મનદુરસ્તી / દરેક સાસુ સરખી જ હોય?

article by dr. prashant bhimani

ડૉ. પ્રશાંત ભીમાણી

Jan 16, 2019, 04:02 PM IST

પ્રેયાનો આજે સવારથી એની મમ્મીને પાંચમો ફોન હતો. સાસુ સાથે કેવી રીતે ડીલ કરવું, એ માટેની સતત સૂચનાઓ પ્રેયા એની મમ્મી આરાધનાબહેન પાસેથી લઈ રહી હતી. લગ્નને આ બીજું જ વર્ષ હતું, પણ પ્રેયાને એમ થતું કે એનો પોતાના સાસરામાં હજુ સ્વીકાર થયો નથી. આખા ઘરમાં ત્રણ જ જણ પ્રેયા, હસબન્ડ નિશીથ અને સાસુમા ઈલાબહેન. પ્રેયાના મનમાં એવું જ કે ‘સાસુમા મને કમ્પ્લીટલી એક્સેપ્ટ કરતાં જ નથી.

  • ઇતિહાસમાં ક્યારેય નહોતો એટલો સ્ટ્રેસ અત્યારે માણસ અનુભવી રહ્યો છે

કંઈ પણ વાત હોય તો મા-દીકરો છાનાંમાનાં ડિસ્કસ કરી લે. મને ઘરમાં શું થાય છે એની કોઈ ખબર જ ન હોય. કંઈક નવી વસ્તુ લાવવાની હોય તો મારો ઓપિનિયન ક્યારેય ન લેવાય. આઇ એમ નોટ ફિટ ફોર ધિસ ફેમિલી.’


આવી જ બધી વાત પ્રેયા એનાં મમ્મી આરાધનાબહેનને કહ્યાં કરે. આરાધનાબહેન પોતાની મતિ અને સ્મૃતિ પ્રમાણે દીકરીને ગાઇડ કર્યા કરે. ‘સ્મૃતિ’ એટલા માટે કે એમનાં સાસુ થોડાં વિચિત્ર હતાં. એમની સાથે આખી જિંદગી કાઢી, પણ સતત તકરારમાં. એટલે ‘સાસુ’ અમુક પ્રકારે નેગેટિવ જ હોય એવું ચિત્ર આરાધનાબહેનના મનમાં દૃઢ થઈ ગયેલું અને એ જ સામાજિક માન્યતાનો સાયકોલોજિકલ વારસો દીકરીને આપતાં રહેલાં.

પહેલેથી પ્રેયાને પણ દાદી માટે થોડો અણગમો, કારણ કે એના મનમાં પણ એવી છાપ ઊભી થયેલી કે દાદીથી મમ્મીને બહુ દુઃખ પડે છે. ટૂંકમાં, સમગ્ર કિસ્સામાં પોતાના એડજસ્ટમેન્ટ પ્રોબ્લેમને કારણે ઊભા થયેલા સ્ટ્રેસનો સીધો સાયકોલોજિકલ વારસો જાણે-અજાણે પ્રેયામાં દૃઢ થતો ગયો. પછી જ્યારે એનાં લગ્ન થયાં ત્યારે એ પણ એવી જ પૂર્વધારણા સાથે પરણીને ગઈ કે જેમ ટીવી સિરિયલ્સમાં બતાવે છે એવાં જ નેગેટિવ દાદી પણ છે.

એટલે ‘દરેક સાસુ સરખાં જ હોય એટલે મારાં સાસુ પણ એવાં જ હશે.’ આવી કલ્પિત નકારાત્મક જજમેન્ટલ માન્યતાને લીધે પ્રેયાનું સ્ટ્રેસ વધતું ચાલ્યું. એને ગભરામણના હુમલા આવવા માંડ્યા. સતત રડવાનું ચાલુ થઈ ગયું. ઉદાસી અને ભય ઘર કરી ગયાં. ધીરે ધીરે હસબન્ડ નિશીથ સાથે પણ ઝઘડા વધતા ગયા. નિશીથને સમજ ન પડે કે, ‘મારી મમ્મી એવું તો શું ખરાબ કરે છે જેનાથી પ્રેયા આટલી બધી ડિસ્ટર્બ થઈ જાય છે.’ ઇન શોર્ટ, આખા ઘરમાં અણસમજ વધવાથી એડજડસ્ટમેન્ટના પ્રોબ્લેમ વધતા ગયા અને વાત ડિવોર્સ સુધી પહોંચી ગઈ.


કદાચ માનવ ઇતિહાસમાં ક્યારેય નહોતો એટલો સ્ટ્રેસ અત્યારે માણસ અનુભવી રહ્યો છે. પળેપળ જાણે યુદ્ધના મોરચે જવાનું હોય એવી રીતે તૈયાર રહેવું પડે છે. ખાસ કરીને છેલ્લા પાંચેક વર્ષમાં તણાવ અને અનુકૂલનને લગતા પ્રશ્નો વધ્યા છે. માણસને બધું જ પોતાના અનુસાર જોઈએ છે. એ ભૂલી જવાય છે કે સામેની વ્યક્તિ રિમોટ કંટ્રોલની જેમ નિયંત્રિત ન કરી શકાય. તકલીફ એ છે કે બધાને પોતાના રિમોટ કંટ્રોલ અન્ય કરતાં વધુ શક્તિશાળી જોઈએ છીએ.

સ્ટ્રેસ વધવાનું એક મનોવૈજ્ઞાનિક કારણ રસપ્રદ છે, બાળપણની શરૂઆતમાં દરેક બાળક પોતપોતાની રીતે સ્ટ્રેસને પહોંચી વળવા વિશિષ્ટ બચાવ પ્રયુક્તિ વિકસાવે છે. જનીનતત્ત્વો, વાતાવરણ કે ઉછેરની પ્રક્રિયાને લીધે કેટલાંક બાળકો વિકટ પરિસ્થિતિ પર નિયંત્રણ આસાનીથી મેળવી લે છે, તો વળી કેટલાક એ પરિસ્થિતિને શરણે થઈ જાય છે. આવી ઘટનાઓ વારંવાર રિપીટ થવાને લીધે એક બિહેવિયરલ પેટર્ન બનતી જાય છે.

જેમાં માતા-પિતાનાં નકારાત્મક સૂચનો બહુ મોટો ભાગ ભજવે છે. કેટલાંક માતા-પિતા પોતાની જાણ બહાર સંતાનને વિચારવાની નકારાત્મક દિશા નક્કી કરી આપે છે. એથી વિરુદ્ધ કેટલાંક સક્ષમ માતા-પિતા બાળકને સ્વતંત્રપણે વિચારવાની વિપુલ તકો પૂરી પાડે છે. એના અનુભવો પર પોતાના ઓપિનિયનનો ઢોળ ચડાવતા નથી. ભવિષ્ય માટે દિશાનિર્દેશ જરૂર કરે છે, પણ દશા બગાડી નાખતા નથી.


પ્રેયાનું સ્ટ્રેસ કોગ્નિટિવ બિહેવિયરલ સાયકોથેરાપી દ્વારા દૂર થયું, કારણ કે એ નવા દૃષ્ટિકોણથી જૂની સમસ્યાને ઉકેલતા શીખી. સોશિયલ ટેગ ધરાવતા દરેક સગાંવહાલાં સરખાં જ હોય એવું જરૂરી નથી. જૂના નેગેટિવ કે પોઝિટિવ માઇન્ડસેટને થોડીવાર બાજુએ રાખી તટસ્થપણે સામેની વ્યક્તિ સાથે અનુકૂલન કરી શકીએ તો સુખની વધુ નજીક પહોંચી શકીએ. હવે પ્રેયાની સાસુમા માત્ર ‘મા’ બનીને રહી ગયાં છે, સ્ટ્રેસ આપનાર સાસુની માન્યતા જતી
રહી છે.


વિનિંગ સ્ટ્રોક : ઘણીવાર આપણે સંતાનોને ભવિષ્યની કલ્પિત મુશ્કેલીઓથી ચેતવવાને બદલે એ મનમાં ચિંતાથી જીવ બાળવાની ટેવને ચેતાવી દઈએ છીએ.
[email protected]

X
article by dr. prashant bhimani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી