માનસ દર્શન / જે બીજાને સહારો આપે એ હાથ સુંદર છે

article by moraribapu

મોરારિબાપુ

Apr 01, 2019, 04:45 PM IST

તુલસીના ‘રામચરિતમાનસ’ના ‘સુન્દરકાંડ’માં નવ વસ્તુ સુંદર છે. કુલ નવ સુંદરતાને સમાવતો એવો આ ‘સુન્દરકાંડ’ છે અને નવનો આંક પૂર્ણાક છે. ‘સુન્દરકાંડ’માં મારા ગોસ્વામીજી સુંદરતાની પૂર્ણતાનો નિર્દેશ કરે છે. ક્રમશ: એ જોઈએ.
સિંધુ તીર એક ભૂધર સુંદર.
કૌતુક કૂદિ ચઢેઉ તા ઉપર.
‘સુન્દરકાંડ’માં એક સુંદર છે ભૂધર. બીજું સુંદર છે, લંકાના ‘સુંદરાયતના ઘના’; લંકાનાં જે ઘર છે એ સુંદર છે. ત્રીજી સુંદર છે પરમાત્માની ભુજા. ચોથી સુંદર વસ્તુ છે રામનામ અંકિત મનોહર મુદ્રિકા. પાંચમી સુંદરતા અશોકવાટિકાના વૃક્ષનાં સુંદર ફળ. હનુમાનજી કહે છે, આ સુંદર ફળ અને વૃક્ષોને જોઈને મને ભૂખ લાગી. છઠ્ઠી સુંદરતા છે ભગવાનની કથા. સાતમી સુંદરતા છે, શુકન સુંદર છે. આઠમી સુંદરતા છે, નીતિ સુંદર છે. તો આઠ સુંદરતા છે. હું નવ કહી રહ્યો છું, કેમ કે આ અષ્ટ સુંદરતામાં કેન્દ્રમાં છે, ‘સુંદરતા કહુ સુંદર કરઈ.’ અહીં અશોકવાટિકાની જાનકી બેઠી છે અને સુંદરતાને પણ સુંદર કરનારી જાનકી છે. તો કેન્દ્રમાં સુંદરતા છે એ મા જાનકી છે.

  • ‘સુન્દરકાંડ’માં નવ વસ્તુ સુંદર છે. કુલ નવ સુંદરતાને સમાવતો એવો આ ‘સુન્દરકાંડ’ છે અને નવનો આંક પૂર્ણાક છે. આ નવ સુંદર બાબત કઈ કઈ છે?

પહેલી સુંદરતા છે એક ભૂધર સુંદર. એક તો પર્વતમાં ઊંચાઈ હોય છે. પર્વત જેટલો ઊંચો, એટલો અનટચ હોય છે, અસંગ હોય છે. જેમ કે કૈલાસ. એવરેસ્ટને સ્પર્શ થયો છે, પરંતુ કૈલાસ અનટચ છે. પર્વતનું ત્રીજું લક્ષણ એ અચલ હોય છે. આપણી ઉન્નતિ, આપણી ઊંચાઈ, આપણી પ્રગતિ ત્રણ લક્ષણોમાં સંપન્ન થવી જોઈએ. સમાજમાં કોઈ ઉપર ઊઠે એવું કોણ નથી ઇચ્છતું? પરંતુ એ ઊંચાઈ ત્યારે જ સુંદર બને છે જ્યારે એ અનટચ હોય. ક્યાંય એને કોઈ કલંક ન લાગી જાય અને ત્રીજું, એ ઊંચાઈ અચલ હોય. પડી જાય, સ્ખલન થઈ જાય. ભંગ થઈ જાય એવી ઊંચાઈ ન હોય. તો એક તો ઊંચાઈને તુલસીએ સુંદર કહી. બીજું, લંકામાં જઈને હનુમાનજીએ સોનાનો કિલ્લો જોયો અને હનુમાનજીએ જોયું કે સુંદર મકાન છે. કયા ઘરને તમે સુંદરની સંજ્ઞા આપશો? ત્રણ વસ્તુ જ્યાં હોય એ ઘરને સુંદર કહેવું. જે ઘર સુઘડ હોય એ સુંદર. ભલે નાનું હોય, પણ સુઘડ હોય. લંકામાં તો સોનાનાં મકાન છે. આ રૂપક હશે. એ આધિભૌતિક દૃષ્ટિની પાછળ ક્યાંક આધ્યાત્મિક વિચાર હશે, પરંતુ સુઘડ હોય એ સુંદર છે. એ ઘર સુંદર છે, જેને બહારથી પણ બંધ કરી શકાતું હોય અને અંદરથી પણ બંધ કરી શકાતું હોય. માત્ર બહારથી બંધ કરી શકાય અને ખોલી શકાય, પરંતુ અંદરથી બંધ કરવાની અને ખોલવાની વ્યવસ્થા ન હોય એ ઘર નથી, જેલ છે, કારાગૃહ છે. કેટલાક લોકો જેલને ઘર માને છે એ વાત જુદી છે! એ ઘર સુંદર છે જે ઘરમાં અંદર અંદર ક્લેશ ન હોય.
ત્રીજી સુંદરતા ‘સુન્દરકાંડ’ની છે પરમાત્માનો હાથ, ભુજા સુંદર, હાથ કોના સુંદર હોય? ગોરા હાથ હોય, સાંવરા હાથ હોય, સપ્રમાણ હાથ હોય. આ આખું શરીર પરમાત્માએ બનાવ્યું. કેવું માપ લઈને બનાવ્યું! એમાં થોડુંક આમતેમ થઈ જાય તો શુંનું શું થઈ જાય! રામના હાથ માટે તો સવાલ જ નથી, પરંતુ હાથ એમના સુંદર છે જે બીજાને આપે છે. રામ કેટલાને આપે છે! બીજું, હાથ એમના સુંદર છે જે બીજાને સહારો આપે. પડેલાને આધાર આપે, સહારો આપે એના હાથ સુંદર છે. ધક્કો મારે એ હાથ કેવી રીતે સુંદર હોઈ શકે? પરમાત્માએ આપ્યું હોય તો હાથેથી બીજાને આપો. તમે અંદર કેટલું લો છો એ મહત્ત્વનું નથી, બહાર કેટલું કાઢો છો? તમે કેટલું કમાયા, તમે કેટલું એકઠું કર્યું, એની સાથે કોઈ સાધુસંતને શું લેવાદેવા? તમે એમાંથી હાથેથી આપ્યું કેટલું એનો મહિમા છે. કમ સે કમ દસ ટકા ભાગ તો આપો! ધર્મજગત પાસે ઘણા પૈસા છે! હવે ત્યાં થોડું ઓછું આપવું! કોઈ ગરીબ પાસે રહેવાનું છાપરું ન હોય તો એને આવાસ આપો. કોઈ તેજસ્વી વિદ્યાર્થી ફીના અભાવને કારણે શાળા-કોલેજ છોડી દેતા હોય તો એની ફી ભરી દો. કોઈના નસીબમાં ભોજન ન હોય તો એમને ઇજ્જત સાથે રોટી આપો. જે ખોટાં કર્મોમાં હાથ ન નાખે એમના હાથ સુંદર છે. જે હાથ કુકર્મ ન કરે, ખોટાં કર્મોમાં ન જાય એના હાથ સુંદર છે.
ચોથી સુંદરતા ભગવાને જે મુદ્રિકા આપી, જેમાં રામનામ અંકિત છે એ અત્યંત સુંદર છે. અશોકવાટિકામાં જ્યારે હનુમાનજીને ભૂખ લાગી ત્યારે સીતાજીને કહે છે, મા, મને અતિશય ભૂખ લાગી છે. આ ફળ-ફૂલ અને આ મોટાં ઝાડ સુંદર છે. એને જોઈને મને ભૂખ લાગી છે. તો આ પાંચમી સુંદરતાનો આલેખ ‘સુન્દરકાંડ’માં છે એ ફળ અને ઝાડની સુંદરતા. છઠ્ઠી સુંદરતા ભગવાનની કથાની. ભગવાન શંકર મગ્ન થઈ ગયા, જ્યારે હનુમાનજીના મસ્તક પર રામજીએ હાથ મૂક્યો અને કથા કહેતાં કહેતાં કૈલાસ પર શંકર ધ્યાનસ્થ થઈ ગયા. રામકથા અતિ સુંદર છે.
‘સુન્દરકાંડ’માં સાતમી સુંદરતા છે શુકનની. ગોસ્વામીજી કહે છે, રામે જ્યારે પ્રસ્થાન કર્યું ત્યારે સુંદર શુકન થવા લાગ્યાં અને અંતે જે છે,
સઠ સન બિનય કુટિલ સન પ્રીતી.
સહજ કૃપન સન સુંદર નીતી.
આખાયે નીતિશાસ્ત્રની ચર્ચામાંથી આ પંક્તિ ઉઠાવવામાં આવી છે કે શઠની આગળ વિનયનું કોઈ ફળ નહીં મળે. ‘શઠમ્ પ્રતિ શાઠ્યમ્.’ સૂત્રનો પ્રયોગ કરવામાં આવે છે. શઠ એટલે કે જેનામાં લુચ્ચાઈ ભરી હોય એની સામે આપણો વિનય કામ નહીં આવે. કુટિલ સાથે પ્રીત કરશો તો પરિણામ નહીં આવે અને સહજ-સ્વાભાવિક પ્રકૃતિ જ લોભી હોય એની સામે તમે ગમે તેટલી નીતિની સુંદર ચર્ચા કરો, એ વિફળ થઈ જાય છે. એવું સામાન્ય ભાષ્ય છે, પરંતુ હું મારી જવાબદારીએ એને બદલી દઉં છું અને એમાં તુલસી રાજી થશે, નારાજ નહીં થાય. ‘સઠ સન બિનય.’ લખ્યું છે, શઠ સાથે વિનય કરવો યોગ્ય નથી. મને લાગે છે. એકવીસમી સદીમાં સાધુએ શઠ સાથે પણ વિનય રાખવો જોઈએ. સજ્જનો સાથે તો બધા વિનય કરે છે. જે અવળાં હોય એની સાથે પણ વિનય કરો. એને પણ આદર આપો. એને પણ ધન્ય કરો જેથી એ ટર્ન થઈ જાય, બીજા રસ્તે વળી જાય અને ‘કુટિલ સન પ્રીતી.’ સરળ લોકો સાથે પ્રેમ કરવો સારો છે, પરંતુ કુટિલ સાથે પણ પ્રેમ કરો.
(સંકલન : નીતિન વડગામા)
[email protected]

X
article by moraribapu

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી