Back કથા સરિતા
ડૉ. પ્રશાંત ભીમાણી

ડૉ. પ્રશાંત ભીમાણી

સાઈકોલોજી (પ્રકરણ - 38)
સાઈકોલોજિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણી ‘દિવ્ય ભાસ્કર’ની ‘મનદુરસ્તી’ કોલમથી સરળ શૈલીમાં મનની આંટીઘૂંટીઓ સમજાવે છે.

સ્વાસ્થ્ય માટેનું અનિવાર્ય ઈન્વેસ્ટમેન્ટઃ પૂરતી ઊંઘ

  • પ્રકાશન તારીખ24 Oct 2018
  •  

‘છેલ્લા ઘણા મહિનાઓથી મને આ ઊંઘની તકલીફ છે, ડૉક્ટર. નાની ઉંમરમાં હું થોડો હાયપર એક્ટિવ હતો, એવું મારાં પેરેન્ટ્સ કહે છે. છેલ્લા ઘણા સમયથી મારી ઊંઘ ડિસ્ટર્બ છે. મને ગભરામણ થાય છે. લાખ પ્રયાસ કરવા છતાં ઊંઘ નથી આવતી. પથારીમાં હું ખુલ્લી આંખે જાણે સપના જોતો હોઉં એવું લાગે છે. લાગે છે કે ધીમે ધીમે હું પાગલ થઈ જઈશ.’ આદર્શની ફરિયાદ ગંભીર હતી.


આજકાલ વિશ્વમાં એક અભ્યાસ મુજબ આશરે પંદર કરોડ જેટલા લોકો નિદ્રા સંબંધી સમસ્યાઓથી પીડાય છે. લગભગ વિશ્વની કુલ વસ્તીના 20% લોકો સ્વસ્થ ઊંઘથી વંચિત રહે છે. ભારતનો આંકડો ચોંકાવનારો છે, 93% ભારતીયો સ્વસ્થ અને પૂરતી (આઠ કલાકની) ઊંઘથી વંચિત છે. એક અભ્યાસ મુજબ 72% ભારતીયો રાત્રે એક કે ત્રણ વખત જાગી જાય છે. 78% લોકોને અનિંદ્રાને લીધે સ્વાસ્થ્ય પર ગંભીર અસરો થાય છે. દુર્ભાગ્યે આટલા બધામાંથી માત્ર બે ટકા લોકો એમના ડોક્ટર પાસે અનિંદ્રાની સમસ્યાની ફરિયાદ કરે છે.

એક અભ્યાસ મુજબ પંદર કરોડ લોકો નિદ્રા સંબંધી સમસ્યાઓથી પીડાય છે. લગભગ વિશ્વની કુલ વસ્તીના 20 % લોકો સ્વસ્થ ઊંઘથી વંચિત રહે છે. ભારતનો આંકડો ખૂબ જ ચોંકાવનારો છે

આદર્શની તકલીફને ‘સ્લીપ પેરાલિસિસ’ કહેવાય છે. જ્યારે દર્દી ઊંઘના REM તબક્કા દરમિયાન જાગી જાય ત્યારે ઘણી વાર જાગૃતિ અને ઊંઘ વચ્ચે અસંતુલન સર્જાતું હોય છે. રાત્રે દર્દીની આંખ ખુલ્લી હોય, આસપાસની ઘટનાઓ વિશે સજાગતા હોય, પણ ઘણા કલાકો સુધી એ પોતાના પગ પણ ન હલાવી શકે અથવા પથારીમાંથી ઊભા ન થઈ શકે. ઘણાને એવું પણ લાગે કે પોતાના શરીર પર જાણે કોઈ જબ્બર મોટો ભાર છે અને પોતાનું શરીર પથારી સાથે ચોંટી ગયું છે. જાણે કોઈ પથારી સાથે જકડી રાખતું હોય એવું લાગે.


ખેર, કેટલાકને તો વળી એવી તકલીફ હોય છે કે સળંગ 40-50 કલાક સુધી ઊંઘ્યા જ કરે. આવા કુંભકર્ણોના મગજ અને કરોડરજ્જુના જળ જેને (CSF) Cercbro Spinal Fluid કહે છે. તેમાં એન્ડોઝેપીન નામનું રસાયણ વધારે વધારે જોવા મળે છે. આ સમસ્યાને ‘ઇડિયોપોથિક પેરાસોમ્નિયા’ કહે છે. આ ઉપરાંત મોડી ઊંઘ આવવી, ઊંઘ દરમિયાન શ્વાસમાં તકલીફ પડવી, ઊંઘમાંથી ઊઠીને ખાવાની, ઇચ્છાની વિકૃતિ, ઊંઘમાં ચાલવાની વિકૃતિ, ઊંઘ મોડી આવવી, ઊંઘમાં પગ પછાડવા, અનિચ્છાએ ઊંઘમાં સરી પડવું, ઊંઘમાં ભયજનક અનુભવો થવા તેમજ ઊંઘ દરમિયાન દાંત કચકચાવવા જેવા અન્ય સ્લીપ ડિસઓર્ડર્સ જોવા મળે છે.

આ બધી તકલીફોના નિદાન માટે પોલિસોમ્નોગ્રાફી મતલબ સ્લીપ સ્ટડી કરવામાં આવે છે. તેનાથી ઊંઘની ગુણવત્તા, પેટર્ન અથવા કોઈ વિકૃતિને વધુ સારી રીતે સમજી શકાય છે. આ સ્ટડી દ્વારા નિદ્રા દરમિયાનનો હાર્ટ રેટ, આંખો અને શરીરનાં હલનચલનો, શ્વાસોશ્વાસનો લય, મગજની સક્રિયતા તેમજ લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ જાણી શકાય છે.


સામાન્ય સંજોગોમાં ઊંઘ દરમિયાન શરીર નવી ઊર્જા પ્રાપ્ત કરે છે. મગજ સ્મૃતિઓને એકત્રિત કરે છે. થાઇરોઇડ અને ગ્રોથ હોર્મોન્સ જેવા અંતઃસ્ત્રાવો ઊંઘ દરમિયાન ઝરે છે. જેનાથી સ્નાયુઓ, હાડકાં અને ઊંચાઈ પણ અસર પામે છે. વાળનું વધવું પણ વિકાસની પ્રક્રિયા જ છે. આમ જોઈએ તો ઊંઘ એ સ્વાસ્થ્ય માટે કરાતું અનિવાર્ય ઇન્વેસ્ટમેન્ટ છે. જો તમે છથી આઠ કલાકની શાંતિપૂર્ણ નિદ્રા લઈ શકતા હો તો તમે વધુ સ્વસ્થ અને સક્રિય રહી શકો છો.


આદર્શ માટે સાયકોથેરપી ખૂબ ઉપયોગી પુરવાર થઈ. ‘કોગ્નિટિવ બિહેવિયર થેરપી’અને ‘હિપ્નોથેરપી’ આમાં સારાં પરિણામો આપે છે. રોજનો એકાદ કલાકનો વ્યાયામ તેમજ સંતુલિત આહાર જરૂરી છે. સૂતા પહેલાં હૂંફાળા પાણીથી સ્નાન કરીને રોજ ચોક્કસ સમયે પથારીમાં જવું અનિવાર્ય છે. સાથે જો મગજના ‘ડેલ્ટા વેવ્સ’ને સક્રિય કરે તેવું સંગીત સાંભળવામાં આવે તો ઊંડી ઊંઘમાં અત્યંત સહાયભૂત થાય છે. આયુર્વેદ મુજબ શિરોધારાની સારવાર ‘સ્લો વેવ સ્લીપ સ્ટેટ’ને નિયંત્રિત કરે છે. એટલે ચોક્કસપણે અનિદ્રાને દૂર કરવામાં સહાયરૂપ થાય છે. મનના કોઈક ખૂણે સતાવતી ચિંતા તો મનોવૈજ્ઞાનિક ઉપાયોથી તેમજ ધ્યાન અને યોગથી દૂર થઈ શકે. આદર્શને સારવાર બાદ આદર્શ ઊંઘ આવતી થઈ ગઈ છે.


વિનિંગ સ્ટ્રોક : રાત્રિ દરમિયાન ઊંઘ માટે દિવસ દરમિયાન મહેનત કરવી જરૂરી છે, ખાસ કરીને શરીરની.
drprashantbhimani @yahoo.co.in

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP