મનદુરસ્તી / તમે એકલા જ ‘એકલા’ નથી

article by dr. prashant bhimani

ડૉ. પ્રશાંત ભીમાણી

Mar 20, 2019, 02:52 PM IST

‘ડૉક્ટર, આમ જુઓ તો મારી આસપાસ હંમેશાં બહુ બધા લોકો હોય જ છે. અમારું જોઇન્ટ ફેમિલી છે. મારો દીકરો કોલેજમાં છે. સાસુ-સસરા પણ મારાં મમ્મી-પપ્પા જેવાં જ છે. હસબન્ડ પણ સપોર્ટિવ છે. ઓફકોર્સ એ બિઝનેસમાં બિઝી હોય છે, પણ અમે સાથે બહુ રહી શકતાં નથી. એ બાબત તો મેં હવે સ્વીકારી લીધી છે. મારો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે મને છેલ્લા ઘણા સમયથી એકલતા ખૂબ લાગે છે. કોઈ સ્ટ્રેસ નથી, પણ આ ખાલીપો ખાવા દોડે છે. ઘણીવાર એવું લાગે કે જીવનમાં કંઈ ખૂટે છે. એવું પણ થાય છે કે કોઈને મારી પડી નથી. મારી ઇમોશન્સને સમજવા માટે કોઈ લાયક માણસ જ નથી. કોઈને મારી વાત કહી શકતી નથી અને એકલતા સાથે રહી શકતી પણ નથી. એવું સતત થાય છે કે એકલા જીવવું એના કરતાં ન જીવવું સારું’ રુચાબહેનની આંખમાંથી ધીમેથી પાણી વહી રહ્યું હતું.

  • એકલી વ્યક્તિ ટોળામાં પણ એકલતા અનુભવતી હોય છે. જ્યારે કોઈ પોતાનું અંગત ન લાગે ત્યારે એકલતા જાહેર થઈ જતી હોય છે

અનેક સંશોધનો જણાવે છે કે આત્મહત્યાનાં મુખ્ય ત્રણ કારણોમાં એકલતા એક મોટું પરિબળ છે. ડિપ્રેશન અને શારીરિક માંદગી બીજાં બે કારણો છે. તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(WHO)ના કહેવા પ્રમાણે ભારત એ આત્મહત્યાની વૈશ્વિક રાજધાની છે અને સૌથી વધુ અસર પામનાર વયજૂથ પંદરથી ઓગણત્રીસ વર્ષની વચ્ચેના લોકો છે. આવેગાત્મક કે સામાજિક એકલતા ભયાનક અસરો જન્માવે છે. એકલતાને લીધે વ્યક્તિ વ્યસનો તરફ ઝડપથી વળે છે. અકારણ સેક્સ્યુઅલ બિહેવિયર વધી જાય છે અને તીવ્ર કિસ્સાઓમાં આપઘાત સુધી પહોંચે છે.

અમેરિકન સાયકોલોજિકલ અસોસિએશન (APA) મુજબ એકલતા એ એક ગંભીર સમસ્યા છે, જે દિવસે ને દિવસે વધતી જાય છે. વિવિધ અભ્યાસોમાં સમાવિષ્ટ ત્રણ લાખ આઠ હજાર લોકોના અભ્યાસ પરથી જણાયું કે જેમના મજબૂત સામાજિક સંબંધો હોય છે, તે લોકો અન્યોની અપેક્ષાએ 50% વધુ લાંબું જીવન જીવે છે. રોજની પંદર સિગારેટ પીતા માણસને જેટલું સ્વાસ્થ્યનું જોખમ હોય બરાબર એટલું જ જોખમ એકલતાથી પીડાતા માણસને હોય છે. ચોંકાવનારી વાત એ છે કે મેદસ્વી લોકો કરતાં પણ એકલતા ધરાવનાર લોકોને આ જોખમ ડબલ હોય છે. એકલતામાં બ્લડપ્રેશર પણ વધી જાય છે એવું સંશોધનો સૂચવે છે.
એકલી વ્યક્તિ ટોળામાં પણ એકલતા અનુભવતી હોય છે. જ્યારે કોઈ પોતાનું અંગત ન લાગે ત્યારે એકલતા જાહેર થઈ જતી હોય છે. લોકો વચ્ચે આનંદ ન આવવો, જવા ખાતર પબ્લિકમાં જવું તેમજ ધીમે ધીમે નકારાત્મકતા વધતી જવી, ઉજાગરા વધતા જવા, નિરાશા છવાતી જવી અને હળવું કે તીવ્ર ડિપ્રેશન અનુભવાય. આ બધાં લક્ષણો હોય તો વિના સંકોચે મનોવૈજ્ઞાનિક મદદ લેવી અનિવાર્ય છે.

જાતે શું કરી શકાય? સૌ પ્રથમ તો એ સ્વીકાર કરો કે તમારા જેવી સ્થિતિ થવી અત્યારના સમયમાં શક્ય છે. તેને સ્વીકારો. તમે એકલા જ ‘એકલા’ નથી. આ સ્ટ્રેસને લીધે ન હોય, પણ નબળા મૂડને લીધે શક્ય બની શકે. આમ તે વાત વિચિત્ર લાગે, પણ ઓનલાઇન સંબંધો કે મિત્રો વાસ્તવિક જીવનની સરખામણીમાં જેમ વધારે હોય તેમ એકલતા વધતી જાય છે. ન્યૂરોસાયકોલોજીનાં સંશોધનો કહે છે કે ઓનલાઇન બિહેવિયર અને ઓફલાઇન બિહેવિયર બંને વર્તન પર અલગ પ્રકારની અસરો જન્માવે છે. આભાસી આવેગાત્મક વર્તન ક્યારેય વાસ્તવિક વર્તનનો વિકલ્પ ન બની શકે. એટલે સૌ પ્રથમ તો ઓનલાઇન રહેવાનું ઓછું કરી દો.
બે અર્થપૂર્ણ સંબંધો અનેક ખોખલા અને દેખાવ પૂરતા સંબંધો કરતાં વધુ લાભદાયી છે. ઘણીવાર આપણે ‘સામેવાળી વ્યક્તિ મને પૂરેપૂરી ઓળખી જશે તો? પછી મારી વાત એ બીજાને કહી દેશે તો? પછી મારી આબરૂનું શું?’ આવા વધુ પડતા કાલ્પનિક ભયને કારણે નજીકની વ્યક્તિને પણ વાત નથી કરતા. એટલે ગૂંગળામણ અને એકલતા વધતાં જાય છે.

યાદ રાખો, તમારા આ નિરર્થક ભય કરતાં તમારું સ્વાસ્થ્ય વધુ અગત્યનું છે. પંચાતિયા અને ચોખલિયા દંભીઓ તમારા વિશે કંઈ પણ વાત કરે તો ય વિચલિત થવાની જરૂર નથી. ‘હમામ મેં સબ નંગે હૈ’ એ વાત ધ્યાનમાં રાખજો. અંગત સંબંધો સાચવવા તમારે પણ પ્રયત્નો તો કરવા જ પડશે. બર્થડે અને એનિવર્સરી કે અન્ય મહત્ત્વના પ્રસંગે તમારા નિકટના લોકોને એકઠા કરો. ન ગમે તો ય વાત કરો. આ તમારી સ્વ ચિકિત્સાનો એક ભાગ છે. નિયમિત ચાલવાની કસરત કરો. સમાજસેવામાં મન પરોવો. ‘તમારા કરતાં બીજા ઘણા દુઃખી છે’ એ ક્યારેય ભૂલશો નહીં. મનોચિકિત્સાથી એકલા રહીને પણ આંતરિક શાંતિ અનુભવતા શીખી શકાય છે. રુચાબહેન હવે અંદરથી અને અંતરથી સમૃદ્ધ થયાં છે. જાત સાથે આનંદ કરી શકે છે. સાચી સમજ ‘એકલતા’ને ‘એકાંત’માં ફેરવી શકે છે.
વિનિંગ સ્ટ્રોક : એકલતા નેગેટિવ લાગણી છે અને અન્ય વ્યક્તિ કે પરિસ્થિતિ દ્વારા લાદેલી સ્થિતિ છે, જ્યારે એકાંત પોઝિટિવ લાગણી છે અને જાતે સ્વીકારેલી હોય છે.
drprashantbhimani @yahoo.co.in

X
article by dr. prashant bhimani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી