કમિટમેન્ટનું કન્ફ્યૂઝન

article by dr. prashant bhimani

ડૉ. પ્રશાંત ભીમાણી

Sep 12, 2018, 12:05 AM IST

‘ડૉક્ટર, હું એક ફાઇનાન્સ કંપનીમાં જોબ કરું છું. મને યંગ બિઝનેસ અચીવરનો અેવોર્ડ મળ્યો છે. પણ મને એનો ખાસ આનંદ નથી. મને સતત આળસ અને કન્ફ્યૂઝન રહ્યા કરે છે.’ બાવીસ વર્ષના પ્રીતિશનો ચહેરો પણ મૂંઝવણભર્યો જ હતો. એણે આગળ વાત કરી,‘હું અત્યારે સી.એ.ના ફાઇનલ યરમાં છું અને સાથે જોબ પણ કરું છું. મારે જોબ કરવી પડે છે એટલે કરું છું. બાકી ખાસ કંઈ ગમે નહીં. જોકે, મેં મારા બિહેવિયરનું થોડું એનાલિસિસ કર્યું તો એવું લાગ્યું કે હું હંમેશાં ફોલોઅર રહી શકું. લીડર ક્યારેય બની શકું નહીં. મને કોઈ ડેડલાઇન આપે તો જ કામ કરી શકું. મને ખબર પડે કે મારે આમ જ કરવું જોઈએ. તો પણ મારે કોઈના ઓર્ડર્સ તો જોઈએ જ. મેં જોયું છે કે મારામાં કોઈ પેશન જ નથી. હંમેશાં કરિયરને લઈને મૂંઝવણમાં રહું છું.’


‘હમણાં એવું બન્યું છે કે મને મારા બોસે બીજા એક ડિપાર્ટમેન્ટમાં પ્રમોશન આપવાની ઓફર કરી છે. પગાર તો લગભગ દોઢ ગણો વધારે છે. છતાંય મને એ નવા માર્કેટિંગ ફિલ્ડમાં જવાની જરાય ઇચ્છા નથી. હવે પ્રોબ્લેમ એ છે કે હું મારા બોસને કહી શકતો નથી કે મારે શું કરવું છે?’
‘બરાબર આવું જ રિલેશનશિપમાં પણ છે. દીક્ષા અને હું છેલ્લાં ચાર વર્ષથી એકબીજાની ‘નજીક’ છીએ. અમારા બંનેનાં પેરેન્ટ્સ હવે એન્ગેજમેન્ટની વાત કરે છે. દીક્ષાએ પણ હવે મને અલ્ટિમેટમ આપ્યું છે. જો હું એકાદ વીકમાં કમિટમેન્ટ નહીં આપું તો એ બ્રેકઅપ કરી દેશે. મારે તમને એ પણ કહેવું જોઈએ કે હું ડેટિંગ એપ ‘ટીન્ડર’ ઉપર પણ છું, જેની દીક્ષાને ખબર નથી. ત્યાં પણ મારે શું વાત કરવી એ સમજ જ નથી પડતી. ઇનફેક્ટ ‘હું મને જ પ્રેમ નથી કરતો’ એવું લાગે છે અને એટલે જ હું મારી વાતને અને જાતને ક્યાંય સ્પષ્ટતાથી રજૂ નથી કરી શકતો. આઇ કેન નોટ માર્કેટ માય સેલ્ફ. આળસ સાથે કામને ટાળવાની વૃત્તિ પણ વધતી જાય છે. કામ પતે નહીં એટલે ગુસ્સો આવે અને આ ગુસ્સો હું બીજા કોઈ પર કાઢી શકું નહીં એટલે મનમાં ‘ચીડ’ વધ્યા કરે. આજકાલ ઊંઘમાં તકલીફો શરૂ થઈ ગઈ છે. પ્લીઝ હેલ્પ મી.’

મેં મારા બિહેવિયરનું થોડું એનાલિસિસ કર્યું તો એવું લાગ્યું કે હું હંમેશાં ફોલોઅર રહી શકું. લીડર ક્યારેય બની શકું નહીં

પ્રીતિશની સમસ્યાનું કોઈ એક લેબલ નીચે નિદાન થવું મુશ્કેલ છે. એની ‘પેસિવ એગ્રેસિવ પર્સનાલિટી’ અને ‘અન્ડરલાઇંગ ડિપ્રેશન’ આ બંનેના કારણે ઉપરનાં લક્ષણો દેખાઈ રહ્યાં હતાં. પ્રીતિશ ખૂબ અલગ પ્રકારના વાતાવરણમાં ઉછર્યો હતો. એનાં મમ્મી ટીચર અને પપ્પા બેન્કમાં જોબ કરતા. એ એકનું એક સંતાન. ઘરમાં બીજું કોઈ ન હોવાને લીધે સ્કૂલેથી આવીને એકલા જ રહેવું પડે. એના મિત્રો પણ ખાસ નહીં. બંને માતા-પિતા એવું ઇચ્છે ખરા કે પ્રીતિશને સારામાં સારો ઉછેર મળવો જોઈએ, પણ એ માટે સમય નહોતો મળતો. પ્રીતિશને બાળપણથી એકલતાનો ગુસ્સો અને રોજ સાંજે જ મળતાં માતા-પિતાના વધારે પડતા શિસ્તને લીધે એનામાં ધીમે ધીમે ઇમોશનલ ડ્રાયનેસ વધતી ચાલી. એને સાંભળનાર અને સમજાવનાર ખાસ કોઈ હતું નહીં. સિંગલ ચાઇલ્ડનાં જે માતા-પિતા જોબ કરતાં હોય તે બધાંને આવી સમસ્યા થાય જ એ જરૂરી નથી, પરંતુ પ્રીતિશને મિત્રવર્તુળ પણ નહોતું અને ટીનએજમાં એ એકલો જ પોતાના પ્રોબ્લેમ્સ સામે ઝઝૂમીને થાક્યો હતો. એટલે ધીમે ધીમે પોતાના નિર્ણયો લેવાનો કોન્ફિડન્સ ગુમાવતો ગયો. મોબાઇલ અને ટી.વી.નો પણ એડિક્ટ બનતો ગયો. એટલે આભાસી દુનિયામાં રહેવાનું એને ગમવા લાગ્યું હતું. જીવનમાંથી પેશન ઘટવા લાગ્યું.


પ્રીતિશને ‘કોગ્નિટિવ બિહેવિયર થેરાપી’ અને કાઉન્સેલિંગ આપવામાં આવ્યાં. પ્રીતિશને પહેલાં નાના-નાના નિર્ણયો લઈને એ કાર્યને પૂરું કરવા પ્રેરવામાં આવ્યો. પોતાની ઇચ્છા-અનિચ્છાને સ્પષ્ટ રીતે કહેવાની રીત શીખવવામાં આવી. નિષ્ફળતાનો ભય સિટિંગ્સ દ્વારા દૂર થયો. એટલે એનું કમિટમેન્ટ લેવલ વધ્યું. દીક્ષા સાથે લગ્ન નક્કી થઈ ગયાં. જે અન્ય કામમાં રસ ન હોય તે સ્પષ્ટ રીતે બોસને જણાવી શક્યો. હવે પ્રીતિશ ધૂંધળા વર્તનમાંથી સ્પષ્ટતા તરફ જઈ રહ્યો છે અને પોતાને પ્રેમ કરવાનું શરૂ થઈ ગયું છે.


વિનિંગ સ્ટ્રોક : ઘણી વખત માત્ર વધુ એક ડગલું ભરવાની જ વાર હોય છે, બાકી બદલાવની બાઉન્ડ્રી નજીકમાં હોય એવું બને.

drprashantbhimani @yahoo.co.in

X
article by dr. prashant bhimani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી