માનસ દર્શન / ‘હનુમાન ચાલીસા’ યુગબંધનથી મુક્ત કરે છે

article by moraribapu

મોરારિબાપુ

Apr 21, 2019, 05:24 PM IST

‘હનુમાનચાલીસા’માં ચાલીસનો જ અંક શા માટે? અવું ઘણીવાર પૂછવામાં આવે છે. ચાલીસના અંકની આપણે ત્યાં વિશેષ મહત્તા પણ છે; લોકમાં પણ, વેદમાં પણ. ચાલીસના અંકનું મારું એવું સમજવું છે; ચાલીસનો મારો મતલબ છે 40 - ફોર ઝીરો. હું આપ સૌને એ કહેવા માગું છું કે જીવનમાં જે વ્યક્તિ ચાર વસ્તુને સમાપ્ત કરી દે, શૂન્ય કરી દે; અને શૂન્ય આપણે ત્યાં બંનેનું પ્રતીક છે. શૂન્ય એક તો રિક્ત છે, ખાલી છે; અને બીજું, ઝીરો એટલે કે શૂન્ય એ પૂર્ણ પણ છે. એમાં કોઈ ખૂણો નથી. જ્યાં ખૂણો હોય છે ત્યાં છુપાવાની સુવિધા હોય છે, જ્યાં વર્તુળ છે ત્યાં કંઈ છુપાઈ નથી શકતું. શૂન્યમાં અને પૂર્ણમાં છુપાવાની કોઈ વ્યવસ્થા નથી. જે પૂર્ણતાને પ્રાપ્ત કરી લે એ લાખ ઇચ્છે તો પણ છુપાઈ નથી શકતા. ત્યાં છુપાવાની વ્યવસ્થા જ નથી. એટલા માટે ભગવાન બુદ્ધ શૂન્યની વાત કરે છે, જગદ્્ગુરુ આદિ શંકરાચાર્ય પૂર્ણની વાત કરે છે. તો શૂન્યને આપણે ખાલી પણ કહ્યું છે અને પૂર્ણ પણ કહ્યું છે. શાસ્ત્રમાં અને જીવનમાં જેટલી જેટલી ચાર ચીજ છે એને સાધક જ્યારે શૂન્ય કરવા લાગશે ત્યારે ચાલીસાને આત્મસાત્ કરી લેશે. ‘હનુમાનચાલીસા’ની ચાલીસ પંક્તિ એ અદ્્ભુત છે. કેવળ પાઠ-પારાયણ કરી લો એ અદ્્ભુત છે. એમાં જે કેટલીક વાતો લખી છે કે બંધનમાંથી છૂટી જશો. આમ થશે, આમ થશે, એવી લાલચમાં કરો તોપણ છૂટ છે, પરંતુ કોહીનૂર હીરાથી બટેટા ખરીદવાની કોશિશ ન કરો! વિશેષ અનુભવ કરવા માટે ‘ચાલીસ’નો અંક સમજો. ચાર વસ્તુને શૂન્ય કરી દેવામાં આવે તો પૂર્ણતા. ‘હનુમાન ચાલીસા’ પૂર્ણરૂપેણ આત્મસાત્ ત્યારે જ થશે. મારા અનુભવમાં એ થયું છે. ‘હનુમાન ચાલીસા’નું પઠન કરતાં કરતાં તમને એવું લાગે કે મારું મન ઝીરો થઈ ગયું છે. અઘરું બહુ છે, પરંતુ એ અવસ્થા આવે છે. મનના સંકલ્પ-વિકલ્પ શાંત થઈ જાય; ‘હનુમાનચાલીસા’નું અનુસંધાન કરતાં કરતાં વિચારો ખતમ થઈ જાય; ‘હનુમાનચાલીસા’નું પારાયણ કરતાં કરતાં ચિત્તમાં સંગ્રહિત જનમ-જનમના સંસ્કારની વિસ્મૃતિ થઈ જાય અને ‘હનુમાનચાલીસા’નો પાઠ કરતાં કરતાં અહંકાર તૂટી જાય. આ ચારેયને ઝીરો કરવા જરૂરી છે.

  • અહંકાર છોડી દો અને પછી ભજન કરો. અહંકાર તૂટ્યો ન હોય ત્યારે ભક્તિ કરવાથી થોડો હલકો થઈ જશે

આ બધું ‘માનસ’ને આધારે મારે તમારી સામે મૂકવું છે. શંકરનું જે ધનુષ છે એ અહંકાર છે. અહીં મારી વ્યાસપીઠ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ ચારેયને ઝીરો કરવાનું કહે છે, જેથી ‘ચાલીસા’ આત્મસાત્ થઈ જાય. ભગવાન શંકરે આ ધનુષથી ત્રિપુરને માર્યો હતો. ત્રિપુરને માર્યા પછી શંકરે એ ધનુષને મૂકી દીધું. રાક્ષસ મરી ગયો પછી શંકરે ધનુષ છોડી દીધું. એનો શું મતલબ? જ્યાં સુધી દૂષણને ખતમ કરવું હોય ત્યાં સુધી આપણો અહંકાર રાખો, પરંતુ દૂષણ ખતમ થઈ જાય પછી જે સાધનથી દૂષણ ખતમ થયું હોય એ સાધનને પણ છોડી દો. આ ક્રમ છે. વિશ્વને બહુ સુંદર સંદેશ આપ્યો શિવજીએ. તમારી પાસે રિવોલ્વર છે, બંદૂક છે, કીમતી વસ્ત્રો છે, પરંતુ જ્યારે સૂવા જાઓ છો ત્યારે એ બધું છોડી દો છો. ‘હું’ અને ‘મારું’ છૂટી જાય છે ત્યારે ક્યારેક પાંચ-છ કલાકનો વિશ્રામ મળે છે. એવી રીતે જીવનભરનો ‘હું’ જ્યારે છૂટે છે ત્યારે તુલસીની જેમ આપણે કહી શકીએ છીએ, ‘પાયો પરમ બિશ્રામ.’
શિવની કૃપાથી અહંકાર છૂટશે અને ભક્તિની કૃપાથી અહંકાર થોડો હલકો ફૂલ થઈ જશે; એ બોજ નહીં બને. ત્યાર પછી પણ નિશ્ચિત ન થઈ જવું. ત્યારબાદ ‘રામચરિતમાનસ’માં ત્રીજી ઘટના ઘટી, જેમાં રામજીએ ધનુષ તોડી નાખ્યું. પરશુરામજી આવ્યા. એ કાળમાં જનક જેવા કોઈ જ્ઞાની ન હતા. એમને પરશુરામે કહ્યું, મૂરખ! ધનુષ કોણે તોડ્યું? તું મૂરખ છે! અને પરશુરામજી કહે છે, મેં સાંભળ્યું છે કે આ ધનુષની તારા ઘરમાં પૂજા થતી હતી. તો જેની તું પૂજા કરતો હતો એને તેં તોડાવી નાખ્યું? ધનુષ તોડશે એને સીતા મળશે, એવી પ્રતિજ્ઞા મૂઢતાનો પરિચય છે! આ તો બિલકુલ જડ પ્રતિજ્ઞા છે તારી! તું જડ છે! અલબત્ત, જનકે ધાર્યું હોત તો એનો જવાબ એ આપી શક્યા હોત, પરંતુ વડીલો સાથે વિવાદ કરવામાં વિવેક નથી. એ જનક જાણતા હતા. હું યુવાનોને પણ કહું, જે બુઝુર્ગ હોય, એમની વાત સમજમાં ન આવે અને અનુભવને કારણ એ થોડો ગુસ્સો પણ કરી લે તો એની સાથે વિવાદમાં ન ઊતરવું.
મારી મૂળ ચર્ચા હતી કે કમ સે કમ કામ કરી લીધા પછી તો અહંકાર છોડી દો અને પછી ભજન કરો. મા જાનકીનો આશ્રય કરો. અહંકાર હજી છોડ્યો છે, તૂટ્યો નથી, પરંતુ ભક્તિ કરવાથી થોડો હલકો થઈ જશે. રહેશે જરૂર, પરંતુ અહંકાર આપણને ઘોડો નહીં બનાવે, આપણે એને ઘોડો બનાવીશું. જાનકીએ અહંકારને ઘોડો બનાવ્યો અને ‘રામચરિત-માનસ’માં રામે કામદેવને ઘોડો બનાવ્યો. ‘હનુમાનચાલીસા’નું અનુસંધાન જાળવી રાખો. નાના-મોટા લાભો માટે ‘હનુમાનચાલીસા’ છોડી ન દેશો. જરૂર કરો. પછી બધાં પ્રલોભન ધીરેધીરે જતાં રહેશે. સાધક ઉપર ઊઠશે. હિમાલય ચડવો હોય તો થોડો સામાન ઓછો કરવો જોઈએ.
તો મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ ચારેય શૂન્ય થઈ જાય. એ છે ‘હનુમાનચાલીસા’ આત્મસાત્ કરવાનું એક પ્રમાણ. બીજું, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારેય શૂન્ય થઈ જાય. મારી સમજ એવી દૃઢ બનતી જાય છે કે જે ‘હનુમાનચાલીસા’ને આત્મસાત્ કરે છે એ સતયુગી નથી રહેતા, એ ત્રેતાયુગથી નથી રહેતા, એ દ્વાપરયુગી નથી રહેતા, એ કળિયુગી નથી રહેતા; કેવળ કથાયુગી રહે છે, કેવળ પ્રેમયુગી રહે છે. કોને યુગનું ભાન રહે? છોડો! યુગની વાતો પણ બંધન છે. ‘યુગ’ એટલે બે; યુગ્મ. અને જ્યાં બે હોય છે ત્યાં દ્વૈત હોય છે; ત્યાં બંધન હોય છે. ‘હનુમાનચાલીસા’નું અનુસંધાન યુગબંધનથી મુક્ત કરે છે. માણસ ચતુર્ફળ અને ચતુર્પુરુષાર્થથી બહાર નીકળે. માણસ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારથી બહાર નીકળી જાય. આ છે ‘હનુમાનચાલીસા’ આત્મસાત્ થયાનું પ્રમાણ.તો, માનવજીવન સાથે જોડાયેલી જેટલી જેટલી ચતુર્દર્શીય છે, એનાથી ‘હનુમાનચાલીસા’ આત્મસાત્ કરતાં કરતાં બહાર નીકળીએ.

(સંકલન : નીતિન વડગામા)
[email protected]

X
article by moraribapu

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી