મનદુરસ્તી / નાનાં બાળકોમાં પણ ડિપ્રેશન હોય?

article by dr. prashant bhimani

ડૉ. પ્રશાંત ભીમાણી

Mar 28, 2019, 05:31 PM IST

‘ડૉક્ટર, ચાર દિવસ પહેલાં કૃતિની બર્થડે ગઈ. એના માટે અમે ઘરે ગ્રાન્ડ પાર્ટી કરી હતી. બધું જ એનું ગમતું હતું, પણ અમારી તેર વર્ષની કૃતિ ખબર નહીં, કેમ ખુશ જ નહોતી લાગતી. એની બે બેસ્ટ ફ્રેન્ડ્ઝ વર્ષગાંઠના આગલા દિવસે એને સરપ્રાઇઝ આપવા રાત્રે બાર વાગ્યે ઘરે આવી. ઑફકોર્સ એ બંનેનાં પેરેન્ટ્સ એમને મૂકવા આવ્યાં હતાં. આટલી સરસ કેક સાથેની સરપ્રાઇઝ મળી તો પણ કૃતિના ચહેરા પર જોઈએ એવી ખુશી દેખાતી નહોતી. મને ખૂબ ચિંતા થાય છે. એના પપ્પાને તો કૃતિ પર ખૂબ ગુસ્સો આવી ગયો. કૃતિ કેમ શાંત થઈ ગઈ છે. જાણે એના જીવનમાંથી એક્સાઇટમેન્ટ જતું રહ્યું હોય એવું લાગે છે. ધીમે ધીમે એનું બોલવાનું પણ ઓછું થઈ ગયું છે. અમારો નાનાે દીકરો જય પણ નવ વર્ષનો છે. એને તો અત્યારે આવું કંઈ નથી. અમને તો જયના ભવિષ્યની પણ ખૂબ ચિંતા રહે છે. શું આજકાલ આટલાં નાનાં બાળકોને પણ ડિપ્રેશન હોઈ શકે? સારિકાબહેનની ચિંતા વાજબી હતી.

  • વિશ્વમાં આશરે 3%થી માંડીને 8% બાળકો ડિપ્રેશનનો શિકાર બને છે

આજકાલ બાળકોમાં પણ ડિપ્રેશન અને બીજી માનસિક વિકૃતિઓ વધતી જાય છે. જો બાળક ઉદાસ રહેતું હોય અને તેની રોજિંદી ક્રિયાઓ ઉપર પર એની નકારાત્મક અસર પડે. તેમજ ભણવામાં અને રમતગમતમાં પણ નીરસતા વધતી જાય તો એને ‘ચાઇલ્ડહૂડ ડિપ્રેશન’ હોઈ શકે છે. ક્યારેક આવાં બાળકો ગુસ્સો પણ બતાવી શકે છે. ચીડિયા થઈ ગયેલાં બાળકોમાં મૂડ સ્વિંગ્સ અને નિરાશા વ્યાપેલી જોવા મળે છે. મિત્રો અને સંબંધીઓ સાથેના વર્તનમાં શુષ્કતા આવી જાય છે. એના પર સહેજ પણ ધ્યાન ન અપાય તો વધુ પડતી પ્રતિક્રિયાઓ આપવા લાગે છે. ભૂખ ખૂબ વધી જાય અથવા સાવ ઘટી જાય. ઊંઘમાં પણ આવું જ થાય છે. ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી થાય છે. ક્યારેક સતત થાક કે કંટાળાની ફરિયાદ કરે છે. એની સાથે ક્યારેક માથાનો દુખાવો, પેટનો દુખાવો વગેરે ફરિયાદો કરે છે. જનરલ ફિઝિશિયનની સારવારથી આવી ફરિયાદોમાં કોઈ ફાયદો દેખાતો નથી. કેટલાક તીવ્ર કિસ્સાઓમાં નક્કામાપણું અને અપરાધભાવના ખૂબ જોવા મળે છે. નવાઈ લાગે તેવી વાત છે, પરંતુ ક્યારેક આવાં બાળકોને આપઘાતના વિચાર સુધ્ધાં આવતા હોય છે, જે તાત્કાલિક સારવાર માટેનો સંકેત છે. અલબત્ત, દરેક ચાઇલ્ડહૂડ ડિપ્રેશનના કિસ્સામાં આ બધાં જ લક્ષણ સાથે હોય તે જરૂરી નથી. મોટાભાગનાં બાળકો અલગ અલગ લક્ષણો જુદી જુદી પરિસ્થિતિમાં દર્શાવે એવું પણ બને. જો બાર-તેર વર્ષની ઉપરનાં હોય તો ક્યારેક વ્યસન તરફ વળી જવાની પણ આશંકા રહે છે. જે પરિવારોમાં હિંસાત્મક વાતાવરણ હોય, માતા-પિતા વચ્ચે ઉગ્ર શાબ્દિક કે શારીરિક સંઘર્ષો થતા હોય, અન્ય વ્યસનો હોય તેવાં બાળકોમાં ડિપ્રેસિવ લક્ષણો વધી જતાં આપઘાત સુધી પહોંચે છે.
વિશ્વમાં આશરે 3%થી માંડીને 8% જેટલાં બાળકો અને તરુણો ડિપ્રેશનનો શિકાર બને છે. કમભાગ્યે આ આંક વધતો જાય છે. ભારતને તો WHOએ યુવાનોના આપઘાતની રાજધાની ગણાવી છે. નિદાન વખતે ADHD (એટેન્શન ડેફિસિટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર), OCD (ઓબ્સેસિવ કમ્પલ્ઝિવ ડિસઓર્ડર), કન્ડક્ટ ડિસઓર્ડર અથવા બાઇપોલર મૂડ ડિસઓર્ડરનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. ઘણી વાર વારસાગત કારણોથી, મગજના રાસાયણિક ફેરફારોને લીધે, ઉછેરની ખોટી પદ્ધતિઓને લીધે કે કેટલાક આઘાતજનક સંજોગોને લીધે આવું થઈ શકે છે.

કૃતિની ક્લિનિકલ હિસ્ટ્રી લેતા સાયકોથેરાપી દરમિયાન જાણવા મળ્યું કે એના ક્લાસના એક છોકરાએ ક્લોઝ ફ્રેન્ડશિપ માટે પ્રપોઝ કર્યું હતું. આ વાતથી કૃતિ જબરદસ્ત ડઘાઈ ગઈ હતી. એને એવી બીક હતી કે જો હું મમ્મી-પપ્પાને આવી વાત કરીશ તો મને પનિશમેન્ટ મળશે અને જો હું પેલા છોકરાને ના પાડીશ તો એ મને સ્કૂલમાં હેરાન કરશે. આવી સાદી વાતથી કૃતિ નિરાશાની ગર્તામાં ધકેલાઈ ગઈ હતી. કૃતિને પોઝિટિવ સૂચનો સાથે મનોચિકિત્સા આપવામાં આવી. ખાસ કરીને એના પપ્પાનું કાઉન્સેલિંગ થયું અને કૃતિ સાથે એ સોફ્ટ બિહેવિયર રાખે તેવું નક્કી થયું. નાના ભાઈની કમ્પેરમાં બંને સાથે સરખો વ્યવહાર કરે તે સ્પષ્ટ કરવામાં આવ્યું. કૃતિ આમ પણ તેના નાના ભાઈના જન્મ પછી થોડું નિગ્લેક્ટેડ ફીલ કરતી હતી. બંને પેરેન્ટ્સ આ વાત બરાબર સમજ્યાં અને કૃતિને શાંતિથી ફરી સાંભળવાનું અને યોગ્ય પ્રતિભાવ આપવાનું શીખ્યાં. હવે કૃતિ ખુશખુશાલ છે.
વિનિંગ સ્ટ્રોક : બાળકોના ઉછેરના સૌથી મહત્ત્વનાં પાસાં એમની સાથે સ્વસ્થ કમ્યુનિકેશન અને યોગ્ય સ્વીકાર છે.

drprashantbhimani @yahoo.co.in

X
article by dr. prashant bhimani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી