મનદુરસ્તી / આંતરડા એ બીજું મગજ છે?

article by dr. prashant bhimani

ડૉ. પ્રશાંત ભીમાણી

Jan 23, 2019, 06:01 PM IST

‘ડૉક્ટર, જ્યાં સુધી દવા લઉં ત્યાં સુધી સારૂ લાગે પછી જેવી એને બંધ કરૂં કે થોડા દિવસ તો વાંધો ન આવે પણ પછી ફરીથી એ જ ગભરામણના હુમલા ચાલુ થઈ જાય. હવે તો મને ‘બીક લાગવાની ય બીક’ લાગે છે. અને હા, મારૂ પેટ બગડે એ વખતે મને ખૂબ તકલીફ થાય, આઈ મીન માનસિક... બીક, ભય અને ચિંતા ચાલુ થઈ જાય. મેં કેટલાય ગેસ્ટ્રો એન્ટ્રોલોજીસ્ટને બતાવ્યું. એ બધાએ એક જ તારણ આપ્યું કે તમને કોઈ તણાવને કારણે પેટમાં ગરબડ થાય છે. બાકી એન્ડોસ્કોપી, કોલોનોસ્કોપી તેમજ સોનોગ્રાફી વગેરે રિપોર્ટ નોર્મલ જ આવે છે. છત્રીસ વર્ષના અનંતભાઈએ ફરિયાદ કરી.

  • મગજ આંતરડાના જીવાણુઓ સુધી સંદેશાવહન કરે છે.

સૌ પ્રથમ એ વાત સ્પષ્ટ છે કે ડૉક્ટરની સલાહ વગર જાતે જ દવા ચાલુ કે બંધ કરવી હિતાવહ નથી. અનંતભાઈના જીવનના ભૂતકાળના અનુભવો અને આદતો ક્લિનિકલ હિસ્ટ્રીમાં સમજવા મેં પ્રયાસ કર્યો. અતિશય પરફેક્શનિસ્ટ અને ખૂબ મહત્વાકાંક્ષી અનંતભાઈ મનોવિજ્ઞાનની ભાષામા ‘ટાઈપ એ’ પ્રકારનું વ્યક્તિત્વ ધરાવતા હતા. તદ્ઉપરાંત ગમે તે જગ્યાએ બહારનું ખાવાના શોખીન હતા. ગમે તેટલી સલાહો છતાં ‘ફૂડી’ એવા અનંતભાઈ જંક અને સ્પાઈસીફૂડને છોડી શકતા નહોતા.


આજે મારે તમને આ કિસ્સા પરથી મનોચિકિત્સામાં વિકસી રહેલા નવા ખ્યાલ અંગે વાત કહેવી છે. આશરે એકાદ દસકા પહેલા અમેરિકાના બાલ્ટીમોરના શેપર્ડ પ્રાટ હેલ્થ સિસ્ટમના ક્લિનિકલ સાયકોલોજીસ્ટ ડૉ, ફેઈથ ડિકરસને એવો વિચાર આપ્યો હતો કે આપણા આંતરડામાં રહેલા બેક્ટેરીયા દ્વારા આપણું કેટલુંક વર્તન અને માનસિક સ્વાસ્થ્ય નક્કી થતું હોય છે. ડૉ. ફેઈથે ગંભીર માનસિક રોગો ઉપર ચેપ અને રોગ પ્રતિકારક શક્તિની અસરો વિશે અભ્યાસો કર્યા છે.

આજે એ બાબત સુપેરે સાબિત થઈ ચૂકી છે કે આપણા પાચનતંત્રના કરોડો જીવાણુઓ કે જે માઈક્રોબિઓમ નામથી ઓળખાય છે તે આપણા સ્વાસ્થ્ય પર અગણિત અસરો જન્માવે છે. તેમાં ય ખાસ કરીને આંતરડામાં રહેતા સૂક્ષ્મ જીવાણુઓ માનસિક સ્વાસ્થ્ય અને કોગ્નિશન એટલે કે બૉધનની પ્રક્રિયાઓ પર અસર કરે છે. આને ‘માઈક્રોબિઓમ-ગટ-બ્રેઈન એક્સિસ’ તરીકે ઓળખવામાં આવે છે, જે દ્વિતરફી સંવાદ કરે છે. મતલબ જીવાણુઓ આંતરડાથી મગજ સુધી અને મગજ આંતરડાના જીવાણુઓ સુધી સંદેશાવહન કરે છે.

આવું યુનિવર્સિટી ઑફ કોલોરાડો બોલ્ડરના ઈન્ટીગ્રેટીવ ફિઝીયોલોજીના પ્રોફેસર ક્રિસ્ટોફર લોરીનું સંશોધન છે. મતલબ એવો થાય કે માનસિક વિકૃતિઓની સારવાર માટે ખોરાકમાં ફેરફારો થાય તો ફાયદો જરૂરથી થાય. આના માટે મગજને લાભદાયી એવા જીવાણીઓથી ભરપૂર એવું એક ખોરાક-સપ્લીમેન્ટ તૈયાર થઈ શકે જેને ‘સાયકોબાયોટિક્સ’ કહેવાય.


સંશોધનો તો ત્યાં સુધી કહે છે કે, આંતરડા એ બીજુ મગજ છે જેમાં ચેતાકોષો અને ન્યુરોટ્રાન્સમીટર્સના જટિલ નેટવર્ક ગોઠવાયેલા છે. એને આંતરડાની નર્વસ સિસ્ટમ પણ કહે છે. મેં મારી પ્રેક્ટિસ દરમ્યાન પણ નોંધ્યું છે કે, માનસિક સમસ્યાઓ અને આંતરડાની સમસ્યાઓ ઘણીવાર સાથે જોવા મળે છે. અહીંયા સાયકોસોમેટીક સમસ્યાઓની વાત નથી પણ એ બે વચ્ચેના સંબંધની વાત છે.

જે લોકોને પાચનતંત્રને લગતા રોગો હોય તેમનામાં સામાન્ય લોકો કરતા ડિપ્રેશન, એંઝાયટી કે બાઈપોલર મૂડ ડિસઓર્ડર થવાની શક્યતા વધુ રહે છે. એટલું જ નહીં સ્કિઝોફેનિયાના દર્દીઓના લોહીની તપાસ કરાવતા એમનામાં આંતરડાના સોજાને સૂચવતા તત્વો મળે છે. ઓટિઝમના દર્દીમાં પણ સંશોધકોએ આવું જ જણાવ્યું છે. આંતરડામાંથી મગજ સુધી સંદેશાઓ ‘વેગર્સ નર્વ’ દ્વારા પહોંચે છે. જે આ માટેનો રાજમાર્ગ બની જાય છે. એટલે જ તો જો એંઝાયટીની પણ સારવાર કરવામાં આવે તો તેની અસર આંતરડા સુધી પહોંચે છે.


અનંતભાઈને આ માટે રિલેક્સેશન તો આપવામાં આવી પણ સાથે ખોરાકમાં પણ ફેરફારો સૂચવ્યા. બહારનું અને જંક ખાવાનું તદ્દન બંધ કરાયું. લંચમાં દહીં કે છાશને અનિવાર્ય કરાયું. રાતનું ભોજન હળવું લેવાનું નક્કી થયું. થોડું થોડું સુપાચ્ય હોય તેવું જમવું અને કસરત કંપલસરી કરાઈ. લીલા શાકભાજી તેમજ ફ્રુટ્સ અને ડ્રાયફ્રુટ્સનો પણ સમાવેશ થયો. અતિ મહત્વાકાંક્ષાને બ્રેક મારી વાસ્તવિકતા તરફ વલણ વધારવાના લાઈફસ્ટાઈલ ચેન્જ સાથે હવે અનંતભાઈને આનંદ છે.


વિનિંગ સ્ટ્રોક : આપણે જાણીએ જ છીએ કે ‘અન્ન તેવું મન’ પણ હાલના મનોવિજ્ઞાને ‘મન તેવું અન્નનું પાચન’ પણ સાબિત કર્યું છે. એટલે પ્રોબાયોટિકની જેમ હવે સાયકોબાયોટિક પણ માર્કેટમાં આવશે.
drprashantbhimani @yahoo.co.in

X
article by dr. prashant bhimani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી