ડિજિટલ સેલ્ફહાર્મ કરતાં સંતાનોની સાયકોલોજી

article by dr. prashant bhimani

ડૉ. પ્રશાંત ભીમાણી

Dec 05, 2018, 12:05 AM IST

‘ડૉક્ટર, મને શંકા તો ત્યારે ગઈ જ્યારે મેં નોટિસ કર્યું કે છેલ્લા છ મહિનાથી કૃતિએ માત્ર ફુલ સ્લીવના ડ્રેસ કે ટીશર્ટ પહેરવાનું શરૂ કર્યું. આમ તો 14 વર્ષની કૃતિ સ્લીવલેસ ટોપ પહેરવાની શોખીન હતી. પણ આવું શંકાસ્પદ વર્તન થયું એટલે મેં એને પૂછ્યું, ‘કેમ બેટા, તું દિવસ-રાત આવાં જ કપડાં પહેરે છે?’ એણે જેમ તેમ જવાબ આપીને મારા પ્રશ્નને અવોઇડ કર્યો, પણ મારાથી રહેવાયું નહીં એટલે મેં એનાં બંને કાંડાં જોયાં તો ડાબા કાંડા પર બ્લેડનાં નિશાન દેખાયાં. મને તો ધ્રાસકો પડ્યો.

ટીનએજર્સ પોતે જ પોતાના વિશે ખરાબ અભિપ્રાય પોસ્ટ કરે છે

એટલામાં એની ફ્રેન્ડ પ્રિયાએ પણ મને કહ્યું કે, ‘આન્ટી, કૃતિ હમણાંથી કંઈક વિચિત્ર પોસ્ટ એફ.બી. અને ઇન્ટાગ્રામ પર મૂકે છે. બધાને સોરી કહે છે અને મૃત્યુ પછીની આફટર લાઇફની કંઈક ઓડ લાગે એવી પોસ્ટ મૂકે છે.’ મારા તો આ સાંભળીને મોતિયા જ મરી ગયા. હું ઘણું સમજાવીને કૃતિને તમારી પાસે લાવી છું. શું થઈ શકે આમાં? વૃંદાબહેનની એક મમ્મી તરીકેની ચિંતા તદ્દન વાજબી હતી.


આજકાલ ઓલમોસ્ટ બધા જ ટીનએજર્સ સોશિયલ મીડિયા પર એક્ટિવ હોય છે. નવાઈ લાગે એવી વાત છે કે, આવા ‘ડિજિટલી સેલ્ફહાર્મ કરતાં સંતાનો’ની સંખ્યા વધતી જાય છે. પોતાના શરીરને નુકસાન પહોંચાડવું અને
એ સમાચારને લોકો સુધી પહોંચાડવા એવું ધ્યેય આ ટીનએજર્સનું હોય છે. એમનો આંતરમનનો સંઘર્ષ હવે ઇન્ટરનેટથી નીકળે છે.


એક નવી પેટર્ન આશ્ચર્યજનક રીતે આજકાલ એવી જોવા મળે છે કે ટીનએજર્સ પોતે જ અજાણ્યા નામથી પોતાના વિશે અભદ્ર કોમેન્ટ અથવા ખરાબ અભિપ્રાય પોસ્ટ કરે છે. એને ‘સેલ્ફ ટ્રોલિંગ’ અથવા ‘સેલ્ફ-સાયબર બુલિંગ’ કહી શકાય. આનાથી જે તે છોકરા-છોકરીઓ લોકોનું ધ્યાન ખેંચી શકે છે. છેક 2013ની સાલમાં અમેરિકામાં 14 વર્ષની હાના સ્મિથ નામની છોકરીએ શરૂઆતમાં પોતાના જ વિરુદ્ધમાં પોતાને જ દુઃખ થાય એવા મેસેજ સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા અને એના એક જ અઠવાડિયામાં એણે આત્મહત્યા પણ કરી. અમેરિકામાં 12થી 17 વર્ષની વચ્ચેના 5593 વિદ્યાર્થીઓ પર થયેલો એક અભ્યાસ ચોંકાવનારો છે. દર વીસે એક ટીનએજરે પોતાની જ ઓનલાઇન સતામણી જાણી જોઈને કરી હતી.

આ આખી વાત સૂચવે છે કે આજના ટીનએજર્સ અન્ય લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવા કેટલી હદ સુધી જઈ શકે છે! જર્નલ ઓફ અડોલસન્ટ હેલ્થમાં પ્રકાશિત આ સંશોધન લાલબત્તી સમાન છે. જોકે, છોકરાઓમાં ડિપ્રેશન કે માનસિક તાણ સુધી આ વાત વધી હતી. જ્યારે છોકરીઓમાં આ વાત આત્મહત્યા સુધી પહોંચી ગઈ છે. આવા ટીનએજર્સ ડ્રગ્સ લેવા સુધી પણ જતા રહે છે.
કૃતિના કિસ્સામાં મનોવિશ્લેષણ બાદ જાણવા મળ્યું કે એ ઓવર પેમ્પર્ડ ચાઇલ્ડ હતી. વધુ પડતા લાડેકોડે ઉછરેલી કૃતિ એના એક ક્લાસમેટ રાજના પ્રેમમાં પડી હતી અને બે-ત્રણ મહિના પછી એ છોકરાએ કૃતિ સાથેના સંબંધો ઓછા કરી નાખ્યા. પછી અચાનક કૃતિને સોશિયલ મીડિયાના સ્ટેટસ પરથી જાણવા મળ્યું કે હવે એનો બોયફ્રેન્ડ રાજ કોઈ બીજી છોકરી સાથે ઇન્વોલ્વ થઈ ગયો હતો. આ જ કારણથી એણે રાજનું ધ્યાન પોતાની બાજુ ખેંચાય એટલે જાતને શારીરિક નુકસાન પહોંચાડવાનું ચાલુ કરી દીધું હતું.'


કૃતિને સાયકોથેરાપીના સિટિંગ્સ આપવામાં આવ્યા. અલબત્ત, આવી સમસ્યામાં સારવાર થોડી લાંબી ચાલે છે. એનાં મમ્મી-પપ્પા પણ કાઉન્સેલિંગમાં શીખ્યાં કે એકની એક દીકરી કૃતિને પ્રેમનો ઓવરડોઝ આપવાનું બંધ કરી બીજા વ્યાવહારિક ધ્યેય બાજુ વાળવાની હતી. ધીરે ધીરે કૃતિની આંતરિક શક્તિઓ બહાર આવી. એને ટેનિસ બહુ ગમતું. રેગ્યુલર એક્સરસાઇઝ અને બેલેન્સ્ડ ડાયટ પણ જરૂરી હતા. એ શીખી શકી કે જીવનમાં દરેક વ્યક્તિ તમને સતત પ્રેમ કર્યા જ કરે એ વિકૃત વિચાર છે અને દરેક ઉંમરની ચોક્કસ પ્રાયોરિટી હોય છે, એ પ્રમાણે ધ્યેયલક્ષી કામ થાય તો જીવન સ્થિર બને છે.


વિનિંગ સ્ટ્રોકઃ સોશિયલ મીડિયાનો રાક્ષસ સેક્યુલર છે. એ ઉંમર, જાતિ, ધર્મ, પ્રદેશ કે શિક્ષણને ધ્યાનમાં લીધા વગર જીવન પણ ઓહિયાં કરી શકે છે.
drprashantbhimani @yahoo.co.in

X
article by dr. prashant bhimani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી