અકારણ ચિંતાઃ જનરલાઇઝ્ડ એંગ્ઝાયટી ડિસઓર્ડર

article by dr. prashant bhimani

ડૉ. પ્રશાંત ભીમાણી

Nov 21, 2018, 12:05 AM IST

‘ડૉક્ટર, આ મારા હસબન્ડ શિશિરને તો ચોખ્ખાઈની કંઈ પડી જ નથી. દિવાળીને 15 દિવસ થઈ ગયા તો પણ મારું ઘર હજુ ચોખ્ખું નથી થયું. મારે કેટકેટલાંય કામ બાકી છે. હજુ મારે મારા બધા રિલેટિવ્સને મીઠાઈઓ પહોંચાડવાની બાકી છે. ઘણી બધી ગિફ્ટ્સ પણ આપવાની બાકી છે. ઘરનો સ્ટાફ પણ સમજતો નથી. એમને શું પડી હોય? મને આમાં ને આમાં તો ગભરામણ થઈ જાય છે. હૃદયના ધબકારા વધી જાય છે. હાથ-પગમાં પરસેવો થઈ જાય. બીક લાગવા માંડે. માથું દુખવા માંડે છે. મારું ક્યાંય ધ્યાન જ નથી લાગતું. એમ થાય છે કે કયું કામ શરૂ કરું અને ક્યારે પતાવું? ઊંઘ પણ નથી આવતી. હોળી હોય કે દિવાળી મારા માટે તો ચિંતાની હૈયાહોળી જ હોય છે.’ સુરભિબહેને હૈયાવરાળ કાઢી.

આપણા દેશમાં અકારણ ચિંતા કે વિકૃત માનસિક ગભરામણને નકારવાની કોઈ નવાઈ નથી

એક અંદાજ મુજબ સમગ્ર વિશ્વમાં આવા સાડા સત્યાવીસ કરોડ એંગ્ઝાયટીના દર્દીઓ છે. WHO મુજબ પાંચ કરોડથી વધુ વ્યક્તિઓ માત્ર ભારતમાં આ રોગથી પીડાય છે. આપણા દેશમાં અકારણ ચિંતા કે વિકૃત માનસિક ગભરામણને નકારવાની કોઈ નવાઈ નથી. ગત વર્ષે થયેલા એક અભ્યાસ અનુસાર બધા રોગો થવાનાં કે વધવાનાં દસ મુખ્ય કારણોમાંનું એક મોટું કારણ હોય તો એ છે, એંગ્ઝાયટી. મતલબ વિકૃત ચિંતા. ધીરે ધીરે આ ચિંતારોગ ઝડપથી વધી રહ્યો છે. હવે એ સમય પાકી ગયો છે કે આપણે આવી મનોવૈજ્ઞાનિક સમસ્યાઓને ગંભીરતાથી લઈએ.
સુરભિબહેનને જે તકલીફ છે તેનું નિદાન જનરલાઇઝ્ડ એંગ્ઝાયટી ડિસઓર્ડર (GAD) તરીકે કરી શકાય. એંગ્ઝાયટીના દર્દીને ચિંતાના કે એકના વિચારો અકારણ સતત આવ્યા કરે છે. ચિંતાને લીધે આવા લોકો કેટલીક પરિસ્થિતિ કે જગ્યામાં જવાનું પણ ટાળે છે. કોઈ દેખીતા કારણ વગર ફફડાટની લાગણી થવી, પરસેવો થવો, સતત બેચેની અને ચિંતા રહેવી, થાકની અનુભૂતિ થયા કરે અથવા ભૂખ, ઊંઘ કે સેક્સની ઇચ્છા કે પ્રમાણમાં વધઘટ થયા કરે, નાની-નાની બાબતોમાં પ્રમાણથી વધુ સતત ચિંતા રોજેરોજ રહેતી હોય કે જેનાથી દૈનિક ક્રિયાઓ પણ અસર પામે તો એને ‘જનરલાઇઝ્ડ એંગ્ઝાયટી ડિસઓર્ડર’ કહે છે. ચિંતાને કારણે વ્યક્તિનું કોન્સન્ટ્રેશન નબળું પડે છે. જવાબદારીઓ ઉપાડવાની બીક લાગે છે. સતત ભયની લાગણી થયા કરે. મને કંઈક ન થવાનું થઈ જશે અથવા મારા પરિવાર પર કોઈ આફત આવી જશે એવા કલ્પનાજન્ય તણાવથી વ્યક્તિ પીડાયા કરે. નજીકના લોકો પર નાની-નાની વાતે ગુસ્સો કરી બેસાય. સતત ચીડિયાપણું રહે. ‘લોકો શું કહેશે’ એ પણ ચિંતા સતત કોરી ખાય.


આ ઉપરાંત ગભરામણના હુમલા (PANIC DISORDER) અનિવાર્ય વિચાર-દબાણ અને ક્રિયા-દબાણ (OCD) તેમજ સોશિયલ એંગ્ઝાયટી ડિસઓર્ડર પણ એંગ્ઝાયટીના જ મુખ્ય પ્રકારોમાં ગણાય છે. આ ચિંતાઓ એવી હોય છે કે માત્ર સમજાવટથી કામ થતું નથી. વ્યક્તિ સમજે છે કે હું વિચારું છું તે જરા વધારે પડતું છે, પણ તોય એને રોકી શકાતું નથી. મગજના રસાયણોમાં ફેરફાર, સતત સ્પર્ધાત્મક જીવન, આર્થિક ખેંચતાણ, ઇમોશનલ મિસમેનેજમેન્ટ તેમજ દેખાદેખી આવી ચિંતાઓના મૂળમાં રહેલાં છે. આ માટે લોકો જાતજાતના ઉપાયો અજમાવે છે. વ્યસનો, જિમ્નેશિયમ, ગુરુઓ, બાબાઓ તેમજ ડોક્ટરો પાસે લોકો ઉપાય માટે જાય છે.


સુરભિબહેન માટે રિલેક્સેશન અને સાયકોથેરાપી મહત્ત્વનાં હતાં. સાથે એ એવું પણ સમજ્યા કે ‘માત્ર દુનિયાને સાબિત કરવા આપણે ઘરને ચોખ્ખું રાખવાની જરૂર નથી’. સૌ પહેલાં પોતાનું મન શાંત અને આનંદિત હોય તે અનિવાર્ય છે. જીવનના આનંદને વર્તમાનમાં માણવાની ટેવ પાડી શકાય છે. શારીરિક ફિટનેસ અને વ્યાયામથી સ્ટ્રેસ હોર્મોન્સમાં ઘટાડો થાય છે. એટલે કુદરતી રીતે શરીર શાંત થાય છે. યોગ અને પ્રાણાયામને પણ જીવનનો અનિવાર્ય ભાગ બનાવવો જરૂરી છે. મનગમતું ઇન્સ્ટ્રુમેન્ટલ સંગીત ઘણું રિલેક્સેશન આપી શકે છે. બીજાઓની પંચાત અને નિંદાથી મુક્ત થઈ પોતાના નજીકના લોકો સાથે સમય ગાળવો જરૂરી છે. 75 વર્ષ જેટલા લાંબા ગાળાનો એક અભ્યાસ સૂચવે છે કે જે લોકો સામાજિક રીતે મનગમતા સંબંધોમાં સક્રિય હતા તે લોકો લાંબું અને સ્વસ્થ જીવન ખુશીથી જીવી શકે છે.
વિનિંગ સ્ટ્રોકઃ આ નવા વર્ષે આપણે બીજાને નડ્યા વગર આપણા માટે જ ખુશીથી જીવવાનું શરૂ કરીએ તો! હેપ્પી દેવદિવાળી.
[email protected]

X
article by dr. prashant bhimani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી