મનદુરસ્તી / મિડ લાઇફની ઇમોશનલ ગૂંગળામણ

article by dr. prashant bhimani

ડૉ. પ્રશાંત ભીમાણી

Mar 06, 2019, 02:56 PM IST

‘ડોક્ટર, હું હવે ચાલીસની થવા આવીશ. એ વાત જુદી છે કે મારી એટલી ઉંમર દેખાતી નથી. પચીસ વર્ષની હતી ત્યારે મારા ડિવોર્સ થઈ ગયેલા, ઓગણીસ વર્ષે પ્રેમલગ્ન કર્યાં હતાં, પણ પ્રેમ તો એકાદ વર્ષમાં જ સાવ વરાળ થઈને ઓગળી ગયો. એ પછી હું મમ્મી-પપ્પાને ત્યાં જતી રહી હતી. મારે એક નાનો ભાઈ હતો. એનાં ચારેક વર્ષમાં લગ્ન થયાં. ભાભી પણ મને માથાની મળી. એ દરમ્યાન હું આઇ.ટી.માં આગળ કોર્સીસ કરતી ગઈ અને એક સરસ કંપનીમાં જોબ શરૂ કરી. ધીરે ધીરે એ કંપનીમાં મને ફાવી ગયું. સાચું કહું તો ત્યાં એક કલીગની કંપની મને ફાવી ગઈ. પછી એને તો પ્રમોશન મળતું ગયું અને એ અત્યારે મારો બોસ બની ગયો છે. અત્યાર સુધી તો બધું બરાબર ચાલતું હતું, પણ જ્યારથી એનું બોસ તરીકે પ્રમોશન થયું છે ત્યારથી એ સાવ બદલાઈ ગયો છે. અમારા રિલેશન્સ વિશે બધા જાણે છે, પણ હવે એને બીજી ઓફિસ એમ્પ્લોયીઝ સાથે ક્લોઝનેસ વધી ગઈ છે. મને આ બધાથી બહુ દુઃખ થાય છે. જે માણસ માટે મેં બીજાં લગ્ન પણ ન કર્યાં અને એક મિસ્ટ્રેસની જેમ રહી એ વ્યક્તિ જ હવે મને અવોઇડ કરે છે.’

  • ભૂતકાળના અનુભવોને આવેગાત્મક રીતે વળગી રહેવાથી ફાયદો થતો હોય તો ઠીક છે, બાકી આગળ વધવામાં જ ડહાપણ છે. વ્યક્તિ લાગણીની દૃષ્ટિએ મજબૂત થાય એ માટે બુદ્ધિને કામે લગાડવી જરૂરી બને છે

‘મને સતત ડિપ્રેશન જેવું લાગે છે. જીવનમાં અચાનક ખાલીપો આવી ગયો છે. અત્યારે તો હું એકલી જ રહું છું. મેં મારા પૈસે અેપાર્ટમેન્ટ ખરીદ્યો છે. અમારી ‘બેસ્ટ મોમેન્ટ્સ’ એ ફ્લેટમાં પસાર થઈ છે. હવે એ જ ઘર મને ખાવા દોડે છે. ખૂબ રડવું આવે છે. નાની-નાની વાતે ચિડાઈ જવાય છે. આખો દિવસ-રાત મોબાઇલ મચડ્યા કરું છું. રાત્રે ઊંઘ પણ નથી આવતી. ભૂખ તો જાણે મરી જ ગઈ છે. મારાં મમ્મી-પપ્પાની ઉંમર એટલી બધી છે કે હું એમને હવે સ્ટ્રેસ આપવા માગતી નથી, છતાંય હમણાંથી તો એમના ઉપર પણ ગુસ્સો થઈ જાય છે અને હા, મારે મેનોપોઝ પણ આવી ગયો છે. એના લીધે પણ થોડી હેરાન તો થઉં જ છું. મારી આ મિડ-લાઇફની ઇમોશનલ ગૂંગળામણમાંથી બહાર નીકળવું છે.’ સુજિતાબહેને કહ્યું.
વાસ્તવમાં સુજિતાબહેનની આ મધ્યવયની મુશ્કેલીઓનાં મૂળ યુવાવસ્થામાં જ નંખાઈ ચૂક્યાં હતાં. અણઘડ ઉંમરમાં થયેલા આકર્ષણને પ્રેમનું નામ આપીને પસ્તાનાર લોકોની કમી નથી. જેમ કેટલાક વિદ્યાર્થીઓને બારમા ધોરણમાં ઓછા ટકા આવવાનું જીવનભર દુઃખ જતું નથી એમ નાની ઉંમરે લગ્નભંગની નેગેટિવ અસરો જીવનભર ઓસરતી નથી. એ અચેતન માનસમાં ધરબાયેલી જ રહે છે, એવું મનોવૈજ્ઞાનિક સંશોધનો કહે છે. વ્યક્તિની લાગણીની ઇચ્છાઓ સમાજમાન્ય રસ્તે પૂરી થવી જરૂરી છે. નહીંતર જેમ પાણી એનો રસ્તો શોધી લે તેમ ઇમોશનલ નીડ્ઝ ગમે તે રીતે પૂરી કરવા વ્યક્તિ જ્યાં સેફ લાગે ત્યાં જોડાઈ જાય છે. શારીરિક જરૂરિયાતો કરતાં પણ માનસિક જરૂરિયાતો ઉંમર કરતાં વધારે પ્રબળ બનતી જાય છે.
વળી, સુજિતાબહેન હોર્મોનલ ડિસ્ટર્બન્સમાંથી પણ પસાર થઈ રહ્યાં છે. મેનોપોઝલ ડિપ્રેશન અને સંબંધિત વર્તન સમસ્યાઓ થઈ છે. પ્રેમી(કલીગ) બોસ બન્યા પછી વર્તન બદલે તો દુઃખ થાય એ સમજી શકાય એવું છે, પણ આવા સંજોગોમાં પોતાની અસલામતી અને હતાશા દૂર કરવા સાયકોથેરાપી જરૂરી છે. ભૂતકાળના અનુભવોને આવેગાત્મક રીતે વળગી રહેવાથી જો ફાયદો થતો હોય તો ઠીક છે, બાકી આગળ વધવામાં જ ડહાપણ છે. આવી સમજ મનોપચાર દ્વારા કેળવી શકાય છે. વ્યક્તિ લાગણીની દૃષ્ટિએ મજબૂત થાય એ માટે બુદ્ધિને કામે લગાડવી જરૂરી બને છે. સુજિતાબહેને જોબ બદલી નાખી છે. અન્ય કોલેજ ફ્રેન્ડ્ઝ સાથે મૈત્રી વધારી દીધી છે. પોતાની ફિટનેસ પર ધ્યાન આપવા હોલ્ધી ફૂડ, યોગ, પ્રાણાયામ અને કસરત રેગ્યુલર કરી દીધાં છે. સારવાર બાદ ડિપ્રેશન અને ઇમોશનલ ગુલામીમાંથી મુક્ત થઈને બુદ્ધિપૂર્વકની સંતુલિત લાગણીસભર સ્વતંત્રતા ભોગવે છે. મિડ લાઇફની ઇમોશનલ ગૂંગળામણ દૂર કરવા ‘સ્વ’થી પર થઈ બીજાનું ભલું ઇચ્છવા સોશિયલ સર્વિસ કરવામાં આવે તો પણ સંતોષનો ફ્રેશ ઓક્સિજન મળે છે.
વિનિંગ સ્ટ્રોક : લાગણીની સમસ્યાઓને ક્યારેય વધુ પડતા લાગણીશીલ થઈને ઉકેલી શકાય નહીં, એને માટે સંતુલિત દૃષ્ટિકોણ જરૂરી છે.
drprashantbhimani @yahoo.co.in

X
article by dr. prashant bhimani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી