Back કથા સરિતા
ડૉ. પ્રશાંત ભીમાણી

ડૉ. પ્રશાંત ભીમાણી

સાઈકોલોજી (પ્રકરણ - 38)
સાઈકોલોજિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણી ‘દિવ્ય ભાસ્કર’ની ‘મનદુરસ્તી’ કોલમથી સરળ શૈલીમાં મનની આંટીઘૂંટીઓ સમજાવે છે.

હૃદયસ્થ સ્વજનનું મૃત્યુ હૃદયરોગ લાવી શકે

  • પ્રકાશન તારીખ26 Dec 2018
  •  

અખિલેશભાઈની આંખો લાલ હતી. ઉજાગરા સ્પષ્ટ દેખાતા હતા. કાર્ડિયોલોજિસ્ટના વેઇટિંગ રૂમમાં એમની સાથે એમનો દીકરો સુજય ખડે પગે હતો. હમણાં જ કરાવેલ ટુ-ડી-ઇકો કાર્ડિયોગ્રામમાં ચિંતાજનક ફેરફારો દેખાઈ રહ્યા હતા. ડોક્ટરે જરૂરી દવાઓ સાથે મનોવૈજ્ઞાનિક મદદ લેવાનું સૂચન કર્યું.

જીવનસાથીના મૃત્યુ બાદની એકલતા અને પરવશતાની લાગણી ભલભલાને હચમચાવી શકે છે

એક મહિના પહેલાં જ 55 વર્ષના અખિલેશભાઈનાં 52 વર્ષનાં પત્ની રજનીબહેન હાર્ટએટેકથી મૃત્યુ પામ્યાં હતાં. અખિલેશભાઈના માથે આભ તૂટી પડ્યું હતું. એમનું મૃત્યુ થયું એ જ દિવસે એમની એનિવર્સરી પણ હતી. આ આઘાત ભયાનક હતો. એમના માટે રજનીબહેન મિત્ર, પત્ની, સ્વજન અને સર્વસ્વ હતાં. છેલ્લા એક મહિનાથી અખિલેશભાઈને બરાબર ઊંઘ નહોતી આવતી. વહેલી સવારે એકાદ કલાક થાકીને આંખ મળે કે તરત જ ઝબકીને જાગી જવાય. મનમાં રડવાનું ચાલુ હતું, પણ આંખોમાંથી પાણી નહોતું નીકળતું.

અખિલેશભાઈની જીવવાની ઇચ્છા મરતી જતી હતી.
અમેરિકાના શિકાગોની નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીની ફિનબર્ગ સ્કૂલ ઓફ મેડિસિનના ડો. ડાયના કિરીનોસના એક રિસર્ચ મુજબ સારી રીતે જીવતા જીવનસાથીનું મૃત્યુ એ વાસ્તવમાં તીવ્ર દુઃખદાયક અને તણાવજનક ઘટના હોય છે. આને લીધે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ વધુ પડતી સક્રિય થઈ જાય છે. નિદ્રામાં વિક્ષેપોને લીધે કાર્ડિયોવાસ્ક્યુલર બીમારીઓ અને મૃત્યુંનું જોખમ વધી જાય છે. અનિદ્રાથી શરીર પર સોજા પણ આવી શકે. કોન્સન્ટ્રેશનમાં તકલીફો થાય. ચીડિયાપણું આવે, સ્ટ્રેસ હોર્મોન્સ વધી જાય.


સાયકોસોમેટિક મેડિસિન જર્નલમાં આ સંશોધનમાં જણાવ્યા મુજબ ઇન્ફ્લેમેશનનું સ્તર વધવાથી હૃદયરોગની સંભાવના વધે છે. મૃત જીવનસાથી સાથે તીવ્ર લાગણીથી જોડાયેલા વિધવા કે વિધુરને જો અનિદ્રાની તકલીફ રહે તો હૃદયરોગની શક્યતા પણ બેથી ત્રણ ગણી વધી જાય છે. 101 લોકો પર થયેલો આ અભ્યાસ ખૂબ મહત્ત્વનો હતો. જેમાં સોજાનું પ્રમાણ શરીરના સાયટોકાઇન્સ નામના રસાયણના પ્રમાણ પરથી નક્કી કરવામાં આવ્યું હતું. જે રોગની સામે ટૂંકા ગાળાની લડત આપે છે, પરંતુ જો તે પ્રમાણ લાંબો સમય વધેલું રહે તો કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ સાથે પણ સંકળાય છે. તદુપરાંત અન્ય ઇન્ફેક્શન તેમજ મનોદૈહિક રોગો થવાની પણ શક્યતા વધતી જાય છે. સતત ખાલીપો ડિપ્રેશન આપે છે. સ્વજનનું મૃત્યુ સ્ટ્રેસ માટેનું સૌથી મોટું કારણ છે.


જીવનસાથીના મૃત્યુ બાદની એકલતા અને પરવશતાની લાગણી ભલભલાને હચમચાવી શકે છે. ભારત જેવા દેશમાં વિભક્ત થતાં કુટુંબોમાં વૃદ્ધ વિધુર કે વિધવાઓને સૌથી વધારે ચિંતા એ હોય છે કે એમને સંતાનો કેવી રીતે રાખશે! અલબત્ત, આ માટે બંને સાથીઓ જીવતાં હોય ત્યારે મજબૂત આર્થિક પ્લાનિંગ કરેલું હોય તો સલામતીની લાગણી મજબૂત રહે છે. કોઈપણ એક વ્યક્તિ મોટે ભાગે પહેલાં જ જવાની છે. એ દુઃખદ બાબત સ્વીકારવી પણ જરૂરી છે. સાથીના મૃત્યુનો જેટલો વહેલો સ્વીકાર થાય તેટલા ઝડપથી દુઃખ અને ડિપ્રેશન ઝડપથી ઘટતા કાઉન્સેલિંગથી ચોક્કસ ફાયદો થઈ શકે.


પોતાના જેવા જ અન્ય વિધુર કે વિધવાઓનું એક ગ્રૂપ બનાવી શકાય. આવા ગ્રૂપમાં અવનવા વિષયો પર ચર્ચા કે મજાની વાતચીત કરી શકાય. પોતે સદ્્ગતની સાથે ગાળેલી આનંદની પળોને વાગોળીને તેના દુઃખદાયક વર્તનને માફ કરવાથી હળવાશ અનુભવાય છે. જીવનસાથીની સ્મૃતિઓનો સંગ્રહ જીવનનું શ્રેષ્ઠ ભાથું બનાવી શકાય.

જો પોતે પહેલાં મૃત્યુ પામ્યા હોત તો જીવિત રહેનાર જીવનસાથીને શું સલાહ આપત એ વિચારીને એ જ બાબત પોતાના પર લાગુ પાડવી જોઈએ. શારીરિક સ્વાસ્થ્યને ખ્યાલ રાખવા રોજ યોગ, પ્રાણાયામ અને કસરત તેમજ મોર્નિંગ વોક અનિવાર્ય કરવાં. મૃત્યુ વિશેની આધ્યાત્મિક સમજ પણ ખૂબ મોટી સકારાત્મક ભૂમિકા ભજવી શકે. સદ્્ગત સ્મૃતિમાં હેલ્થ કે એજ્યુકેશન પાછળ નાણાં, સમય કે શક્તિ વાપરવાથી અગમ્ય શાંતિ મળે છે એ હકીકત છે.
વિનિંગ સ્ટ્રોક : સ્વજનની હૂંફાળી ‘સ્મૃતિ’ને એક્સપાયરી હોતી નથી. એ સમજીએ તો હૃદયસ્થનો વિયોગ હૃદયરોગ નહીં લાવે.
drprashantbhimani @yahoo.co.in

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP