મનદુરસ્તી / કેવા લોકો સોશિયલ મીડિયા એડિક્શનનો શિકાર બને છે?

artice by dr. prashant bhimani

ડૉ. પ્રશાંત ભીમાણી

Apr 10, 2019, 03:44 PM IST

રશ્મિબહેને ક્લિનિકમાં આવતાં જ કહ્યું, ડોક્ટર, આ મારા દીકરા જીતને મેડિકલમાં જવું છે. ખૂબ હોશિયાર છે. એટલે અમને બંનેને એવું હતું જ કે ઇઝીલી એડમિશન મળી જશે, પણ હવે ચિંતા એ થાય છે કે જીતના હાથમાં બુક્સને બદલે મોબાઇલ હોય છે. એ આખો દિવસ સોશિયલ મીડિયા પર રહે છે. એના આખા દિવસની બધી જ એક્ટિવિટી ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા કરે છે. અમારો એકનો એક દીકરો છે. એને લાડકોડથી ઉછેર્યો છે. એના પપ્પાએ શૂન્યમાંથી સર્જન કર્યું છે. એમણે બિઝનેસમાં ખૂબ મહેનત કરી છે. હવે જો આ એડિક્શન નહીં મૂકે તો ભવિષ્ય બરબાદ થઈ જશે. અમારા ઘરમાં આમ તો ત્રણ જણ છીએ, પણ હવે તો એવું લાગે છે કે જાણે હું એકલી જ છું. એના પપ્પા ફેક્ટરીએ જાય, જીત મોબાઇલમાં ડૂબી જાય, પછી હું એકલી. હવે તો લાગે છે મને ડિપ્રેશન આવી જશે. આ જીતનું એડિક્શન છૂટે તો સારું.’

  • ઇમોશનલી નબળા લોકો સોશિયલ મીડિયા એડિક્શનનો સૌથી વધુ શિકાર થાય છે

અત્યારે એક આંકડા પ્રમાણે વિશ્વમાં 2.77 બિલિયન લોકો સોશિયલ મીડિયા વાપરે છે. આશરે 96 ટકા સ્ટુડન્ટ્સ ફેસબુક, વોટ્સએપ, વી-ચેટ, ઇન્સ્ટાગ્રામ, ક્યુ-મોન, ટમ્બ્લર, સ્નેપચેટ, ટ્વિટર, ગૂગલ પ્લસ વગેરેનો સૌથી વધુ ઉપયોગ કરે છે. 18થી 29 વર્ષની વચ્ચેના 88% સ્ટુન્ડન્ટ્સ સોશિયલ મીડિયા વાપરે છે. ‘કોમન સેન્સ મીડિયા’ના એક સર્વે મુજબ ટીનએજર્સ એવરેજ નવ કલાક ઓનલાઇન રહે છે. નાની ઉંમરવાળામાં સ્નેપચેટ અને ઇન્સ્ટાગ્રામ સૌથી વધુ લોકપ્રિય છે. લોકોને સોશિયલ મીડિયાનું આટલું બધું ઘેલું કેમ છે? મનોવિજ્ઞાન આ સવાલનો જવાબ આપે છે. કેટલાક વ્યક્તિત્વ ગુણ-લક્ષણો એવાં હોય છે જે ન્યૂરો-બાયોલોજિકલ અને સાયકોલોજિકલી આપણને સોશિયલ મીડિયાના ગુલામ બનાવે છે. અમેરિકાની બિંગેમ્ટન યુનિવર્સિટીના ઇન્ફોર્મેશન સિસ્ટમ્સના આસિસ્ટન્ટ પ્રોફેસર આઇઝેક વઘેફીનાં સંશોધનો મુજબ આ એડિક્શન આલ્કોહોલ અને ડ્રગ્સ જેટલું ખતરનાક છે. કોલેજ જતાં 300 વિદ્યાર્થીઓ પર થયેલા એક ડિટેઇલ રિસર્ચમાં જાણવા મળ્યું છે કે ન્યૂરોટિસિઝમ, પ્રામાણિકતા અને સંમતિ આપવાની વૃત્તિ જેવાં ત્રણ મુખ્ય વ્યક્તિત્વ લક્ષણો આ એડિક્શન માટે જવાબદાર છે. આ ઉપરાંત સંશોધનમાં વપરાયેલાં અન્ય બે લક્ષણો બર્હિમુખીપણું અને ખુલ્લાપણું એટલાં બધાં જવાબદાર નથી સાબિત થયાં.
જો વ્યક્તિમાં ન્યૂરોટિસિઝમ મતલબ સ્ટ્રેસ અને એંગ્ઝાયટી જેવી નકારાત્મક લાગણીઓ ઝડપથી અનુભવવાની ટેવ હોય તો આ એડિક્શન વધે છે. જે લોકો ઇમોશનલી નબળા છે તેઓ સોશિયલ મીડિયા એડિક્શનનો સૌથી વધુ શિકાર થાય છે. ઘણીવાર ડિપ્રેશન અને FOMO (ફિયર ઓફ મિસિંગ આઉટ) એટલે કે, ‘હું ગ્રૂપ કે ચેટમાંથી બહાર ફેંકાઈ જઈશ’ કે ‘મને કોઈ અગત્યની માહિતી નહીં મળે તો?’ એવા ભયને કારણે પણ એડિક્શન વધે છે. પ્રેમમાં પડેલાઓ માટે તો આ હાથવગું એડિક્શન છે. વ્યક્તિત્વમાં રહેલી પ્રામાણિકતા આ એડિક્શનને નિયંત્રણ કરવામાં સહાયભૂત લક્ષણ છે. જે વ્યક્તિમાં ‘તરંગ નિયંત્રણ’ સારી રીતે થઈ શકતું હોય અને જે લોકો પોતાનાં ધ્યેયોને મેળવવાની સ્પષ્ટ બ્લૂ પ્રિન્ટ જાણતા હોય તે લોકોમાં આ વિશે મજબૂતાઈ જોવા મળે છે. મતલબ, એડિક્શનનો ઓછો શિકાર થાય છે. જો ન્યૂરોટિક વ્યક્તિ પ્રામાણિક હોય તો કંટ્રોલ નબળો થઈ જાય છે. ત્રીજી વાત, જે લોકોમાં ‘સંમતિ’ આપી દેવાનું વર્તન સરળતાથી થતું હોય છે. તેવા લોકો મૈત્રીપૂર્ણ વ્યવહાર દર્શાવે છે. આવા લોકો સંવેદનશીલ અને મદદગાર હોય છે. આવા લોકો પણ સોશિયલ મીડિયાના એડિક્ટ થઈ શકે.
કેટલાક લોકો પ્રસિદ્ધિ, બિઝનેસ ડેવલપમેન્ટ, ટાઇમપાસ તો કેટલાક અન્ય જરૂરિયાતો પૂરી કરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે. જ્યાં સુધી સોશિયલ મીડિયા વગર રહી શકાય ત્યાં સુધી ટ્રીટમેન્ટની જરૂર નથી, નહીં તો તાત્કાલિક સાયકોલોજિકલ હેલ્પ લેવી. જીતને સાયકોથેરાપી અપાઈ. માતા-પિતાએ ટીકા કે ઉપદેશો વગરનો ક્વોલિટી ટાઇમ એની સાથે પસાર કરવાનો હતો. ધીમે ધીમે એનામાં રહેલી છૂપી એકલતા અને કરિયર એંગ્ઝાયટી દૂર થયાં. મનોચિકિત્સા બાદ હવે એ ફિઝિકલ ફિટનેસ તરફ વળ્યો છે ને સાયકોલોજિકલ ફિટનેસ તો આપોઆપ આવી ગઈ છે.
વિનિંગ સ્ટ્રોક : ભવિષ્યમાં સોશિયલ મીડિયાથી છૂટવું જેટલું અઘરું થતું જશે, એટલું જ અનિવાર્ય પણ બનતું જશે.

[email protected]

X
artice by dr. prashant bhimani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી