મનદુરસ્તી / શું આપણો વીલપાવર વપરાઈ જાય છે?

article by dr. prashant bhimani

ડૉ. પ્રશાંત ભીમાણી

Jan 09, 2019, 06:27 PM IST

નવા વર્ષને હજુ દસ દિવસ નથી થયા ત્યાં તો સંકલ્પો તૂટવાનું શરૂ થઈ જાય છે. અનિષાએ એવો જ એક સંકલ્પ લીધો હતો જે વિશ્વમાં સૌથી વધુ લેવાય છે, ‘વજન ઘટાડવાનું રિઝોલ્યુશન’.

થાકો તો બ્રેક લેવો, પણ બ્રેક સ્વાસ્થ્યને બ્રેક મારે એવો ન હોવો જોઈએ

બત્રીસ વર્ષની અનિષા મલ્ટિનેશનલ બેન્કમાં ડેપ્યૂટી જનરલ મેનેજર છે. આ વર્ષે એમને ગયા વર્ષ કરતાં મસમોટો ટાર્ગેટ નવા વર્ષની ગીફ્ટ તરીકે ઓલરેડી મળી ચૂક્યો છે. સવારે નવ વાગ્યે તો ઓફિસ પહોંચીને લેપટોપના મંગળાદર્શન કરી જ લેવા પડે, કારણ કે ગઈ કાલે સાંજે સાત વાગ્યે ઓફિસથી ઘરે ગયા પછી પણ અધૂરાં કામ ભૂતની જેમ ધૂણતાં હોય. ટાર્ગેટ્સના હવનકુંડમાં તમે ગમે તેટલા અચીવમેન્ટ્સની આહુતિ આપો તોય એ અગ્નિ શમવાને બદલે વધુ ભડકતો જાય.


સવારે સાત-આઠ વાગ્યે એક કોફી અને બે સ્લાઇસ બ્રેડબટરની ખાઈને નીકળેલી અનિષા છેક બપોરે સાડા-ત્રણ-ચાર વાગ્યે લંચ લેવા પામે, એ પણ ભૂખ મરી ગયા પછીનું ભોજન હોય એટલે એમાં કોઈ ભલીવાર ન આવે. થાકીપાકી ઘરે આવે અને સાડા સાત-આઠ વાગ્યે ઇચ્છા થાય તો એનું અને એના હસબન્ડનું ડિનર બનાવે, નહીં તો બહારથી જમવાનું ઓર્ડર કરી દે.


ક્યારેક તો રાત્રે ભારેખમ જમ્યા પછી અનિષાને ચોકલેટનું ક્રેવિંગ થાય અને એકાદ આખી ચોકલેટ ઓહિયા થઈ જાય. એવું માનીને કે આજે આટલું બધું કામ કર્યું છે તો રિલેક્સ થવા કંઈક તો જોઈએ ને! એમાં ને એમાં ડાયટિશિયનના મોંઘા ડાયટ પ્લાનનો દાટ વળી જાય અને વજન વધતું જાય. ઇનશોર્ટ, સ્ટ્રેસ અને લાઇફસ્ટાઇલે અનિષાને મોટું સેલરી પેકેજ તો આપ્યું પણ ડેડલાઇન અને ટાર્ગેટ્સના અજગરે હેલ્થને ભરડામાં લઈ લીધી હતી.


આ વિષચક્રને તોડવા માટે જો સૌથી વધુ જરૂર હોય તો એ છે કે ‘વિલ પાવર’ મતલબ ઇચ્છાશક્તિને મજબૂત કરવાની. તગડું ભણેલી અનિષાને બધી ખબર જ હતી કે, ‘હું જે કરું છું તે મારા સ્વાસ્થ્ય માટે યોગ્ય નથી’ પણ એને રોકી શકતી નહોતી.


મનોવિજ્ઞાન જણાવે છે કે આપણે આવા ભરપૂર અને ફ્રૂટફુલ કામના દિવસોમાં સમગ્ર દિવસ દરમિયાન વીલપાવરનો સરસ ઉપયોગ કરી શકીએ છીએ પણ જેવા ઘરના વાતાવરણમાં આવીએ કે તરત જ એ વીલપાવર હવામાં કેમ ઓગળી જાય છે! શું આપણો વીલપાવર વપરાઈ જાય છે? હમણાં સુધી એવું મનાતું હતું કે ‘વર્ક હાર્ડ એન્ડ પાર્ટી હાર્ડર’ પણ આ બાબત ત્યારે જ સત્ય છે જ્યારે પાર્ટી તમારા સ્વાસ્થ્યને નુકસાન ન કરે. પાર્ટી કરતી વખતે પણ જો હેલ્થ ઇશ્યૂઝને ધ્યાનમાં રાખવાની હેબિટ કેળવાય તો જીવન વધારે સ્વાસ્થ્યપ્રદ બની રહે છે.


નવાં સંશોધનો પ્રમાણે આપણો સેલ્ફ કંટ્રોલ (ખાસ કરીને સ્વાસ્થ્ય અને ખોરાકની બાબતમાં) એટલો લિમિટેડ નથી હોતો કે જે વખત જતા ઓછો થઈ જાય કે વપરાઈ જાય, પરંતુ એ જેમ જેમ વધુ વપરાય તેમ તેમ વધુ મજબૂત બને છે. મગજમાં એ પ્રકારે નવી સર્કિટ્સ ડેવલપ થાય છે અને સમય જતાં એ સ્વાસ્થ્યપ્રદ વર્તન ટેવ બની જાય છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના સાયકોલોજિસ્ટ કેરોલ ડ્વેકે આ બાબત સંશોધન પરથી સાબિત કરી છે.


તમે બહુ થાકો તો બ્રેક ચોક્કસ જોઈએ, પણ એ બ્રેક તમારા સ્વાસ્થ્યને બ્રેક મારે એવો ન જોઈએ. ઉત્સવો કે વેકેશન આપણને જરૂરથી રિચાર્જ કરે છે, પણ એ સમયે સ્વાસ્થ્યને કેન્દ્રમાં રાખવું ક્યારેય ભૂલવું જોઈએ નહીં. ડાયટ કરતા લોકો અઠવાડિયામાં એક દિવસ ‘ચીટ-ડે’ રાખે છે એમાં એટલું બધું ચિટિંગ કરે છે કે બાકીના છ દિવસની મહેનત પર પાણી ફેરવી દે છે. એના કરતાં રોજેરોજ થોડી ફ્લેક્સિબિલિટી અને થોડા નિયમોનું સંતુલન રાખીએ તો અનિષા જેવા હાલ ન થાય.

અનિષાને સાયકોથેરાપી દ્વારા વીલપાવર મજબૂત કરવામાં આવ્યો. સ્ટ્રેસ ઘટ્યું. લાઇફસ્ટાઇલ સુધરી અને રિઝોલ્યુશન પૂરા કરવા તરફ એ મક્કમ બની.


વિનિંગ સ્ટ્રોક : વીલપાવર એ કારમાં નખાતા પેટ્રોલ જેવો નથી કે થોડા અંતર પછી વપરાઈ જાય. એ તો કારની બેટરી જેવો હોય છે જેમ વાપરો તેમ ચાર્જ જતો જાય.
drprashantbhimani @yahoo.co.in

X
article by dr. prashant bhimani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી