મનદુરસ્તી / ટ્રાવેલ ફોબિયા દૂર થઈ શકે છે

article by dr. prashant bhimani

ડૉ. પ્રશાંત ભીમાણી

Apr 18, 2019, 11:44 AM IST

‘ડોક્ટર, આ વર્ષે અમારી કંપનીએ નક્કી કર્યું છે કે અમારી ઓવરસીઝ બ્રાન્ચ શરૂ કરવી. મારે આના માટે અમેરિકા જવું પડે એમ છે. મારી બેતાલીસ વર્ષની ઉંમરમાં હું ઘણા બધા દેશો ફરી ચૂક્યો છું. મારી પાસે ચાર પાસપોર્ટ તો ભરાઈ ગયા છે. નવા પાસપોર્ટ માટે અરજી આપવાની છે, પણ તમે માનશો! છેલ્લા એક વર્ષથી હું ભારત તો શું, પણ ગુજરાતની બહાર પણ નથી ગયો. મને હમણાંથી ટ્રાવેલ કરવાની બીક લાગે છે. ખાસ કરીને પ્લેનમાં જવાનું હોય તો હું અવોઇડ જ કરું. ટ્રેનમાં જઈ શકતો હતો, પણ હવે તો એમાં પણ બીક લાગે છે. બાય કાર જઈ શકું, પણ કારમાં અમેરિકા થોડું જવાય? કારમાં એટલા માટે કે મારે જ્યાં હોય ત્યાં કાર ઊભી રખાય. મને સેલ્ફ ડ્રાઇવની તો ખૂબ બીક લાગે. એટલે ડ્રાઇવર સતત સાથે જ હોય. ખાસ વાત તો એ કારમાં બેસી શકતો જ નથી. એ હોય તો જ હું સીટીમાં ક્યાંક જઈ શકું. ટૂંકમાં, મને ફ્લાઇટની મુસાફરીનો ડર લાગે છે. એવી બીક લાગે કે મને ફ્લાઇટમાં કંઈક થઈ જશે તો? હાર્ટ પ્રોબ્લેમ થશે તો? હું બહાર કેવી રીતે નીકળી શકીશ? અને આટલી બધી ઊંચાઈ પરથી પ્લેન તૂટી પડે તો? મારું અને મારા પરિવારનું શું થશે? આવા સતત ભયના વિચારોને લીધે એકદમ ડિસ્ટર્બ રહું છું. એક બાજુ બિઝનેસ વધતો જાય છે અને બીજી બાજુ મારો ભય પણ વધતો જાય છે. મારે ત્રણ મહિના પછી તો કોઈ પણ હિસાબે યુ.એસ.એ. જવું પડે એવું જ છે. પ્લીઝ હેલ્પ મી ડોક્ટર.’ રિકીનભાઈના ચહેરા પર ટેન્શનની ઇમ્પ્રેશન સ્પષ્ટ દેખાતી હતી.

  • ઇમોશનલ થયા વગર વાસ્તવિકતાને સ્વીકારનાર બહુ ઝડપથી પ્રોબ્લેમ્સમાંથી બહાર આવી શકે છે

રિકીનભાઈને ‘એક્રોફોબિયા’ મતલબ ઊંચાઈનો વિકૃત ભય અને ‘ક્લાઉસ્ટ્રો ફોબિયા’ મતલબ બંધ જગ્યાનો વિકૃત ભય બંને હતા. એને લીધે એમને મુસાફરીનો વિકૃત ભય થઈ ગયો હતો. આવા ભયને સ્પેસિફિક ફોબિયા કહેવાય છે. જેમાં કોઈ ચોક્કસ પરિસ્થિતિ કે વસ્તુને લઈને વ્યક્તિમાં સતત અને સ્પષ્ટ જણાઈ આવતો વધુ પડતો અતાર્કિક ભય જન્મે છે. જો આવી વ્યક્તિઓ ભયજનક પરિસ્થિતિમાં મુકાઈ જાય તો એમનામાં તાત્કાલિક એંગ્ઝાયટી કે ગભરામણના એટેક ચાલુ થઈ જાય છે. કેટલાકને ખૂબ પરસેવો થઈ જાય. હૃદયના ધબકારા વધી જાય, રડવું આવે કે ભયના લીધે ચીસો પાડવાનું શરૂ થઈ જાય. વ્યક્તિને એવી જાણ હોય છે કે આ ભય બિનતાર્કિક છે અથવા કાલ્પનિક છે, છતાં એને રોકી શકાતો નથી. એને લીધે વ્યક્તિની રૂટિન પ્રવૃત્તિઓ કે જેનાથી કામધંધો કે સામાજિક સંબંધો અવશ્ય નકારાત્મક અસરો પામે છે.
મનોચિકિત્સા દરમિયાન જાણવા મળ્યું કે એમના એક નજીકના મિત્રને વિદેશના એરપોર્ટ પર હાર્ટએટેક આવ્યો હતો અને એ ત્યાં જ મૃત્યુ પામ્યા હતા.
આ મિત્રે રિકીનભાઈને શરૂઆતમાં ધંધામાં ખૂબ મદદ કરી હતી. જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કર્યો ત્યારે રિકીનભાઈ પાસે ફંડ્સ નહોતું. આઇ.ટી. એન્જિનિયરિંગ ભણ્યા પછી બિઝનેસ શરૂ કરવો હતો, પણ જરૂરી પૈસા નહોતા. એવા સંજોગોમાં એ મિત્રએ કોઈપણ ગેરંટી વગર રિકીનભાઈને લાખો રૂપિયાની મદદ કરી હતી. બંનેના પરિવારો પણ પરસ્પર નિકટ હતા, પણ આ વાતને છ-સાત વર્ષ થઈ ગયાં છતાં એ વાત અચેતન મનમાંથી જતી નહોતી. અસલામતી અને વિકૃત ભય ધીમે ધીમે વધતો ચાલ્યો અને મુસાફરી કરવાનો ફોબિયા એમનામાં દૃઢ થઈ ગયો.
ઘણી વખત આપણે એવું માની લેતા હોઈએ છીએ કે અમુક વ્યક્તિ વગર જીવન અટકી જશે. એ વ્યક્તિનો આપણા જીવનમાં ફાળો અવશ્યપણે સૌથી મોટો હોય છે, પણ સંજોગો સ્વીકારવા જરૂરી છે.
માત્ર ઇમોશનલ થયા વગર વાસ્તવિકતાને સ્વીકારનાર બહુ ઝડપથી પ્રોબ્લેમ્સમાંથી બહાર આવી શકે છે. ફોબિયામાં સાયકોથેરાપી ખૂબ અસરકારક નીવડે છે. સાથે જ સપોર્ટિવ થેરાપી, ફેમિલી થેરાપી અને ખાસ કરીને હિપ્નોથેરાપી દ્વારા અચેતન મનના વિકૃત ભયને દૂર કરવામાં આવ્યા. આ માટે દર્દીની, એના પરિવારની ધીરજ ખૂબ જરૂરી
છે. ધીમે ધીમે રિકીનભાઈનો આ વિકૃત ભય દૂર થયો. હવે આવતા અઠવાડિયે એમણે ન્યૂ યોર્કની ટિકિટ બુક કરાવી
દીધી છે.
વિનિંગ સ્ટ્રોક : જ્યારે આપણે અન્યને જ આધાર માનીએ છીએ ત્યારે પોતાનો કંટ્રોલ જાણે અજાણે એ વ્યક્તિને સોંપી દઈએ છીએ.
drprashantbhimani @yahoo.co.in

X
article by dr. prashant bhimani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી