આ તારી સાથેનું મારું છેલ્લું બ્રેકઅપ

article by dr. prashant bhimani

ડૉ. પ્રશાંત ભીમાણી

Sep 26, 2018, 04:20 PM IST

‘તને ખબર છે મિલન! મારી હાલત પેલા તૂટેલા અરીસાને ફેવિક્વિકથી સાંધેલો હોય અને ફરી પાછી એમાં ત્યાં જ તિરાડ પડે એવી થઈ ગઈ છે. તારી સાથેનું આ મારું છેલ્લું બ્રેકઅપ છે. અગાઉનાં બંને બ્રેકઅપમાં તેં મને અંદરથી સાવ તોડી નાખી છે. દર વખતે તું મારી પગે પડીને માફી માગે. રડે કકળે એટલે હું ઓગળી જઉં અને તને પાછો સ્વીકારી લઉં છું, પણ હવે આવું નહીં બને. મારી લિમિટ તૂટી ગઈ છે. મારાં પેરેન્ટ્સ અને ફ્રેન્ડ્ઝ પણ કહે છે કે, ‘રૂપશ્રી, તું ડિસાઇડ કરી લે, તારે શું કરવું છે?’ તને ખબર છે મિલન, મારે આ વખતે સી.એ.ની એન્ટ્રસ એક્ઝામની તૈયારી કરવાની છે. જો હું મારી કરિયરમાં ધ્યાન નહીં આપી શકું તો મારા રિટાયર્ડ પેરેન્ટ્સને કેવી રીતે સપોર્ટ કરી શકીશ? તારે માટે હું હવે સોફ્ટ ટાર્ગેટ બની ગઈ છું. તારા આ પ્રેમબેમનાં નાટકો હવે બંધ કર. લેટ્સ ડિપાર્ટ ફાઇનલી. આઇ એમ ડન વિથ યુ એન્ડ યોર લવ-ટેન્ટ્રમ્સ. હવે તો મને ડિપ્રેશન જેવું લાગે છે. તને હોય કે ન હોય, પણ મારે તો સાયકોલોજિકલ ટ્રીટમેન્ટની જરૂર છે.’

જે લોકોનાં ન્યુરોટિક વ્યક્તિત્વ હોય, બોર્ડરલાઇન પર્સનાલિટી ડિસઓર્ડર ધરાવતા હોય કે બાઇપોલર વર્તન ધરાવતા હોય તેવા લોકો પોતે પણ દુઃખી થાય છે અને સામેવાળાને તો દુઃખી કરે જ છે

રૂપશ્રીની વાત તદ્દન સાચી છે. પ્રેમમાં સરી પડવું આસાન છે, પણ મેઇન્ટેનન્સ મોંઘું છે. બે વ્યક્તિ પરસ્પર નજીક આવે છે ત્યારે ઇમોશનલ સ્વીકૃતિ ખૂબ તીવ્ર હોય છે. પછી લાગણીની તીવ્રતામાં તફાવતો ઊભા થાય. અપેક્ષાઓ ખંડિત થાય. એડજસ્ટમેન્ટના અભાવે પ્રેમી પાસેથી ધારી લીધેલી ઇચ્છાઓ પૂરી ન થતાં મોહભંગ થાય. આનું એક મોટું કારણ એ કે આપણા સમાજ કે સંસ્કૃતિમાં ‘પ્રેમ’ને એવી રીતે રજૂ કરવામાં આવે છે કે જાણે એને અને વાસ્તવિક દુનિયાને કોઈ સંબંધ જ ન હોય. તેમજ જ્યારે સામેની વ્યક્તિને એના પોતાના મુજબ વર્તવાની સહેજ પણ છૂટ ન આપવામાં આવે ત્યારે બંધન અનુભવાય તે સ્વાભાવિક છે. પ્રેમનું બંધન સ્વૈચ્છિક હોવું જરૂરી છે, તો જ બંનેની ઇચ્છા મુજબ સંબંધ ટકે.


સંશોધનો દર્શાવે છે કે બંધાતા અને તૂટતા સંબંધો માનસિક સ્વાસ્થ્ય માટે ખતરનાક નીવડે છે. આવા નાજુક સંબંધો તૂટવા માટે નબળું કોમ્યુનિકેશન, કમિટમેન્ટનો અભાવ અને સામેવાળા પાત્રને અપમાનજનક સંબોધનો કરવાં વગેરે બાબતો મુખ્યત્વે જવાબદાર હોય છે. યુનિવર્સિટી ઑફ મિસુરીના સંશોધક કેલ મોન્કના અભ્યાસો જણાવે છે કે, એકાદ વાર કોઈ સાથે સંબંધ તૂટે તે એટલું ખરાબ નથી જેટલું વારંવાર એ જ વ્યક્તિ સાથે સંબંધ તૂટ્યા કરે અને ફરી બંધાયા કરે. આ બાબત માનસિક સ્વાસ્થ્યની ઘોર ખોદી નાખે છે. ઉપરના સંશોધનમાં 500થી વધુ લોકો પરના અભ્યાસ પરથી જણાયું કે આવાં જોડતોડવાળાં પ્રેમીઓમાં ડિપ્રેશન અને એંગ્ઝાયટી અનિવાર્યપણે જોવા મળે છે. ખંડિત લાગણીઓના ઘરમાં પરાણે રહેતા બે માણસો મોટેભાગે વ્યાવહારિકતા અને સંતાનોને કારણે ‘કજોડે’ રહેતા હોય છે. બહુ થોડા સંબંધોમાં બોધપાઠ લઈ ફરીથી સ્ટેબલ થઈ શકાય છે.


મારું માનવું છે કે જે લોકોનાં ન્યુરોટિક વ્યક્તિત્વ હોય, બોર્ડરલાઇન પર્સનાલિટી ડિસઓર્ડર ધરાવતા હોય કે બાઇપોલર પ્રકારનું વર્તન ધરાવતા હોય તેવા લોકો પોતાના મૂડના ચડાવ-ઉતાર સાથે સંબંધોને પણ રાઇડ પર લઈ જાય છે. આવા લોકો પોતે પણ દુઃખી થાય છે અને સામેવાળાને તો દુઃખી કરે જ છે. ભયંકર સ્થિતિ તો ત્યારે થાય છે જ્યારે બંને પ્રેમીઓ કે પાર્ટનર સરખા એબનોર્મલ વ્યક્તિત્વવાળા મળે. બેમાંથી એકપણ આવું હોય તોય મુશ્કેલીઓ અપાર હોય છે.


મિલન અને રૂપશ્રીનું વ્યક્તિગત અને કપલ એમ બંને રીતે કાઉન્સેલિંગ થયું. પોતાની જૂની આદતો, અનુભવો અને લિમિટેશનમાંથી મુક્ત થઈ શકાય છે. એક જ વ્યક્તિ ગમતી હોય અને એની સાથે ફાવતું પણ ન હોય ત્યારે નવા ઉકેલો નવેસરથી વિચારવાથી સહજીવન સ્ટ્રોંગ કરી શકાય છે.


વિનિંગ સ્ટ્રોકઃ જેટલી ઝડપથી એકબીજાની નજીક અવાય છે એટલી જ ઝડપથી એકબીજાનો સંપૂર્ણ સ્વીકાર થાય છે ખરો?

drprashantbhimani @yahoo.co.in

X
article by dr. prashant bhimani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી