Back કથા સરિતા
ડૉ. પ્રશાંત ભીમાણી

ડૉ. પ્રશાંત ભીમાણી

સાઈકોલોજી (પ્રકરણ - 38)
સાઈકોલોજિસ્ટ ડૉ. પ્રશાંત ભીમાણી ‘દિવ્ય ભાસ્કર’ની ‘મનદુરસ્તી’ કોલમથી સરળ શૈલીમાં મનની આંટીઘૂંટીઓ સમજાવે છે.

કોઈપણ વ્યક્તિ સુપરમેન નથી હોતી

  • પ્રકાશન તારીખ28 Nov 2018
  •  

‘ડૉક્ટર, દુનિયામાં આટલા બધા લોકો છે. હું જ કેમ દુઃખી છું ? મારી પાસે બધું જ છે. હું એડવર્ટાઇઝિંગ એજન્સી ચલાવું છું. પોતે જ ક્રિએટિવ છું. મોટી મલ્ટિનેશનલ્સ બ્રાન્ડ ઇન્ડિયામાં એડવર્ટાઇઝ માટે મારી પાસે કન્સલ્ટેશન લે છે, પણ આજે મારે જ જરૂર પડી છે.’ સૌમિલે વાત શરૂ કરી.

કેટલીક વ્યક્તિ સામાન્ય નિરાશા કે નિષ્ફળતાને જીરવી શકતી નથી

‘મને સતત એવી ચિંતા થાય છે કે હું બરાબર પરફોર્મ નહીં કરી શકું તો શું થશે? મને નવા પ્રોજેક્ટ્સ મળતા બંધ થઈ જશે તો મારી અત્યારની લાઇફસ્ટાઇલને કેવી રીતે જાળવી શકીશ? પછી સમાજમાં મારા સ્ટેટસનું શું થશે? મારે બાળકોને સામાન્ય સ્કૂલમાં ભણાવવાં પડશે તો એમના ભવિષ્યનું શું? ધીમે ધીમે મારી પાસેથી બધું જતું રહેશે તો, હું તો રસ્તા પર આવી જઈશ. મને તો ભયંકર નેગેટિવ વિચારો આવે છે. ગભરામણ થયા કરે છે. ઠંડકમાં પણ પરેસેવો થઈ જાય છે. ઊંઘમાંથી ઝબકીને જાગી જવાય છે.’


વ્યક્તિમાં જ્યારે વિચારશીલતા અને સંવેદનશીલતાનું બેલેન્સ બગડે છે ત્યારે અસલામતી અને નકારાત્મકતાનો ખળભળાટ શરૂ થઈ જાય છે. જેમ આજકાલ વાતાવરણનું પ્રદૂષણ વધી રહ્યું છે એમ જ મનમાં બારમાસી રીતે ડિપ્રેશન અને ચિંતાનું પ્રદૂષણ વધી રહ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અંદાજ પ્રમાણે વર્ષ 2020 સુધીમાં ડિપ્રેશન મૃત્યુનું બીજું સૌથી મોટું કારણ બની જશે. શહેરી હોય કે ગ્રામ્ય, મોટાભાગના લોકો તાણના ચક્રવ્યૂહમાં ફસાતા જાય છે. વિકૃતિઓ વધતી જાય છે. વ્યસનો વધતાં જાય છે. આવતી કાલની ચિંતામાં આજને જીવી શકાતી નથી. આત્મહત્યા જેવા છેલ્લામાં છેલ્લા વિચારો સુધી ઝડપથી પહોંચી જવાય છે. વાસ્તવિકતા કરતાં કલ્પનાજન્ય ભય તીવ્ર બનતો જાય છે. ખરાબ થવાની શક્યતા હકીકતમાં એક ટકો હોય, પણ વ્યક્તિ એવું માનવા માંડે કે ‘મારું બધું જ ખરાબ થઈ ચૂક્યું છે.’


ધીમે ધીમે નકારાત્મકતાની એવી ગર્તામાં ધકેલાઈ જાય કે ‘ક્યારેય નહીં નીકળી શકું’ એવું લાગવા માંડે. વિકૃત ચિંતા અને હતાશા ચરમસીમાએ પહોંચવા લાગે. બહાર લોકો વચ્ચે કે કામ પર જવાની બીક લાગે. મુસાફરીનો ભય લાગે. મારાં સગાંસ્નેહીઓને કંઈક થઈ જશે તો! એવા અકારણ ભયથી પીડાયા કરે. પોતાના ‘સેફ ઝોન’ કે ‘કમ્ફર્ટ ઝોન’માંથી બહાર જ ન નીકળી શકે.


સૌમિલ જેવા લોકોના ભૂતકાળમાં શક્ય છે કે એવા કોઈ આઘાતજનક બનાવો બન્યા હોય, પરંતુ આજકાલ બને છે એવું કે કેટલીક વ્યક્તિઓ હંમેશાં સફળતાની ઘેલછાથી ઘેરાયેલી રહે છે. આવા લોકો સામાન્ય નિરાશા કે નિષ્ફળતાને જીરવી શકતા નથી. ખાસ કરીને ટીકાઓની બીક લાગે છે અને બને છે પણ એવું કે ક્યારેક આપણો જજમેન્ટલ સમાજ લગભગ દરેક વ્યક્તિને સારા કે ખરાબના બોક્સમાં ફિટ કરવા આતુર હોય છે. વ્યક્તિએ એ પણ સમજવું જરૂરી હોય છે કે લોકો તરફથી મળતા કયા નકારાત્મક પ્રતિભાવો કે ટીકાઓને ધ્યાનમાં ન લેવા. આવી વાત સંતાનોને બાળપણથી શિખવાડાય તો મનોવૈજ્ઞાનિક વ્યક્તિત્વ મજબૂત બને છે. ક્યારેક જે વ્યક્તિ તમને બરાબર જાણતી કે સમજતી ન હોય, તે તમારા માટે કોઈપણ નેગેટિવ અભિપ્રાય કે ટીકા કરે તો તેને બહુ મન પર ન લેવાનું શીખવા જેવું છે. અતિશય સંવેદનશીલતા માનસિક સ્વાસ્થ્યનો દુશ્મન બની શકે. આપણે સૌ આવા અસલામતીના વાતાવરણમાં રહીએ છીએ. જરૂર છે માત્ર એ પ્રત્યેનું એડજસ્ટમેન્ટ કેળવવાની.


કાઉન્સેલિંગ અને સાયકોથેરપી આવા કિસ્સામાં ઘણા ઉપયોગી સાબિત થાય છે. કોઈપણ વ્યક્તિ સુપરમેન નથી હોતી અને સુપરમેન પણ કાલ્પનિક પાત્ર છે. આપણે આપણી પાસેથી પણ વાસ્તવિક અપેક્ષાઓ રાખીને મોટિવેશન મેળવવું જોઈએ. રેગ્યુલર યોગ, પ્રાણાયામ, કસરત અને મનગમતા સામાજિક સંબંધોને માણવાની ટેવ મનદુરસ્તી મજબૂત બનાવે છે, માત્ર કામ કે સફળતા નહીં.


વિનિંગ સ્ટ્રોક : જે વાસ્તવિક જીવનમાં શક્ય નથી તે સુપરમેન કરી બતાવે છે. કદાચ એટલે જ કલ્પનાજન્ય પાત્રો આપણને વધારે આકર્ષે છે. વાસ્તવિક સુપરહીરો બનવા વાસ્તવિક વિચારણા જરૂરી છે.
drprashantbhimani @yahoo.co.in

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP