મનદુરસ્તી / આજનું ખતરનાક વ્યસનઃ સોશિયલ મીડિયા એડિક્શન

article by dr. prashant bhimani

ડૉ. પ્રશાંત ભીમાણી

Feb 06, 2019, 01:11 PM IST

‘ડૉક્ટર, અનોલી કોઈ દેખીતા કારણ વગર જ અમારી સાથે બોલતી નથી. એ કમ્પ્યૂટર એન્જિનિયરિંગ ભણે છે. હવે થોડા વખતમાં એની પરીક્ષા છે, પણ એ સાવ સૂનમૂન બેસી રહે છે. એના જમવાનું કોઈ ઠેકાણું નથી રહ્યું. ગમે તે સમયે ઓનલાઇન ઓર્ડર કરીને ફૂડ મંગાવી લે છે. રાતે એના રૂમની લાઇટ બંધ હોય, પણ અંદર સહેજ નજર કરીએ તો એ એના મોબાઇલમાં જ બિઝી હોય. ઊઠીને તરત મેસેજ ચેક કરવાના. બાથરૂમમાં પણ મોબાઇલ લઈ જાય. જમતી વખતે, ગાડી ચલાવતી વખતે... દરેક સમયે એનો અંગૂઠો મોબાઇલ પર ફર્યા કરતો હોય, એનો અંગૂઠો જેટલો એક્ટિવ છે એટલી જ એ પોતે પેસિવ થઈ ગઈ છે. એના નાના ભાઈ સાથે તો જાણે કોઈ રિલેશન જ ન હોય એમ રહે છે. એણે ઘરને હોસ્ટેલ બનાવી દીધી છે. ડેડીની લાડકી છે એટલે પૈસા જોઈએ તેટલા મળી જાય છે, પણ આઇ એમ શ્યોર કે અનોલીને મોબાઇલનું એડિક્શન થઈ ગયું છે.’ પ્રેરણાબહેને દીકરીની વ્યથા વ્યક્ત કરી.

  • મને હમણાંથી બહુ ગુસ્સો આવે છે. મારા સિવાય મારા બધા સોશિયલ મીડિયા ફ્રેન્ડ્ઝની લાઇફ વધારે સારી છે. એ બધા કેવા ઓલ્વેઝ એન્જોય કરતા હોય છે? મારી જ લાઇફ બરાબર નથી. મારામાં જ કંઈક ખૂટે છે.

મેં જ્યારે અનોલીને પૂછ્યું ત્યારે એણે કહ્યું કે, ‘મને હમણાંથી બહુ ગુસ્સો આવે છે. મારા સિવાય મારા બધા સોશિયલ મીડિયા ફ્રેન્ડ્ઝની લાઇફ વધારે સારી છે. એ બધા કેવા ઓલ્વેઝ એન્જોય કરતા હોય છે? મારી જ લાઇફ બરાબર નથી. મારામાં જ કંઈક ખૂટે છે.’
ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર અને સ્નેપચૅટ પર રહેલા લગભગ 500 જેટલા મિલેનિયમ બેબીઝ મતલબ અત્યારે ટીનએજમાં પ્રવેશેલાં છોકરા-છોકરીઓનો ટેક્સાસની યુનિવર્સિટી દ્વારા ડિટેઇલ અભ્યાસ કરવામાં આવ્યો. જે ‘બાયોબિહેવિયરલ રિસર્ચ’ નામક જર્નલમાં પ્રકાશિત પણ થયો છે. આમાં સ્પષ્ટ જણાવાયું છે કે આવાં સોશિયલ મીડિયા એડિક્ટ યુવક-યુવતીઓમાં ‘મેજર ડિપ્રેસિવ ડિસઓર્ડર’નાં લક્ષણો જોવા મળ્યાં છે. એમની માનસિકતા માત્ર લાઇક્સ અને ટેગથી પ્રભાવિત થાય છે. અલબત્ત, સોશિયલ મીડિયા ઘણી રીતે સહાયક પણ છે. જેમ કે, જૂના સંબંધોને પુનઃસ્થાપિત કરી શકાય છે, નવી જાણકારી, સમાચાર કે વૈજ્ઞાનિક શોધો વિશે અવગત રહી શકાય છે. તેમજ પોતાની સિદ્ધિ કે માર્કેટ પ્રોડક્ટ વિશે બીજાને જણાવી શકાય છે, પણ આ બધા પોઝિટિવ ઉપયોગો જો સંતુલનમાં કરવામાં આવે તો જ ફાયદો થાય, નહીંતર સાયકોલોજિકલ ડિસઓર્ડર્સને ખુલ્લું આમંત્રણ મળી જાય છે.
જર્નલ ઑફ બિહેવિયરલ એડિક્શનમાં પ્રકાશિત એક અભ્યાસ અનુસાર સોશિયલ મીડિયાના વધુ પડતાે ઉપયોગ ડ્રગ એડિક્શન જેટલો જોખમી છે. અમેરિકાની મિશિગન યુનિવર્સિટીના ડૉ. ડાર મેશીના જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયા એડિક્ટ લોકોમાં અનુકૂલનની સમસ્યાઓ સૌથી વધુ છે. મતલબ એ લોકો એમની આસપાસના લોકો અને વાતાવરણથી વિમુખ થતા જાય છે. સંબંધોની સમસ્યાઓ અને મૂડસ્વિંગ જોવા મળે છે. સોશિયલ મીડિયા એડિક્ટ યોગ્ય સમયે યોગ્ય નિર્ણયો લઈ શકતા નથી. પોતાની ભૂલો પરથી શીખવાની વૃત્તિ ઘટતી જાય છે.
ઘણીવાર સોશિયલ મીડિયાના આ ખતરનાક વ્યસનને કારણ વગર વળગી રહેવા માટે અચેતન સ્તરની હતાશા જવાબદાર હોય છે. અનોલીના અચેતન મનમાં એના નાના ભાઈના જન્મ પછી તરછોડાયાની ભાવના જન્મી હતી. પોતાના ભાઈને પોતાના કરતાં ઘરમાં વધુ મહત્ત્વ મળે છે એ કમ્પેરિઝન થયા કરતી. જોકે, થોડો ઘણો વાંક એના પરિવારજનોનો પણ હતો. એમનું પણ આ વિશે કાઉન્સેલિંગ થયું. ઘરમાં પૂરતો પ્રેમ નથી મળતો એવી માનસિકતા સાથે બહાર પ્રેમ કે અપ્રૂવલ શોધવાની ઘેલછા આવા વર્તનને જાણે-અજાણે જન્મ આપે છે. પોતાની લઘુતાગ્રંથિને ઘણીવાર ડિજિટલ પ્રેઝન્સથી મેનેજ કરવાનો પ્રયાસ થતો હોય છે. આ બધા માટે અનોલીને સોશિયલ મીડિયા પરથી એની સંમતિ સાથે થોડા સમય માટે એપ્સ ડિલીટ કરવાનું સૂચન થયું. એ જિમ જતી થઈ. ઘરમાં એનું મહત્ત્વ વધ્યું અને ‘સોશિયલ મીડિયાની સાક્ષરતા’ પછી ઓવરઓલ હેપિનેસ પાછી આવી.
વિનિંગ સ્ટ્રોક: ભવિષ્યમાં ટેક્નોલોજી બદલાશે તેમ સોશિયલ મીડિયાનું સરનામું બદલાશે, પણ એમાં થતું એન્ટિ સોશિયલ બિહેવિયર બદલાય તેની કોઈ ગેરંટી નથી.
drprashantbhimani @yahoo.co.in

X
article by dr. prashant bhimani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી