Back કથા સરિતા
ડૉ. પ્રશાંત ભીમાણી

ડૉ. પ્રશાંત ભીમાણી

સાઈકોલોજી (પ્રકરણ - 38)
સાઈકોલોજિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણી ‘દિવ્ય ભાસ્કર’ની ‘મનદુરસ્તી’ કોલમથી સરળ શૈલીમાં મનની આંટીઘૂંટીઓ સમજાવે છે.

બ્રેકઅપ કેવી રીતે નુકસાન કરી શકે?

  • પ્રકાશન તારીખ30 Jan 2019
  •  

ગયા શનિવારે સાંજે રૂબિનાએ એક મસમોટી પાર્ટી થ્રો કરી, ‘બ્રેકઅપ’ પાર્ટી. બધાને આમ તો ખબર જ હતી કે સમીર અને રૂબિનાનું ત્રણેક મહિના પહેલા બ્રેકઅપ થઈ ચૂક્યું છે, પણ નવાઈ એ વાતની હતી કે રૂબિનાએ એ પાર્ટી અત્યારે કેમ આપી? જોકે, એણે પોતે જ પાર્ટીમાં બધાને એવું કહ્યું કે, ‘સમીરને તો મારી નહીં પડી હોય, પણ હું હવે સમીરના વિચારોમાંથી કમ્પ્લીટલી બહાર આવી ગઈ છું. મેં બહુ સહન કર્યું.

એના ટેન્ટ્રમ્સ, એનો ગુસ્સો એનું પઝેશન વગેરે વગેરે. છૂટા થયા ત્યારે હું ડિપ્રેશનમાં પણ હતી, પણ હવે એમાંથી હું બહાર છું. ફ્રેન્ડ્ઝ આ એ ‘કમ્પ્લીટ બ્રેકઅપની પાર્ટી’ છે. હવે હું ઇમોશનલી ફ્રી છું. એટલે હેપ્પી છું.’

  • વ્યક્તિ મનોવૈજ્ઞાનિક પ્રયત્ન કરે તો ખરાબ સમયમાંથી બહાર નીકળે જ છે

અમેરિકાના લોસ એન્જલસમાં યુનિવર્સિટી ઑફ ફેમિલી મેડિસિનના ક્લિનિકલ પ્રોફેસર સ્ટેન ટેટકીનની પોતાની જ સ્ટોરી રસપ્રદ છે. એમના ઓગણીસ વર્ષ પહેલાં અચાનક ડિવોર્સ થયા, જેની એમણે કલ્પના સુધ્ધાં નહોતી કરી. ખૂબ દુઃખ પહોંચ્યું પણ તેઓ આગળ વધ્યા. ડિવોર્સ પહેલાં તેઓ ડેવલપમેન્ટલ ન્યુરોસાયન્સના ક્ષેત્રમાં હતા.

માતા અને બાળકો વચ્ચેના ઇમોશનલ કનેક્શન પર અભ્યાસો કરતા હતા, પણ ડિવોર્સ થયા પછી એમણે કાર્યક્ષેત્ર બદલ્યું, કારણ કે એમને જાણવું હતું કે ‘મારી લાઇફમાં આવું કેવી રીતે થઈ શકે?’ એમને સંશોધનો પછી જણાયું કે જે બાળકોને માતા-પિતા સાથે ઇમોશનલ સંઘર્ષો થયા હોય તેમની પછીની જિંદગીમાં પ્રેમ અને લગ્નજીવનમાં મુશ્કેલીઓ આવે જ છે. અલબત્ત, આ ઘટના પછી હાલમાં ડો. ટેટકીન કપલ કાઉન્સેલિંગના એક્સપર્ટ તરીકે કામ કરે છે.


સંશોધનો સ્પષ્ટ રીતે દર્શાવે છે કે, પ્રેમભગ્નતા અને પ્રેમી તરફથી મળેલો અસ્વીકાર લોકોનાં જીવન બદલી નાખે છે. એટલે જ તો દેવદાસ પર આટલી બધી ફિલ્મો બની ચૂકી છે. પણ અત્રે મહત્ત્વની વાત એ છે કે વ્યક્તિ મનોવૈજ્ઞાનિક પ્રયત્ન કરે તો ચોક્કસપણે એ ખરાબ સમયમાંથી બહાર નીકળે જ છે. એમાં શંકા નથી. લગભગ દરેક હાર્ટબ્રેકના સાર્વત્રિક લક્ષણો છે.

જેમ કે, ‘વ્યક્તિને એવું લાગે કે, એની પાસે કંઈક મૂલ્યવાન હતું અને હવે નથી,’ કારણ કે જ્યારે લગ્ન થાય છે ત્યારે વ્યક્તિ જીવનભરના સાથની કલ્પના અને ઇચ્છા સાથે પરણે છે. ઈ.સ. 2011ના ‘પ્રોસિડિંગ્સ ઑફ નેશનલ એકેડેમી ઑફ સાયન્સ’ નામના જર્નલમાં ડૉ. ઇથન ક્રોસ એવું જણાવે છે કે રોમેન્ટિક બ્રેકઅપ મગજના એવા ભાગોને સક્રિય કરે છે જે શારીરિક વેદના સાથે સંકળાયેલા હોય છે. એટલે જ એવું પણ છે કે જ્યારે પ્રેમ થાય ત્યારે દુનિયા કંઈક વધુ પડતી સારી લાગે છે.

પાનખરમાંય વસંતનો અનુભવ થાય છે, કારણ કે એ વખતે બ્રેકઅપથી વિરુદ્ધ મગજનાં પ્લેઝર સેન્ટર્સ ઉત્તેજિત થયેલાં હોય છે, બરાબર એ જ રીતે જેમ ડ્રગ્સ અથવા આલ્કોહોલના નશામાં થાય. એટલે જ જ્યારે નશો ઓછો થવા લાગે ત્યારે વ્યક્તિ વધુ વ્યસન માટે ફરી માગણી કરે છે. બરાબર એમ જ પ્રેમ કે રોમાન્સ ઓછો થાય ત્યારે જેને એની તલપ લાગે છે એ વ્યક્તિ વારંવાર પોતાના એક્સ બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ પાસે પ્રેમની ભીખ માગે છે. પ્રેમી દ્વારા અસ્વીકાર સાથે પણ કોકેઇનના વ્યસનીઓના મગજના જે ભાગમાં અસરો થાય છે બરાબર એવી જ અસરો ઊભી થાય છે.


અને જો આ રિજેક્શનને લીધે વ્યક્તિ તાત્કાલિક કોઈક બીજા સાથે સંકળાઈ જાય તો વળી ઓર મુશ્કેલીઓ વધી જાય છે. આ ઉલમાંથી ચૂલમાં પડવાની ‘રિબાઉન્સ રિલેશનશિપ’ વધારે ખતરનાક હોય છે, કારણ કે શક્ય છે કે સામે પણ એવી જ અનસ્ટેબલ વ્યક્તિ હોય. એનાથી પણ ભયંકર એકસાથે અનેક સંબંધોની ગૂંચમાં ફસાનારની દશા થાય છે, કારણ કે અમુક સમયને અંતે ‘નવા પ્રેમનું ચક્કર’ પણ જ્યારે પતવા આવે ત્યારે વધારે હતાશા ઊભી થાય છે.


રૂબિના સાયકોથેરાપી દ્વારા પોતાના ડિપ્રેશન અને પેલા રિબાઉન્સ ઇમોશનને કંટ્રોલમાં રાખતા શીખી હતી. કામ પર વધુ ધ્યાન આપવાથી નકામી વધારાની લાગણીઓ ખરી પડે છે. સાહિત્ય કે ફિલ્મોમાં મોટેભાગે આદર્શ પ્રેમની કલ્પના જરૂર કરતાં વધુ પ્રમાણમાં દર્શાવાય છે. વાસ્તવિક જીવનને અનુસરવાથી આ સ્વપ્નસૃષ્ટિમાંથી ઝડપથી નીકળાય છે. પ્રેમ હોય તે સારું છે અને જરૂરી પણ છે, પણ જો પ્રેમ સતત ભાર અને દુઃખ આવે તો ફરી વિચાર કરવો જરૂરી છે.


વિનિંગ સ્ટ્રોક : દ્વિપક્ષીય સમજણ અને સ્વીકારવાળું બ્રેકઅપ શ્રેષ્ઠ છે, પણ એ ભાગ્યે જ થતું હોય છે.
drprashantbhimani @yahoo.co.in

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP