મનદુરસ્તી / તૂટતાં લગ્નમાં અટવાતાં બાળકો...

article by dr. prashant bhimani

ડૉ. પ્રશાંત ભીમાણી

Apr 25, 2019, 03:15 PM IST

‘ડોક્ટર, હું આયેશાનું એટલું બધું ધ્યાન રાખું છું કે એને મમ્મી અને પપ્પા બંનેનો પ્રેમ મળે. અત્યારે એ અગિયાર વર્ષની છે. જ્યારે આયેશા ચાર વર્ષની હતી ત્યારે જ અમારા ડિવોર્સ થઈ ગયા. મેં આયેશાને સારામાં સારી ઇન્ટરનેશનલ સ્કૂલમાં મૂકી. આમ તો એ ભણવામાં ખૂબ હોશિયાર છે. કાયમ ‘એ પ્લસ’ ગ્રેડ લાવે છે, પણ હમણાં છેલ્લી બે પરીક્ષાઓમાં એના ગ્રેડ્સ ખૂબ ઘટી ગયા છે. એનું બિહેવિયર પણ ચિંતાજનક થઈ ગયું છે. વાતે વાતે ચિડાઈ જાય છે. એના ફ્રેન્ડ્ઝને પણ મળવાનું છોડી દીધું છે. આખો દિવસ એના મોબાઇલ પર હોય છે. કંઈક ઇન્સ્ટ્રક્શન આપું તો મારી સામે ગુસ્સો કરીને બારણું પછાડીને એના રૂમમાં જતી રહે પછી કલાકો સુધી બહાર જ ન આવે. આજે તો હું તમારી પાસે એવું કહીને લાવી છું કે, ‘મારે ડોક્ટરને મળવું છે. તું મારી સાથે ચાલ.’ એટલે મને કંપની આપવા આવી છે, પણ પ્લીઝ, તમે એની સાથે પણ વાત કરી લેજો અને મને આ પ્રોબ્લેમમાંથી છોડાવો.’ શૈલજા ઇમોશનલી ડિસ્ટર્બ હતી.

  • નાનાં બાળકોને લગ્ન તૂટવાનાં બધાં કારણો સમજાવી શકાતાં નથી

મેં સૌ પ્રથમ આયેશાને બહાર વેઇટિંગમાં બેસાડી. શૈલજા પાસેથી કેટલીક અગત્યની માહિતી જાણવા પ્રયાસ કર્યો. ‘અમારાં પ્રેમલગ્ન-જીવનનો અંત પાંચ જ વર્ષમાં આવી ગયો હતો. હું અને અરિહંત એક પાર્ટીમાં મળ્યાં હતાં. ચટ મુલાકાત - પટ પ્રેમ અને તરત લગ્ન થઈ ગયાં. જોતજોતાંમાં આયેશાનો જન્મ થયો. અમારે બંનેને લગ્ન પહેલાં રિલેશનશિપ હતી. અમને બંનેને એ ખબર હતી, લગ્ન પછી સ્વાભાવિકપણે એ બાબત પર પૂર્ણવિરામ મુકાઈ જવું જોઈએ, પણ અરિહંતના કિસ્સામાં એવું ન થયું. એના જીવનનું પહેલું પાત્ર ક્યારેય ગયું જ નહીં. આ વાતની મને ખબર પડી એટલે મેં તાત્કાલિક ડિવોર્સ માગ્યા. ડિવોર્સ થઈ ગયા પછી આયેશાની કસ્ટડી મારી પાસે જ છે. મને અરિહંત પર એટલો બધો ગુસ્સો છે કે એની કોઈ નિશાની મારા ઘરમાં રહેવા નથી દીધી. આ તો સારું છે કે મારાં પેરેન્ટ્સે મને એક અેપાર્ટમેન્ટ લઈ આપ્યું છે અને સારું એવું ભરણપોષણ કોર્ટે નક્કી કરી આપ્યું છે. આયેશા હવે અરિહંતના શેડોથી કમ્લીટલી મુક્ત છે. જોકે, ગયા મહિને એણે એવું પૂછી લીધું કે ‘મારા ડેડી ક્યાં છે?’ તો મેં ચિડાઈને કહી દીધું કે, ‘એ માણસ હવે આ દુનિયામાં નથી અને જો ફરીથી તેં આવું પૂછ્યું છે તો આવી બનશે.’ ઓફકોર્સ, હું આવું બોલી એ કદાચ મારી ભૂલ હશે, પણ એક બાજુ આયેશાને એકલા હાથે મોટી કરવાની અને બીજી બાજુ એની મસમોટી ફી ભરવા જેવા તોતિંગ ખર્ચા કરવા માટે 9 થી 5 જોબ કરવાની. આ બધામાં શાંતિ કેવી રીતે રહી શકે?’ શૈલજાએ વાત પૂરી કરી.
જ્યારે બાળક એવું કંઈ પણ સાંભળે કે જાણે છે કે એનાં માતા-પિતાની સંયુક્ત છત્રછાયા તૂટી રહી છે ત્યારે એ સ્વાભાવિકપણે ડિસ્ટર્બ થઈ જાય છે. જેમ જેમ એ સ્કૂલમાં અન્ય બાળકોનાં મમ્મી-પપ્પાને સાથે જુએ છે તેમ તેમ એને પોતાની પરિવારની સ્થિતિને કારણે લઘુતાગ્રંથિ ઉદ્્ભવે છે. નાનાં બાળકોને લગ્ન તૂટવાનાં બધાં કારણો સમજાવી શકાતાં નથી. એવા સંજોગોમાં એની પાસેથી ઉંમર કરતાં વધુ પરિપક્વતાની અપેક્ષા રાખવી અયોગ્ય ગણાય. જો પોતે પણ બધું સહન કરતાં હોય તો બાળકો પણ ચૂપચાપ એ સમજીને બધું સહન કરવું જ પડે, એ બરાબર નથી. તૂટતાં લગ્નમાં અટવાતાં બાળકોની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે.
આયેશાના સારા ભવિષ્ય માટે સામાજિકસ્તરે એને ફાધર ફિગરની જરૂર હતી. શૈલજા આમ પણ હમણાંથી એના પેલા જૂના પ્રેમીના સંપર્કમાં ફરી આવી હતી. એ હજુ અનમેરિડ હતો અને આયેશાની જવાબદારી ઉપાડવા તૈયાર હતો. એટલે કાઉન્સેલિંગ બાદ ધીમે ધીમે આયેશાના મનોજગતમાં પોતાની હાજરી પુરાવાનું એણે શરૂ કર્યું છે.
બહુ ઝડપથી લાંબા ગાળાના નિર્ણયો પર આવી જતાં પહેલાં ન વિચારનાર માતા-પિતા સંતાનને કાયમી નુકસાન કરી શકે છે.
આયેશાને મનોચિકિત્સા આપીને એનો સ્ટ્રેસ દૂર કરવામાં આવ્યો. ધીમે ધીમે ભણવામાં વધુ ફોકસ થઈ ગઈ. કાઉન્સેલિંગ બાદ શૈલજાનું બિહેવિયર પણ સુધર્યું. હવે ટૂંક સમયમાં ખંડિત થયેલો પરિવાર ફરી મહેકવાની
તૈયારીમાં છે.
વિનિંગ સ્ટ્રોક : બાળકને જ્યાંથી સૌથી વધુ સલામતીની અપેક્ષા હોય ત્યાંથી જ એ ન મળે તો એના ઉછેરમાં જીવનભરની ત્રુટિઓ રહી જાય છે.
drprashantbhimani @yahoo.co.in

X
article by dr. prashant bhimani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી