માનસ દર્શન / મૌન વિચાર કરવા નહીં, નિર્વિચાર થવા માટે છે

article by moraribapu

મોરારિબાપુ

Mar 24, 2019, 04:35 PM IST

મારા એક શ્રોતાએ પૂછ્યું છે; ‘બાપુ, આપ જે વિચાર પ્રસ્તુત કરો છો એ વિચાર, એ પ્રિય વિચાર તમને ક્યાંથી આવે છે? એના કેન્દ્રબિંદુ ક્યાં છે?’ આજે મારી વાત કહું. મને ત્રણ જગ્યાએથી વિચાર આવે છે, જે હું તમારી સાથે પ્રસાદરૂપે વહેંચતો રહું છું. એક મારી જગ્યા છે મારો ઝૂલો, હીંચકો. રાતના સન્નાટામાં જ્યારે હું એકલો ઝૂલા પર બેસું છું ત્યારે એ વિચારો આવવા લાગે છે, જે સવારે કથામાં પ્રસાદના રૂપમાં વહેંચું છું. કેન્દ્રમાં તો મારા ગુરુની કૃપા છે, પરંતુ આ મારું ઉદ્્ગમસ્થાન છે, જ્યાંથી પ્રિય વિચારોનો એક ફોર્સ શરૂ થઈ જાય છે. ઉપરથી વર્ષા થાય એ નૈસર્ગિક છે, પરંતુ વર્ષા અંદરથી ઉપર આવે એની કિંમત હોય છે. ઉપરથી વરસે એ તો નૈસર્ગિક છે. પ્રવાહનો વૈજ્ઞાનિક નિયમ છે નીચે આવવું, પરંતુ એક પ્રવાહ ગુરુકૃપાથી એવો હોય છે કે જે ભીતરથી ઉપર તરફ ઊઠે.

  • મૌનમાં તો વધારે વિચાર ઊમટે છે, પરંતુ મૌનમાં વિચાર ન આવે એ સ્થિતિ બહુ પ્યારી છે

બીજું પ્રિય વિચારનું કેન્દ્રબિંદુ છે મારો યજ્ઞકુંડ. હું અગ્નિ પાસે બેસું છું. રાતના સન્નાટામાં ચૂપચાપ બેઠો રહું છું ત્યારે એ પ્રિય વિચાર શરૂ થઈ જાય છે અને ત્રીજું મારા વિચારનું કેન્દ્રબિંદુ છે, ‘રામચરિતમાનસ’નો પાઠ જ્યારે કરું છું ત્યારે એ વિચારો શરૂ થઈ જાય છે. તો હું ગુરુકૃપાને આધારે, એ વિચારોને આધારે તમારી સાથે વાતો કરું છું અને એ વિચારો મારા નથી. અહીં બધું વ્યાસનું એંઠું છે. તમને નવું લાગી રહ્યું છે, કેમ કે એ નિતનૂતન છે. અહીં જે કોઈ બોલી રહ્યું છે એ વ્યાસનું અને વાલ્મીકિનું એંઠું બોલી રહ્યું છે, પરંતુ લાગે છે નિતનૂતન. ગંગામાં પોતાનો પ્રવાહ છે? નહીં તો. એ તો વિષ્ણુપાદથી નીકળી છે, પરંતુ ગંગા નિતનૂતન છે એટલે નવી લાગે છે. આ સૂરજનાં કિરણો જે આપણા સુધી પહોંચે છે એ કિરણો સ્વતંત્ર છે? નહીં; એનું કેન્દ્રસ્થાન સૂરજ, પરંતુ નિતનૂતન છે એટલે સૂરજનાં કિરણો સુંદર લાગે છે. આ આધ્યાત્મિક સાધના છે. પીએચ.ડી. તમે જલદી થઈ શકો છો, બી.એ. તમે જલદી થઈ શકો છો, ગ્રેજ્યુએટ જલદી થઈ શકો છો. આધ્યાત્મિક યાત્રા બહુ કઠિન અને લાંબી છે. કૃપા થઈ જાય તો ‘ક્ષિપ્રં ભગતિ ધર્માત્મા.’ ઇન્સ્ટન્ટ. કૃપા થાય તો; બાકી મુશ્કેલ છે. પરવીન શાકીરનો શેર છે,
મોતી હાર પિરોયે હુએ, દિન ગુજરે હૈં રોયે હુએ,
નીંદ મુસાફિર કો ભી નહીં,રાસ્તે ભી હૈ સોયે હુએ.

બહુ લાંબી યાત્રા છે. ‘ભગવદગીતા’એ બહુ સારું કહ્યું, બહુ સુંદર સમાધાન આપ્યું. ‘બહુનામ્ જન્માનામ્.’ મારું માનસ પણ કહે છે, ‘જનમ જનમ મુનિ જતન કરાયે.’ પરંતુ કૃપા કંઈક વિશેષ કામ કરી શકે છે. ક્ષણમાં કરી દે છે. ‘કરઉ સત્ય તોહી સાધુ સમાના.’ તો ‘રામચરિતમાનસ’નો પાઠ કરતી વખતે પ્રિય વિચાર ઊઠવા લાગે છે, કેમ કે આ ‘માનસ’ રોજ નિતનૂતન છે અને માણસ રોજ નવો હોવો જોઈએ. કથાનો પોતાનો સ્વભાવ છે નિતનૂતન રહેવું.

તો વિચારનાં ત્રણ સ્થાન છે. એક તો ઝૂલા પર. ઘણા લોકો સમજે છે કે બાપુ મૌન રાખે છે એટલે આવા પ્રિય વિચાર આવે છે. ના, એ તમારો નિર્ણય ખોટો છે. મૌનમાં હું વિચાર કરતો જ નથી. મૌનમાં વિચાર કરવો મૌનભંગ છે. મૌનમાં વિચાર ક્યાંના? મૌન તો એક સન્નાટો છે. અલબત્ત, આપણે વિચાર ન આવે એવી સ્થિતિમાં નથી પહોંચી શકતા. મૌનમાં તો વધારે વિચાર ઊમટે છે, પરંતુ મૌનમાં વિચાર ન આવે એ સ્થિતિ બહુ પ્યારી છે. મૌન વિચાર કરવા માટે થોડું છે? મૌન વિચાર કરવા માટે નહીં, નિર્વિચાર થવા માટે છે. હું મૌનનો આગ્રહી છું. મારી પાસે કોઈ આવે અને પૂછે કે મારે શું કરવું, તો હું એમને એમ કહું છું કે બની શકે અને અનુકૂળ હોય તો અઠવાડિયામાં એક વાર મૌન રહો. કમ સે કમ મહિનામાં એક વાર મૌન રહો. મૌનનો ઘણો મહિમા છે. ભગવાન રામ પુષ્પવાટિકામાં કવિ બની ગયા. રસિક બની ગયા! કવિતાના ટોનમાં એ જાનકીનાં સૌંદર્ય વિશે વિચારવા લાગ્યા, પરંતુ રામ શ્રોતા શોધી રહ્યા હતા કે કોને સંભળાવું? તો પછી લક્ષ્મણજીને શ્રોતા બનાવી દીધા. એવી રીતે ગુરુકૃપાથી વિચારનો વરસાદ થવા લાગે છે તો હું પણ વિચારવા લાગું છું કે ક્યારે સાડા નવ થાય અને ક્યારે હું મારી જાત વરસાવી દઉં! ક્યારે હું મારી જાતને ખાલી કરું! ફેહમી બદાયૂંનો એક સીધોસાદો શેર છે,
પહલે ખુદ કો ખાલી કર,
ફિર ઉસકી રખવાલી કર.

તારી રિક્તતાને સંભાળ; તારી શૂન્યતાને તું સંભાળ. યુવાન ભાઈ-બહેનો, હું તમારા માટે કહું છું કે તમે ઉન્નત બનો, તમે બહુ આગળ વધો, તમે ઊંચાઈ સર કરો, તમે પ્રત્યેક ઊંચાઈને સ્પર્શો, પરંતુ એ ઊંચાઈ સુંદર હોવી જોઈએ, અસુંદર નહીં. એ ઊંચાઈ અચલ હોવી જોઈએ. એ ઊંચાઈ અનટચ હોવી જોઈએ; અનુપમ હોવી જોઈએ; અદ્વિતીય હોવી જોઈએ. આ છે ‘સુંદરકાંડ’ની પહેલી સુંદરતા અને એના માટે મેં રામકથાને માધ્યમ બનાવી છે. આપણે જોઈએ તો એ માધ્યમને કારણે આપણે ધીરે ધીરે થોડા થોડા ડેવલપ થતા જઈએ છીએ. અવશ્ય ડેવલપ થઈએ છીએ. હું ગાતો રહીશ અને ઈશ્વર મને મોકો આપશે તો જનમોજનમ ગાઈશ. અહીં મોક્ષ કોને જોઈએ છે? વારંવાર આવવું છે. આટલી સુંદર પૃથ્વી છે યાર! મારું મિશન કથા છે. અમે ગાતા રહીએ, તમે સાંભળતા રહો.

હું સાધુકુળમાં જન્મ્યો છું એનું મને ગૌરવ છે, પરંતુ હું સાધુ છું કે અસાધુ છું એની ગેરંટી શું? એની એક જ ગેરંટી છે તમારો વિશ્વાસ. આપણા દેશના બધા સંતોએ એ જ તો કહ્યું છે. ‘મો સમ કૌન કુટિલ ખલ કામી.’ ‘હમારે પ્રભુ અવગુન ચિત્ત ન ધરો.’ અને તમે બધા સારા છો કે ખરાબ છો એની ગેરંટી શું? શું ગેરંટી? મારો વિશ્વાસ છે તમારા પર. તર્ક ગેરંટી ઇચ્છે છે, વિશ્વાસ કોઈ ગેરંટી નથી ઇચ્છતો. લોકો ગેરંટી ઇચ્છે છે. રામ છે કે નહીં, એની ગેરંટી? વિશ્વાસ હોવો જોઈએ. રામકથા જગતમાં થઈ કે નહીં, એની કોઈ ગેરંટી? ભરોસો હોવો જોઈએ. તમારી સારપ કે બુરાઈનો હું શું તર્ક કરું? મને શું અધિકાર? બસ, હું તો તમારા પ્રત્યે મમતા રાખું છું. એટલા માટે આવું છું, ગાઉં છું, નાચું છું, કૂદું છું. તમે તમારી જાતને પૂછો, તમે કેટલા ડેવલપ થયા છો? તમારી આંખમાંથી ઈર્ષ્યા કેટલી ગઈ? તમે મનમાંથી દ્વેષ કેટલો દૂર કર્યો? વ્યાસપીઠને બહુ સમદર્શી રહેવું પડે છે. વ્યાસપીઠ એટલી આસાન વસ્તુ નથી! બહુ સમદર્શી રહેવું પડે છે.

(સંકલન : નીતિન વડગામા)
[email protected]

X
article by moraribapu

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી