માનસ દર્શન / રામકથા સદ્્ગુરુ બનીને દૃષ્ટિકોણ પ્રદાન કરે છે

article by moraribapu

મોરારિબાપુ

Mar 17, 2019, 06:33 PM IST

રામકથા એ કેવળ કોઈ ધાર્મિક વ્યાખ્યાન નથી. રામકથાની મહેફિલ, આ સંગત, આ સમાગમ એ ધર્મશાળા નથી; મારી દૃષ્ટિએ એ પ્રયોગશાળા છે. ‘સુન્દરકાંડ’માં પાંચ દર્શન છે. એક શ્રી હનુમાનજીનું લંકદર્શન. એમણે લંકાને કઈ દૃષ્ટિએ જોઈ. જેમની પાસે આંખ છે એ જોઈ શકે છે, પરંતુ જેમની પાસે આંખ હોવા છતાં પણ, દૃષ્ટિ હોવા છતાં પણ દૃષ્ટિકોણ નથી એ ઘણી બધી બાબતો ચૂકી જાય છે. રામકથા સદ્્ગુરુ બનીને આપણને દૃષ્ટિકોણ પ્રદાન કરે છે. તો પહેલું દર્શન મારા હનુમાનજીની આંખે લંકદર્શન છે. બીજું દર્શન મારા હનુમાનજીની આંખે અશોકવાટિકામાં મા સીતાદર્શન. ત્રીજું દર્શન છે શ્રી હનુમાનજીનું દશાનનદર્શન. જો દૃષ્ટિકોણ હોય તો રાવણ પણ દર્શનનો વિષય બની શકે છે. રાવણ પણ આપણી દૃષ્ટિને રોકે છે, મજબૂર કરે છે, બાધ્ય કરે છે કે મારા વિશે વિચારો. ચોથું દર્શન છે વિભીષણનું રામદર્શન. જ્યારે વિભીષણ રામના શરણમાં આવ્યો અને એણે રામનું જે દર્શન કર્યું એ મારી સમજ મુજબ ચોથું દર્શન છે. પાંચમું દર્શન છે સમુદ્રની જડ દૃષ્ટિએ ભગવાન રામનું દર્શન.

  • વિષ્ણુની વંદના એટલે જીવનના વિચારોને વિશાળ બનાવવા, સંકીર્ણ નહીં. વિશાળ દૃષ્ટિકોણ રાખવો

‘રામચરિતમાનસ’ એવો સદ્્ગ્રંથ છે, જેમાં સાત સોપાનની વ્યવસ્થા તુલસીએ કરી છે. ‘બાલ’, ‘અયોધ્યા’, ‘અરણ્ય’, ‘કિષ્કિંધા’, ‘લંકા’ અને ‘ઉત્તર.’ ‘બાલકાંડ’ના આરંભમાં ગોસ્વામીજી સાત મંત્ર લખે છે. સંસ્કૃત શ્લોકોમાં મંગલાચરણ કરે છે, એ પણ સાત છે-
વર્ણાનામર્થસંઘાનાં રસાનાં છન્દસામપિ.
મંગલાનાં ચ કર્ત્તારૌ વન્દે વાણીવિનાયકૌ.

સાત મંત્રોમાં પહેલાં વાણીવિનાયકની વંદના. પછી શિવ-પાર્વતીની વંદના. પછી પરમ ગુરુના રૂપમાં ભગવાન શિવની વંદના. આદિકવિ વાલ્મીકિ અને હનુમાનજી મહારાજને વિશુદ્ધ વિજ્ઞાન વિશારદ કહીને એમની વંદના કરી. સીતા-રામની સંયુક્ત વંદના કરવામાં આવી અને પછી આ ગ્રંથનો હેતુ દર્શાવતાં કહ્યું કે ‘સ્વાન્ત: સુખાય તુલસી રઘુનાથગાથા.’ મારા અંત:કરણના સુખ માટે હું ભગવાન રઘુનાથની કથા ભાષામાં ઉતારી રહ્યો છું, પરંતુ તુલસીનો એક દૃષ્ટિકોણ હતો શ્લોકને લોક સુધી પહોંચાડવાનો. સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન હોવા છતાં એમણે લોકબોલીમાં શાસ્ત્ર ઉતારવાનો શિવસંકલ્પ કર્યો. બિલકુલ દેહાતી ભાષામાં ગ્રામ્યગિરામાં તુલસીએ આખું શાસ્ત્ર ઉતાર્યું અને પાંચ સોરઠામાં ગોસ્વામીજીએ જગદ્્ગુરુ શંકરાચાર્યની સનાતન ધર્મ માટેની જે પંચદેવોની ધારણા છે એની સ્થાપના કરી. તો ગણેશવંદના, સૂર્યવંદના, વિષ્ણુવંદના, શિવની વંદના અને મા દુર્ગાની વંદના-પંચદેવોની વાત જગદ્્ગુરુ શંકરાચાર્યએ પણ કરી છે. એને આપણે દેવરૂપમાં જોઈએ છીએ. જોવું પણ જોઈએ, કેમ કે તાત્ત્વિક રૂપે પણ જોઈએ તો ગણેશવંદના એટલે વિનય-વિવેકને આવકાર આપવો. સૂર્યવંદના એટલે પ્રકાશમાં જીવવાનો સંકલ્પ. વિષ્ણુની વંદના એટલે જીવનના વિચારોને વિશાળ બનાવવા, સંકીર્ણ નહીં. મેં વિષ્ણુમંદિરના પ્રાંગણમાં હનુમાનજીની એક બહુ ઊંચી પ્રતિમા સ્થાપિત કરેલી જોઈ તો મેં કહ્યું કે મને આ સારું લાગી રહ્યું છે કે મારા હનુમાન મંદિરમાંથી મેદાનમાં આવી ચૂક્યા છે! મંદિર થવાં જોઈએ, પરંતુ સંપ્રદાયવાદને લીધે મંદિરમાં દેવતા સંકીર્ણ થતા ગયા છે! દીવાલોમાં કેદ થઈ ગયા છે! હનુમાનજી બહાર આવે, મેદાનમાં આવે. વિશાળ દૃષ્ટિકોણ હોવો જોઈએ અને ધીરે ધીરે એ થઈ રહ્યું છે.

એક તાજી ઘટના હું તમને સંભળાવું. મારી મહેફિલમાં તો બધા આવે છે.
કાબે સે બુતકદે સે કભી બજ્મે જામ સે,
આવાજ દે રહા હૂં તુમ્હેં હર મકામ સે.

એક બહેન આવી, મુસ્લિમ મહિલા. ખજૂર લઈ આવી. બોલી, બાપુ, સત્યાવીસમું રોજું હશે ત્યારે તો આપ કેનેડામાં હશો. એ દિવસે મારો એક ખજૂર ખાઈ લેશો તો મારો રમજાન સફળ થઈ જશે. એક દુઆ કરજો, મારું નોનવેજ છૂટી જાય! બોલો!
તો દૃષ્ટિકોણ વિશાળ રાખો. મંદિર જરૂરી છે, પરંતુ સંકીર્ણતા દૂર થવી જોઈએ. શંકરનો અભિષેક એટલે સૌને માટે શુભ વિચારવું. સૌનું શુભ થાય એવું વિચારવું અને મા દુર્ગાની સ્તુતિ એટલે આપણી ગુણાતીત શ્રદ્ધા જળવાઈ રહે.
તો પાંચ દેવોની વંદના કરવામાં આવી. ત્યાર બાદ ગોસ્વામીજી ગુરુવંદના કરે છે. ‘રામચરિતમાનસ’નું પહેલું પ્રકરણ છે ગુરુવંદના, જેને મારી વ્યાસપીઠ ‘માનસ-ગુરુગીતા’ કહે છે. કેટલીક વિચારધારાઓ એવી પણ છે જે ગુરુપદને સ્વીકારતી નથી. તમે સીધા પરમ તત્ત્વને પ્રાપ્ત કરી શકો છો, સ્વાગત! પરંતુ આપણા જેવા માટે તો કોઈ ને કોઈ ગુરુની જરૂર રહે છે. કોઈ માર્ગદર્શક જોઈએ. જ્યારે આપણી આંખ જોઈ ન શકે ત્યારે કોઈ આંખવાળાના માર્ગદર્શનમાં જીવવું પડશે. બધું આપણે નહીં સમજી શકીએ. કોઈ જોઈએ, જેણે જોયું છે, જેણે જાણ્યું છે, જે પામ્યા પણ છે. એવા બુદ્ધત્વની અહીં વંદના છે, એવા ગુરુપદની વંદના છે. કોઈ નરમાં ગુરુનું દર્શન કરવું એને આપણે ત્યાં વ્યક્તિપૂજા માનવામાં આવી છે. કોઈ વ્યક્તિમાં ગુરુનું દર્શન કરવું એ સારું નથી મનાયું, પરંતુ ગુરુને વ્યક્તિ માનવી એ પણ અપરાધ છે. ગુરુ વ્યક્તિ નથી. ગુરુનું શરીર તો આપણા જેવું જ હોય છે. એ આપણા જેવાના શરીરમાં નથી હોતા. પૃથ્વી, જળ, વાયુ, તેજ, આકાશ એ પાંચેયથી આપણું બોડી બન્યું છે.

ગુરુની મૂર્તિ કેવી રીતે બને? પાંચ સૂત્રો યાદ રાખજો. હું પ્રવાહી પરંપરામાં માનનારો માણસ છું. પહેલું સૂત્ર, ગુરુ છે ભજનમૂર્તિ. ભજનમૂર્તિનું નામ છે ગુરુ. ‘જેને સદાય ભજનનો આહાર.’ બીજાને માટે શુભ ચિંતન કરો એ પણ ભજન છે. સારું વિચારો એ ભજન છે. બીજા ગુરુ હોય છે સત્યમૂર્તિ. ત્રીજા ગુરુ હોય છે પ્રેમમૂર્તિ. ગુરુ હોય છે કરુણામૂર્તિ. ગુરુ હોય છે અનુભવમૂર્તિ. ભજનમૂર્તિ છે આકાશતત્ત્વ, નભતત્ત્વ. સત્યમૂર્તિ છે તેજતત્ત્વ. પ્રેમમૂર્તિ છે જળતત્ત્વ. કરુણામૂર્તિ છે પૃથ્વીતત્ત્વ. પૃથ્વી કરુણામય છે. અનુભવમૂર્તિ છે વાયુ. આંતર-બાહ્ય જે વધારેમાં વધારે અનુભવ કરે છે એ પવન છે. બહાર પણ ગરમ હવા, ઠંડી હવા અને ભીતર પણ; એવા પવનને અનુભવમૂર્તિ કહે છે અને એ પંચમૂર્તિથી બનેલા કોઈ બુદ્ધપુરુષ ગુરુ કહેવાય છે. એવા ગુરુની વંદના ગોસ્વામીજીએ કરી. કહ્યું કે ગુરુની ચરણરજને મારું નેત્રાંજન બનાવીને હું ‘રામચરિતમાનસ’ ગાવા જઈ રહ્યો છું, પરંતુ જેવી ગુરુ ચરણરજથી આંખો દિવ્ય થઈ કે તરત જ તુલસીને માટે આખું જગત વંદનીય થઈ ગયું, રામરૂપ થઈ ગયું. બધાની વંદના કરવા લાગ્યા તુલસી. સૌથી પહેલાં પૃથ્વીના દેવતા બ્રાહ્મણોની વંદના કરી. ત્યાર બાદ સજ્જન સમાજની વંદના કરી. ત્યાર બાદ સાધુની વંદના કરી. ત્યાર બાદ સાધુચરિત લોકોની વંદના કરી. પછી અસાધુઓ, દુર્જનોની વંદના કરી. બધામાં હરિ દેખાવા લાગ્યા. આખરે તુલસીએ કહી દીધું,

સીય રામમય સબ જગ જાની.
કરઉં પ્રનામ જોરિ જુગ પાની.
તુલસીને આખું બ્રહ્માંડ, આખું જગત રામમય દેખાવા લાગ્યું. બધું બ્રહ્મ છે. બધું બ્રહ્મમય થઈ ગયું. જેવી રીતે નરસિંહ મહેતા કહે છે, ‘બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.’ ગુરુ ચરણરજથી એ થાય છે. તુલસી કહે છે, મને બધામાં પ્રભુ દેખાવા લાગ્યા. પોતાની દિવ્યાનુભૂતિ વ્યક્ત કરીને ગોસ્વામીજી ‘રામચરિતમાનસ’માં જુદી જુદી વંદનાનું પ્રકરણ ઉઠાવે છે.

(સંકલન : નીતિન વડગામા)
[email protected]

X
article by moraribapu

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી