નક્કી મારી સાથે કંઈક ખરાબ થશે

article by dr. prashant bhimani

ડૉ. પ્રશાંત ભીમાણી

Sep 19, 2018, 04:17 PM IST

વખતે 32 વર્ષનો અર્જુન ત્રીજી વાર એ જ હોસ્પિટલમાં જાતે જ દાખલ થઈ ગયો. ચાલુ ઑફિસેથી ગભરામણ અને છાતીમાં દુખાવાની ફરિયાદ સાથે એડમિટ થયા પછી પત્ની શર્વરીને ફોન કર્યો કે, ‘તું જલદી અહીં આવ, હું એડમિટ થઈ ગયો છું અને મને કંઈક થઈ જશે.’

શર્વરી તો મારતી ગાડીએ હોસ્પિટલ પહોંચી. ત્યાંના અટેન્ડન્ટ ઇમર્જન્સીના ડૉક્ટર સાથે વાત કરી. જાણ્યું તો બધું બરાબર હતું. ECG, ઇકો કાર્ડિયોગ્રામ અને ટ્રેડમિલ ટેસ્ટ બધું ઓ.કે. હતું. ડૉક્ટરે ‘કોઈ ચિંતાનું કારણ નથી’ એમ કહી ડિસ્ચાર્જ પણ આપી દીધો, પણ અર્જુનના મનમાંથી પેલી ગભરામણ ડિસ્ચાર્જ થઈ નહીં. જોકે, શર્વરી માટે આ અનુભવ નવો નહોતો. ડૉક્ટરના મત મુજબ અર્જુનને પૅનિક એટેક હતો અને એણે એ માટે મનોચિકિત્સા લેવાની જરૂર હતી.

તીવ્ર સ્ટ્રેસની સ્થિતિ આવે તો પૅનિક એટેક આવવાનું શરૂ થઈ જાય છે

પૅનિક એટેક એટલે ગભરામણ અને બેચેનીનો હુમલો. જ્યારે મન અને શરીર કોઈ પણ ભયજનક કે ચેલેન્જિંગ પરિસ્થિતિમાં ફાઇટ કે ‘ફ્લાઇટ’ની સ્થિતિમાં આવી જાય ત્યારે આ કન્ડિશન ઊભી થાય. તીવ્ર એંગ્ઝાયટી થાય અને દર્દીને એવું લાગે કે, ‘નક્કી મારી સાથે કંઈક ખરાબ થશે.’ અથવા ‘હું મરી રહ્યો છું’ હૃદયના ધબકારા ખૂબ વધી જાય. દર્દીને પોતાને એ અનુભવાય, શ્વાસ રુંધાવા માંડે, ચક્કર આવે અથવા અંધારા આવે, હાથ-પગની આંગળીઓમાં બહેરાશ આવી ગઈ હોય એવું લાગે. ધ્રુજારી અને પરસેવો થવા લાગે. દર્દી ક્યારેક દાંત પણ કચકચાવવા લાગે, કેટલાકને કાનમાં ઘંટડી જેવા અવાજો પણ સંભળાય, પોતાના પર પોતાનું નિયંત્રણ ગુમાવાઈ રહ્યું છે તેવો અનુભવ થાય. બધાં લક્ષણો ખરેખર ખતરનાક ન હોય, પણ ગભરાવી ચોક્કસ મૂકે. આશરે પાંચ મિનિટથી અડધો કલાક સુધી આવાં લક્ષણો રહે અને પછી ચાલ્યાં જાય. જોકે, દર્દીને એવું જ લાગે કે ‘મને હાર્ટએટેક આવ્યો છે અને હું મરી રહ્યો છું.’

પૅનિક એટેક દરમિયાન શરીર વધુ ઓક્સિજન લેવાની કોશિશ કરે, એટલે શ્વાસોશ્વાસ ઝડપથી ચાલે, શરીરમાં એડ્રિનાલિનનો સ્ત્રાવ ઝરવાથી હૃદયના ધબકારા વધી જાય અને સ્નાયુઓ તંગ થઈ જાય. અન્ય સ્ટ્રેસ હોર્મોન્સ પણ શરીરના સંતુલનને ખોરવી શકે.


અર્જુનની હિસ્ટ્રી લીધા પછી ખબર પડી એ સંયુક્ત કુટુંબમાં ઉછરેલો. એના બંને કાકાના દીકરાઓ લગભગ સરખી ઉંમરના. એ બંને ભણવામાં ખૂબ હોશિયાર. અર્જુન અબાઉ એવરેજ ગણાય. એટલે એના પર બીજા પિતરાઈઓની સમકક્ષ રહેવા સતત દબાણ થયા કરે. ખાસ કરીને મમ્મીની એવી ઇચ્છા કે અર્જુને બીજા ભાઈઓ કરતાં આગળ જ રહેવું જોઈએ. જેમ તેમ કરતાં સ્કૂલ પતી અને બધાની કૉલેજ અલગ થઈ ગઈ, પણ છેક પ્રાઇમરી સ્કૂલથી થોપાયેલી અનિવાર્ય સ્પર્ધાએ અર્જુનમાં એંગ્ઝાયટી ઊભી કરી દીધેલી. એક વખત કૉલેજના ફર્સ્ટ યરની ફાઇનલ એક્ઝામ પહેલાં અર્જુનને આવો ગભરામણનો હુમલો આવેલો. એ વખતે ઘરના બધા દોડી આવેલા. એને ખૂબ આળપંપાળ મળી અને હોસ્પિટલાઇઝ કર્યો.

લોકો ખબર પૂછવા આવ્યા. અર્જુનને આ બધું અનકોન્શિયસલી ગમવા લાગ્યું, પણ ધીમે ધીમે કોઈ પણ તીવ્ર સ્ટ્રેસની સ્થિતિ આવે તો એને આ પૅનિક એટેક આવવાનું શરૂ થઈ ગયું. આમ આખીય વિકૃતિએ જન્મ લીધો.


અર્જુનની મનોચિકિત્સામાં હિપ્નોથેરાપી સિટિંગ્સ આપવામાં આવ્યા. શ્વાસની પ્રક્રિયાને નિયંત્રિત કરી રિલેક્સેશનની ટ્રેનિંગ અપાઈ. અચેતન સ્તરે કાલ્પનિક ભય દૂર થાય તેવાં સકારાત્મક સૂચનો આપવામાં આવ્યાં. માની લીધેલી મોટી ચેલેન્જને સાયકોલોજિકલ કાઉન્સેલિંગ દ્વારા વાસ્તવિક રીતે કેવી રીતે સમજી શકાય તે અર્જુન સમજ્યો. ‘દરેક દિવસ એક અઘરી ચેલેન્જ હોય છે.’ અને ‘એક ગંભીર કસોટી હોય છે’ જેવાં ગભરાવી મૂકતાં જનરલ સ્ટેટમેન્ટને બદલે ‘રોજેરોજ આનંદથી જીવી શકાય’ જેવાં સામાન્ય સૂત્રોને અર્જુને આત્મસાત્ કર્યાં. હવે અર્જુન રોજિંદા કુરુક્ષેત્રમાં પોતાનો જ કૃષ્ણ બની ચૂક્યો છે.


વિનિંગ સ્ટ્રોક : જીવન પ્રત્યેનો અભિગમ કોઈ કસોટી જેવો રાખીએ તો સામે પ્રશ્નપત્ર જ આવે, પણ જો એ અભિગમ જિંદાદિલીનો રાખીએ તો સામે આનંદ આવવાની પૂરી શક્યતા છે. drprashantbhimani @yahoo.co.in

X
article by dr. prashant bhimani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી