મનદુરસ્તી / ADHDવાળો ગલીબૉય

article by dr. prashant bhimani

ડૉ. પ્રશાંત ભીમાણી

Mar 05, 2019, 03:40 PM IST

‘ડૉક્ટર, ખબર નથી કેમ અને કયા ચોઘડિયામાં અમે અમારા આ ગલીબૉય જેવા દીકરાનું નામ અમન પાડ્યું છે. એને જરાય શાંતિ જ નથી. અત્યારે એ પાંચમા ધોરણમાં છે, પણ એણે આખા ક્લાસમાં ત્રાસ વર્તાવી દીધો છે. શરૂ શરૂમાં એ થોડો તોફાની હતો એટલે અમે એવું માનતાં હતાં કે એ વખત જતાં શાંત થઈ જશે, પણ ધીમે ધીમે એ વધારે ચંચળ બનતો ગયો. અમારો અમન લગ્નનાં સાત વર્ષ પછી આઇ.વી.એફ.થી થયેલું સંતાન છે. અમે જોઇન્ટ ફેમિલીમાં રહીએ છીએ. ઑફકોર્સ અમન આખા ફેમિલીનો લાડકો છે, પણ એની શરતો અને ડિમાન્ડ્સ દિવસે ને દિવસે વધતાં જ જાય છે અને ના પાડીએ તો એના હાથમાં જે આવ્યું તે છૂટું ફેંકે. અમને એમ કે શહેરની સારામાં સારી સ્કૂલમાં મૂકીએ તો ભાઈ કંઈક સુધરશે, પણ એની બધા ટીચર્સ કમ્પ્લેઇન્સ કરવા લાગ્યા છે. ક્લાસમાં ખૂબ હાઇપર-એક્ટિવ રહે છે. હોમવર્ક પૂરું કરતો નથી. બીજા સ્ટુડન્ટ્સને પણ ડિસ્ટર્બ કરે છે. એના પપ્પા તો મોટે ભાગે બિઝનેસ ટૂરમાં બહાર હોય એટલે મારે જ એને હેન્ડલ કરવાનો આવે. એની નજરમાં તો હું જ સૌથી મોટી વિલન છું અને બીજી બાજુ ટીચર્સ પણ મારી ઉપર જ બ્લેમ કરે છે. એના પપ્પા તો હવે એને ફટકારે છે ત્યારે થોડી વાર ચૂપ બેસે, પણ પછી આ અમારો ‘ગલીબૉય’ હતો ત્યાં નો ત્યાં જ અને પાછો આજકાલ ગીત ગાય છે, ‘અપના ટાઇમ આયેગા’ એમ કહીને સોસાયટીમાં દોડાદોડ કરી મૂકે છે. શું કરવું ડૉક્ટર, કંઈ સમજાતું નથી.’ પ્રીશાબહેન કહી રહ્યાં હતાં.

  • ADHD થવાનાં કારણો સ્પષ્ટ નથી ક્યારેક પિતા તરફથી તે મળી શકે છે

દુનિયામાં સૌથી વધુ ફેલાયેલી એકથી દસ માનસિક વિકૃતિઓના લિસ્ટમાં આ વિકૃતિનો સમાવેશ થાય છે, જે ADHD (એટેન્શન ડેફિસીટ હાઇપર એક્ટિવિટી ડિસઓર્ડર) તરીકે ઓળખવામાં આવે છે. આ કોઈ રોગ નથી, પણ એક ન્યુરોબાયોલોજિકલ પરિસ્થિતિ છે, જેમાં મગજની ક્રિયાઓમાં વિક્ષેપ હોય છે. ભારતમાં જોવા મળતા મોટાભાગના કિસ્સાઓ હળવાથી મધ્યમ પ્રકારના હોય છે. ઘણીવાર પેરેન્ટ્સ અને ટીચર્સ પણ સાધારણ હાઇપર એક્ટિવિટી અને વિકૃતિ વચ્ચેનો ભેદ પારખી શકતાં નથી. મારા ક્લિનિકલ અનુભવ પ્રમાણે આ સ્થિતિ ભારતમાં ઘણીવાર ઓવર ડાયગ્નોસ થઈ જાય છે. પછી જીવનભર એ બાળક પર ADHD ચાઇલ્ડનું લેબલ લાગી જાય છે. જોકે, આશરે 20% ADHD બાળકોમાં લર્નિંગ ડિસએબિલિટી અને 80%માં અન્ય શૈક્ષણિક સમસ્યાઓ જોવા મળે છે.
ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી પડવી એ આ ડિસઓર્ડરનું પ્રમુખ લક્ષણ છે. ભણવામાં વારંવાર ભૂલો થયા કરે. ભવિષ્યનું પ્લાનિંગ ન રહી શકે. પ્રોજેક્ટ્સ કે હોમવર્ક પૂરા ન કરી શકે. પુસ્તકો, લંચબોક્સ કે કંપાસ ખોઈ નાંખે. એક જગ્યાએ શાંતિથી બેસી ન શકે, દોડાદોડ કરીને ગમે તે રિસ્કી જગ્યાએ (ઝાડ કે પાળી જેવી) ચડી જાય. ખૂબ બોલે કે ગાયા કરે, પોતાનો વારો આવવાની રાહ ન જુએ. લાગણીઓ ઉપર પણ કાબૂ ન રહે. તરંગીપણું પણ સ્પષ્ટ રીતે આવાં બાળકોમાં જણાઈ આવે. પૂછ્યા વગર ક્લાસમાં મોટેથી બોલી જાય. આવાં બધાં માતા-પિતાના માથાનો દુખાવો બની જતાં લક્ષણો ADHD ચાઇલ્ડમાં જોવા મળે છે. ADHD થવાનાં કારણો સ્પષ્ટ નથી. ક્યારેક વારસાગત ખાસ કરીને પિતા તરફથી આ વિકૃતિ મળી શકે છે. જો માતાએ પ્રેગ્નન્સી દરમિયાન કોઈ આડઅસરવાળી દવાઓ લીધી હોય કે ડિલિવીરી દરમિયાન મુશ્કેલી પડી હોય તો પણ આવું જોવા મળે છે.

ADHD ડિસઓર્ડરનાં પ્રમુખ લક્ષણો
- ભણવામાં વારંવાર ભૂલો થયા કરે.
- ભવિષ્યનું પ્લાનિંગ ન રહી શકે. પ્રોજેક્ટ્સ કે હોમવર્ક પૂરા ન કરી શકે. પુસ્તકો, લંચબોક્સ કે કંપાસ ખોઈ નાંખે.
- એક જગ્યાએ શાંતિથી બેસી ન શકે, દોડાદોડ કરીને ગમે તે રિસ્કી જગ્યાએ (ઝાડ કે પાળી જેવી) ચડી જાય.
- ખૂબ બોલે કે ગાયા કરે, પોતાનો વારો આવવાની રાહ ન જુએ.
- લાગણીઓ ઉપર પણ કાબૂ ન રહે. તરંગીપણું પણ સ્પષ્ટ રીતે આવાં બાળકોમાં જણાઈ આવે.

અમનના કિસ્સામાં મંદ ADHD લક્ષણો હતાં, પણ ખાસ તો એનાં માતા-પિતાનું કાઉન્સેલિંગ જરૂરી હતું. એકનું એક બાળક વધુ પડતા લાડકોડથી ઓવર પ્રોટેક્ટ થયેલું હોય અને સ્કૂલમાં અન્ય વિદ્યાર્થીઓ સાથે એડજસ્ટ ન થઈ શકે ત્યારે મનોચિકિત્સા જરૂરી બને છે. અમનને સાયકોથેરાપી અપાઈ. એના શિક્ષક સાથે પણ વાત થઈ. એની સાથે અન્યનું વર્તન બદલાય તો અમનમાં પણ ક્રમશઃ સુધારો થાય તે નક્કી હતું. અમનના પિતાએ મારવાનું સદંતર બંધ કરી દીધું છે. અમન પહેલાં દોડાદોડ કરીને ગાતો હતો હવે એક જગ્યાએ ઊભો રહીને ગાતો થઈ ગયો છે. ‘અપના ટાઇમ આયેગા.’ ટૂંકમાં અમન ખરેખર શાંત થવા માંડ્યો છે.
વિનિંગ સ્ટ્રોક : ઉછેરની પ્રક્રિયામાં માતા-પિતા અને સંતાન બંનેએ પરિપક્વ બનવું પડે છે.
drprashantbhimani @yahoo.co.in

X
article by dr. prashant bhimani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી