મનદુરસ્તી / વર્ષભર વેલેન્ટાઇન્સ ડે ટકાવવાની ટિપ્સ

article by dr. prashant bhimani

ડૉ. પ્રશાંત ભીમાણી

Feb 13, 2019, 04:39 PM IST

‘છેલ્લા એક વર્ષમાં મેં એને શું નથી આપ્યું? મારા ઇમોશન્સ, મારું શરીર, મારા પૈસા બધું જ. શરૂઆતમાં મારાં પેરેન્ટ્સ પણ એની અગેઇન્સ્ટ હતાં. મને ના પાડતાં હતાં. કહ્યું હતું, ‘બેટા, રહેવા દે. આ છોકરો અમને બરાબર નથી લાગતો.’ પણ કુશાને મારાં પેરેન્ટ્સને પટાવી લીધાં. મને એમ કે એ ખરેખર મને લોયલ છે. મારી સાથે આખી જિંદગી કમિટેડ રહેશે, પણ કુશાનના તેવર છેલ્લા બે-ત્રણ મહિનાથી બદલાઈ ગયા છે. એ મારા મેસેજના પણ જવાબ નથી આપતો.

  • કુશાનને બ્રેકમાં નાના પણ સ્વીટ મેસેજ કરવાનું સૂચવવામાં આવ્યું

હું જોઉં છું કે મારા વૉટ્સએપના મેસેજમાં બે બ્લૂ ટિક થઈ ગઈ છે. મીન્સ એણે મેસેજ વાંચ્યો છે, પણ એ મને જવાબ નથી આપતો. એને હવે મારી પડી જ નથી. આઇ એમ રિયલી ડિપ્રેસ્ડ. ક્યારેક તો થાય છે એને જઈને એક લાફો મારી દઉં. મને એવો પણ વિચાર આવે છે કે હું ‘બ્રેકઅપ’ કરી દઉં, પણ એનાથી એ વધારે ખુશ થઈ જશે. મારે તો એને સબક શિખવાડવો છે. એને જેલસ ફીલ કરાવવું છે. એટલે હમણાં જ મેં એના જ એક ફ્રેન્ડ સાથેના ક્લોઝ પિક્ચર્સ ઇન્સ્ટા પર અપલોડ કર્યા. ફેસબુક પર પણ અલગ અલગ છોકરાઓ સાથે પિક્સ મૂક્યાં. ડૉક્ટર, મને બહુ જ ઇમોશનલ પેઇન થાય છે. મારાં પેરેન્ટ્સ હવે મારા બદલે કુશાનની સાઇડ લે છે અને મને સમજાવે છે. તમારી પાસે એટલે જ મારાં મમ્મી-પપ્પા મને લઈ આવ્યાં છે. લાસ્ટ વેલેન્ટાઇનના દિવસે કુશાને મને પ્રપોઝ કર્યું હતું અને આ વખતના વેલેન્ટાઇન્સના દિવસે હું રિલેશનશિપ ડિસ્પોઝ કરવા માગું છું.’ આલિશા કુશાનની હાજરીમાં જ એકીશ્વાસે બોલી ગઈ.
પશ્ચિમના દેશોની વસંતઋતુ એટલે વેલેન્ટાઇન્સ. ‘પ્રેમ’નું ફટાફટ પ્રગટ થઈ જવું એ આજકાલ યુવક-યુવતીઓ માટે રૂટિન બાબત બની ગઈ છે. આકર્ષણથી પ્રેમ શરૂ થઈ શકે એમાં ના નહીં, પણ એ પ્રેમને ટકાવવા એકલું શારીરિક આકર્ષણ કામ નથી લાગતું. શારીરિક જરૂરિયાતોની સાથે સૌથી મહત્ત્વની માનસિક જરૂરિયાત હોય છે. એમાં લાગણીઓની અભિવ્યક્તિને અવગણી શકો નહીં. પ્રેમને અનુભવવો અને અભિવ્યક્ત કરવો એ બંને જરૂરિયાતો ઉત્ક્રાંતિના તબક્કાઓના અંતે વિકસિત થઈ છે. સાથે સૌથી મહત્ત્વનું છે સોશિયલ સ્ટેટસ. આજકાલ તો પ્રાઇમરી સ્કૂલથી આવા સિંગલ કે કમિટેડ સ્ટેટસ શરૂ થઈ જાય છે અને ઝડપથી બદલાતા પણ રહે છે. જ્યારે સિરિયસ રિલેશનશિપ શરૂ થાય છે ત્યારે અપેક્ષાઓનું બંચ બંધાતું જાય છે. ઘણીવાર પર્સનલ જરૂરિયાત હોય તો ક્યારેક દેખાદેખીમાં સામેવાળી વ્યક્તિએ ‘આવું કરવું જ પડે’ એ પ્રકારની જીદ ઊભી થાય છે. જે આકર્ષણનો ઊભરો વેલેન્ટાઇન્સ-ડેના રોજ હોય તે સમગ્ર વર્ષ દરમ્યાન અણસમજના લીધે ભાગ્યે જ ટકે છે, પણ જો સામેની વ્યક્તિનો તેના ગુણ-દોષ સહિત સંપૂર્ણ સ્વીકાર થાય તો વેલેન્ટાઇન્સ ડે આખું વર્ષ ટકી શકે.
આલિશા માટેની ઇનસિક્યોરિટીનું કારણ કુશાનનું બદલાયેલું બિહેવિયર હતું. એ બંનેનું ‘કપલ કાઉન્સેલિંગ’ કરવામાં આવ્યું. ‘હવે તું પહેલાં જેવો નથી રહ્યો કે નથી રહી’ એ વાક્ય સંબંધમાં ઘણી વાર ઘાતક સાબિત થાય છે. આ માટે યોગ્ય મનોમંથન જરૂરી છે. સમય જતાં ભલભલો માણસ બદલાઈ શકે. એ વાત યાદ રાખવી જરૂરી છે. કુશાન પોતાના કામમાં કે કરિયરમાં બિઝી હોય એનો મતલબ હંમેશાં ‘ઇગ્નોરન્સ’ નથી એવું દર્શાવવા માટે કુશાનને કામની વચ્ચેના બ્રેકમાં નાના પણ સ્વીટ મેસેજ કરવાનું સૂચવવામાં આવ્યું. એકબીજાનાં વાસ્તવિક વખાણ કરવાની ટેવ ચાલુ રાખવી જરૂરી હતી. કોઈ મુદ્દા પર અસહમત થવાય એનો વાંધો ન હોવો જોઈએ, પણ લાગણીથી દૂર થવાય નહીં એ જોવું જરૂરી હતું. કમ્યુનિકેશનની ભૂલો સુધારવા માટે એને સ્પષ્ટ રીતે ક્યારેક ઇમોજીસ ગરબડ કરી શકે એના કરતાં સ્પષ્ટ શબ્દોમાં બોલીને કહેવું સારું. પાર્ટનરની ન ગમતી બાબતો વિશે સભ્ય ભાષામાં ઉલ્લેખ જરૂર કરો, પણ તેને મોટું સ્વરૂપ ન આપો. સાથીની સારી બાબતોને વધુ પ્રાધાન્ય આપો. ઘણીવાર પ્રેમી એવું નથી ઇચ્છતા કે સામેની વ્યક્તિ પોતાના મૌનને સમજી જાય, પણ એથીય અગત્યનું એ છે કે એ પોતાની જરૂરિયાતો સમજી જાય. હા, આલિશાએ પોતાના ઈર્ષાભરેલા અપલોડ્સ ડિલીટ કરી દીધા છે.

વિનિંગ સ્ટ્રોક : પ્રેમની અભિવ્યક્તિની રીતો બદલાઈ શકે, પણ પ્રેમની અનુભૂતિ ન બદલાઈ શકે. હૅપ્પી વેલેન્ટાઇન્સ!

drprashantbhimani @yahoo.co.in

X
article by dr. prashant bhimani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી