મનદુરસ્તી / લાગણીઓ પણ કીમતી હોય છે

article by dr. prashant bhimani

ડૉ. પ્રશાંત ભીમાણી

Apr 03, 2019, 05:54 PM IST

એરિસ્ટોટલે એક વાર કહ્યું હતું કે, ગુસ્સે થવું સરળ છે, પણ યોગ્ય સમયે, યોગ્ય હેતુસર, યોગ્ય વ્યક્તિ ઉપર, યોગ્ય માત્રામાં અને યોગ્ય રીતે ગુસ્સે થવું અઘરું છે. દરેક એવું ન કરી શકે.’ આવું જ આપણી લાગણીઓ વિશે સમજવું જરૂરી છે.
નિશાની ઉંમર 27 છે, પણ અત્યંત પ્રભાવશાળી અને એકેડેમિકલી બેસ્ટ હોવાને કારણે એને એની કંપનીની ડેપ્યૂટી જનરલ મેનેજર બનાવવામાં આવી. એના બોસે એને કહ્યું હતું કે, ‘તારામાં એટલી બધી ક્ષમતાઓ છે કે તું ઝડપથી સી.ઈ.ઓ. સુધી પહોંચી શકે છે, પણ તારા ઇમોશન્સ પર કાબૂ રાખવો પડશે.’
નિશાને એ જ પ્રોબ્લેમ હતો. એ કોઈપણ વ્યક્તિની સામે પોતાની બધી જ વાતો કહેવા માંડે અને ભૂલેચૂકે કોઈએ એમ પૂછી લીધું કે, ‘તું કેમ આજે મૂડલેસ દેખાય છે?’ તો તો આંખમાંથી ગંગા-જમના ચાલુ થઈ ગઈ સમજો. એટલું બધું રડી પડે કે માંડ માંડ ચૂપ થાય. પછી દસેક મિનિટમાં તો એ સ્વસ્થ હોય, પણ વાતે વાતે આંખોમાં ઝળહળિયા આવી જાય. કમ્પ્યૂટર એન્જિનિયરિંગના માસ્ટર્સમાં ગોલ્ડમેડાલિસ્ટ થયેલી નિશા વાતે વાતે ગુસ્સાથી ઉત્તેજિત પણ થઈ જાય અને રડી પણ પડે. જ્યારે એ ક્લિનિકમાં આવી ત્યારે સૌથી પહેલાં એણે એવું જ કહ્યું, ‘ડૉક્ટર, મને કોઈ માનસિક રોગ નથી, પણ હું વાતે-વાતે રડી પડું છું અને નાની-નાની વાતમાં ગુસ્સે થઈ જાઉં છું, મારાથી રિલેશન્સ મેન્ટેન કરી શકાતા નથી. કોઈપણ વ્યક્તિની ઇમોશનલી એકદમ નજીક પહોંચી જઉં છું. પછી થોડા સમય બાદ એ વ્યક્તિ મારાથી થાકી જાય અને મારી સાથેનો સંબંધ તોડી નાખે અથવા ઝઘડા થઈ જાય. હું આટલી બધી ઇન્ટેલિજન્ટ છું તો પણ આવું કેમ થતું હશે?’ નિશાના સવાલમાં સાચો તર્ક હતો.

  • જો વ્યક્તિ ચહેરા પરથી, ચિત્રો પરથી, અવાજ પરથી કે સાંસ્કૃતિક સંકેતો પરથી કઈ લાગણી અભિવ્યક્ત થાય છે તે સમજી શકે તો એનો EQ સારો છે એમ કહી શકાય

નિશાની જે સમસ્યા હતી એ ‘ઇમોશનલ ઇન્ટેલિજન્સ’(EQ)ને લગતી હતી. આપણે બુદ્ધિઆંક મતલબ IQ વિશે જાણીએ છીએ, પરંતુ EQ પણ એટલો જ મહત્ત્વનો છે. સાયકોલોજિસ્ટ પીટર સેલોવી અને જ્હોન ડી. મેયરે સૌ પ્રથમ ‘ઇમોશનલ ઇન્ટેલિજન્સ’ શબ્દ આપ્યો. ઘણાને આ શબ્દ ખબર હશે, પણ માત્ર જાણકારીથી એને મેનેજ કરી શકાય એવું નથી. ઇમોશનલ ઇન્ટેલિજન્સ એ સોશિયલ ઇન્ટેલિજન્સનું એક સ્વરૂપ છે. જેમાં વ્યક્તિ પોતાની અને અન્યની લાગણીઓ પારખી શકે, તેમાં તફાવતો ઓળખી શકે અને એના આધારે પોતાના વિચારો અને વર્તનને દિશા આપી શકે. આ ખ્યાલ પછીથી પ્રકાશિત પુસ્તકમાં ડેનિયલ ગોલમેને એને વધુ પ્રચલિત કર્યો.
જો વ્યક્તિ ચહેરા પરથી, ચિત્રો પરથી, અવાજ પરથી કે સાંસ્કૃતિક સંકેતો પરથી કઈ લાગણી અભિવ્યક્ત થાય છે તે સમજી શકે તો એનો EQ સારો છે એમ કહી શકાય. આની સહાયથી વ્યક્તિ પોતાની શક્તિઓ, નબળાઈઓ, ઇચ્છાઓ, મૂલ્યો અને ધ્યેયો ઓળખી શકે છે. જેને કારણે જીવનમાં વધુ સારા નિર્ણયો લઈ શકે છે. ટૂંકમાં, ઇમોશનલ ઇન્ટેલિજન્સ એ બુદ્ધિ અને લાગણીનું યોગ્ય સંતુલન છે.
ઇમોશનલી ઇન્ટેલિજન્ટ લોકોને પણ ભય, ક્રોધ, દુઃખ, ચિંતા, ઈર્ષ્યા જેવી નકારાત્મક લાગણીઓ પણ અનુભવાય તો છે જ, પરંતુ તેનું તટસ્થ મૂલ્યાંકન કરીને વર્તનમાં મુકાય છે. પોતાની લાગણીઓનાં સાચાં કારણોની ઓળખ થાય તો એનાથી થતા તીવ્ર દુઃખને દૂર રાખી શકાય. ઊંચા EQવાળા લોકો આત્મવિશ્વાસ ધરાવતા હોય છે. લાગણીઓની પરાધીનતામાંથી મુક્ત હોય છે, બીજાની સંવેદનાને સમજી શકે છે તેમ છતાં એનાથી વ્યથિત રહેતા નથી તેમજ ઉપયોગી કામ કરવા સતત સક્રિય હોય છે. પોતાની લાગણી પ્રદર્શિત કર્યા પછી કેવું પરિણામ આવશે તેનો અંદાજ લગાડી શકે છે. મજબૂત EQવાળી વ્યક્તિ કમ્યુનિકેશન વધુ સારી રીતે કરી શકે છે. અન્યને અસરકારક રીતે પોતાની વાત સમજાવી શકે છે તેમજ અન્યનો દૃષ્ટિકોણ વધુ સારી રીતે સમજી શકે છે.
નિશાને સાયકોથેરાપી અને કાઉન્સેલિંગ દ્વારા પોતાની ઊભરાતી ઇમોશન્સ પર કાબૂ કેવી રીતે મેળવવો તે શીખવવામાં આવ્યું. દરેક વ્યક્તિ તમને સમજી શકે તે સૌથી મોટી અણસમજ છે. લાગણીઓ પણ કીમતી હોય છે. તેને ગમે તે જગ્યાએ વેડફી ન દેવાય. અભિવ્યક્ત કરતાં પહેલાં સામે કઈ વ્યક્તિ છે તે હંમેશાં વિચારવું. ઘણીવાર સ્વ-દયાની ઇચ્છા અને અસ્વીકૃતિનો ભય આવું ઓવર-ઇમોશનલ વર્તન કરાવી બેસે છે. જો છૂપું ડિપ્રેશન હોય તો એની પણ સારવાર થવી જોઈએ. કલ્પનામાં રાચવાને બદલે વાસ્તવિકતા બાજુ વિચારવાની ટેવ સ્વસ્થ વર્તન તરફનું મજબૂત પગથિયું છે.
વિનિંગ સ્ટ્રોક : સારા સમાચાર એ છે કે આપણે બુદ્ધિની જેમ લાગણીના ગુલામ નથી. તેને મેનેજ કરવાનું શીખી શકાય છે.drprashantbhimani @yahoo.co.in

X
article by dr. prashant bhimani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી