કેટલાકને કસરતનો કંટાળો કેમ આવે છે?

article by dr. prashant bhimani

ડૉ. પ્રશાંત ભીમાણી

Dec 12, 2018, 04:44 PM IST

‘અજિત પ્લીઝ, ઊઠ ને. ફક્ત અડધો કલાક ચાલજે બસ. તારા ડૉક્ટરનું તો કહ્યું માન. પાંત્રીસ વર્ષે ડાયાબિટીસ ખતરનાક કહેવાય. મારા માટે ચાલ, બસ.’ કાશ્મીરાબહેન માટે આ રોજની બૂમો પાડવાનું કામ હતું, પણ હરામ બરાબર જો અજિતભાઈ હલે તો.

કેવી રીતે પેલી હજારો વર્ષો જૂની આળસને અતિક્રમી શકાય?

દોસ્તો, શિયાળો જામતો જાય છે. મોર્નિંગ અને ઇવનિંગ વોકર્સ હવે ટોપ ગિયરમાં આવી ચૂક્યા છે. છાપાંઓ, ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા અને ગૂગલના જમાનામાં મોબાઇલ સ્ક્રીન પર રોજે કિલોના ભાવે સવાર-સવારમાં હેલ્થ ટિપ્સ ખડકાય છે. અલબત્ત, એમાંની કેટલીક ઉપયોગી હોઈ શકે છે. જ્યારે વાંચીએ ત્યારે થાય કે કાલથી જ શરૂ કરી દઈએ, પણ એ ‘કાલ’ તો ‘કાલ’ જ રહે છે. ઘણા માટે એ શરૂઆત થતી જ નથી. આળસનું સામ્રાજ્ય વ્યાપેલું જ રહે છે.


જોકે, કેટલાક આળસુઓને પહેલી નજરે ગમે એવા સમાચાર છે. જો તમને આળસ આવતી હોય તો એ માટે તમારી માનસિકતાને નહીં, પણ તમારા મગજને જવાબદાર ગણી શકાય. યસ, તમે આળસુ હો તો એના માટે તમારું મગજ જવાબદાર હોઈ શકે. દાયકાઓથી સમાજ અને નિષ્ણાતો સક્રિય રહેવા માટે દબાણ કર્યા કરે છે. શારીરિક રીતે એક્ટિવ રહેવું સારું છે એવું બધું સાચું છે એવું જાણવા છતાં કેમ વ્યક્તિ એ તરફ નિયમિતપણે વળી શકતી નથી, એનો ઉત્તર આપવા કેનેડાની યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલમ્બિયાના સંશોધક ડૉ. મેથ્યુ બોયગોન્તીએ દ્વારા એક અભ્યાસ થયો છે. ન્યુરોસાયકોલોજીઆ નામક જર્નલમાં પ્રકાશિત આ સંશોધન પ્રમાણે માનવનું મગજ બાય-ડિફોલ્ટ આળસુ હોઈ શકે છે. માનવજાતના અસ્તિત્વ માટે શક્તિસંચય મૂળભૂત જરૂરિયાત છે.

પુરાતન સમયમાં મનુષ્ય ખોરાક અને આશ્રય શોધવામાં, જાતીય સાથીની શોધ કરવામાં અને શિકારથી બચવા માટે પોતાની શારીરિક શક્તિ વાપરતો હતો. એટલે એનો સંચય કરવાનું વર્તન ધીરે-ધીરે જનીનગામી થતું ગયું, કારણ કે બાકીના સમયમાં એ આરામ કરતો હતો, પરંતુ હાલના સોફેસ્ટિકેટેડ સમયમાં ખાસ વધારે શારીરિક શ્રમ વગર આ બધી મૂળભૂત જરૂરિયાતો પૂરી થઈ જાય છે. એટલે ઉત્ક્રાંતિ દરમિયાન શ્રમ જતો રહ્યો, પણ પેલી આળસ રહી ગઈ. પરિણામે બન્યું છે એવું કે હવે આપણું મગજ બેઠાડુ જીવન તરફ સરળતાથી આકર્ષાય છે.


પરંતુ આપણે સાવ માત્ર જનીન તત્ત્વોને જ અનુસરતા સજીવો નથી. એટલે પ્રશ્ન એ છે કે કેવી રીતે પેલી હજારો વર્ષો જૂની આળસને અતિક્રમી શકાય? જેમ જીવન વધુ સગવડિયું અને આરામદાયક બનતું ગયું તેમ વાસ્તવમાં શ્રમની જરૂરિયાત પણ વધતી ગઈ છે તે સમજવું જરૂરી છે. પહેલાં અનિવાર્યપણે શિકારીથી બચવા ભાગવું પડતું, હવે આધુનિક સમયમાં પરિસ્થિતિ બદલાતા આપણે અનિવાર્યપણે બેઠાડુ જીવનથી થતા રોગથી બચવા ખરેખર ભાગવું કે ચાલવું પડે.

એટલું જરૂર છે કે, પહેલાં કોઈપણ સમયે ભાગવું પડતું, પણ હવે આપણે નક્કી કરેલા સમયે ચાલી કે દોડી શકીએ. પહેલાં બાહ્ય દુશ્મનોનો કે વિપરીત પર્યાવરણનો ભય રહેતો, હવે આંતરિક દુશ્મનો જેમ કે, બ્લડપ્રેશર, હૃદયરોગ, ડાયાબિટીસ, ડિપ્રેશન કે સ્ટ્રેસ જેવા લાઇફસ્ટાઇલ ડિસીઝનો ભય છે. વાસ્તવમાં હવે વિજ્ઞાન એ સમજી શક્યું છે કે કેટલાકને કસરત કરવાનો કંટાળો કેમ આવે છે? પણ હવે એ કંટાળો દૂર કરવાનો સમય ચરમસીમાએ પાકી ગયો છે.


તો દોસ્તો, કરવાનું એ છે કે, આ સંશોધનને આગળ ધરીને આળસુપણા પર વિજ્ઞાનનો સિક્કો નથી મારવાનો, પણ કસરત ચાલુ કરવાની છે. બલ્કે એ તારણ વધુ ફેવરેબલ છે કે કોઈપણ સંજોગોમાં શારીરિક શ્રમને નકારી શકાય નહીં. રોજનું રેગ્યુલર અડધાથી પોણા કલાક જેટલું ચાલવું જરૂરી છે. યોગ, પ્રાણાયામ અને ધ્યાન તેમજ સંતુલિત આહારવિહાર સ્વસ્થતાનો પાયો છે. આની આદત આવનારી પેઢીને અત્યારથી જ પાડવી જરૂરી છે. ઘરમાં નાનાં-મોટાં કામ કરીને માઇક્રો-કસરતો કરી શકાય. લિફ્ટને બદલે સીડી વાપરીને તેમજ ગંતવ્ય સ્થાનથી થોડે દૂર વાહન પાર્ક કરીને ત્યાં ચાલતા જઈ શકાય. એ સતત યાદ રાખવું કે, પગ ચાલે તો જીવન દોડે.
વિનિંગ સ્ટ્રોક : મજબૂત મન આળસુ મગજને ચેલેન્જ આપી શકે છે.

[email protected]

X
article by dr. prashant bhimani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી