત્રો કે માતા-પિતા સાથે વાત કરો. છેલ્લી ઘડી સુધી પણ તમારા શિક્ષકને ‘ડાઉટ્સ’ પૂછી જ શકાય છે.
- વાંચતી વખતે દર પોણા કલાકે પાંચ મિનિટનો બ્રેક લઈ શકો. શક્ય હોય એટલાં પેપર્સ વધારે લખો. લખીને તૈયાર કરેલું ઝડપથી યાદ રહે છે
- રાતની પૂરતી ઊંઘ ખૂબ જરૂરી છે. 6થી 8 કલાકની શાંતિપૂર્ણ ઊંઘ મગજનું પોષણ બની જાય છે.
- હવે એ વિચાર કરશો કે ‘હવે તો ખૂબ જ ઓછા દિવસ ‘ફ્રી’ થવાને બાકી છે’ તો પણ તમારો ‘જોશ’ વધી જશે.
વિનિંગ સ્ટ્રોક : ગૂગલ પાસે તમે પરીક્ષાની તૈયારી નહીં કરાવી શકો, એ તો તમારે જ પ્રામાણિકતાપૂર્વક કરવી પડશે. ઑલ ધ બેસ્ટ.

drprashantbhimani @yahoo.co.in

X
article by dr. prashant bhimani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી