માનસ દર્શન / આંખ કાજળથી નથી શોભતી, આંસુથી શોભે છે

article by moraribapu

મોરારિબાપુ

Mar 10, 2019, 12:05 AM IST

‘રામચરિત માનસ’નાં સાતેય જુદાં જુદાં રૂપમાં હું જોતો રહું છું. ‘બાલકાંડ’ અવતારદર્શનનો કાંડ છે. એમાં અવતારદર્શનનું પૂરું દર્શન છે. જોકે, આપણા ઘણા મનીષીઓ અવતારવાદમાં આસ્થા નથી ધરાવતા, પરંતુ આપણા જેવા લોકો માટે અવતાર જોઈએ. કોઈ પણ ફોર્મમાં આવવું જોઈએ. એ જ પરમ તત્ત્વ, એ જ પરમ સત્ય, એ જ પરમ પ્રેમ, એ જ પરમ કરુણા ક્યારેક રામના રૂપમાં ઊતર્યાં, ક્યારેક કૃષ્ણના રૂપમાં ઊતર્યાં, ક્યારેક બુદ્ધના રૂપમાં, ક્યારેક મહાવીરના રૂપમાં, ક્યારેક જિસસના રૂપમાં ઊતર્યાં એને આપણે અવતાર કહીએ છીએ. ‘રામચરિતમાનસ’ અવતારપક્ષને ગ્રહણ કરે છે કે અવતાર હોય છે. તો ‘બાલકાંડ’ એ પરમાત્માના નિર્ગુણનું સગુણ અવતારદર્શન છે. ‘અયોધ્યાકાંડ’ એ આઘાતદર્શન છે. આઘાત લાગવો, અચાનક મુશ્કેલી આવવી એ ‘અયોધ્યાકાંડ’ છે. આપણે કેટલા આઘાતોમાં જીવી રહ્યા છીએ! પહેલો આઘાત ‘અયોધ્યાકાંડ’માં એ આવ્યો કે મળવાનું હતું રાજ, મળ્યું વનનું રાજ! ખબર નહીં, આપણા જીવનમાં કેટલા કેટલા આઘાત આવે છે! એ જ આઘાતને કારણે રામવિરહ સહન થઈ શક્યો અને દશરથનું મૃત્યું થયું એ બીજો આઘાત. ત્રીજો આઘાત ભરતને લાગ્યો. બહુ મોટી ચોટ ભરતને લાગી કે આ શું થઈ ગયું! અહીં આઘાત છે અને આંસુથી ભરેલો આ કાંડ છે. ગુરુકૃપાથી તમે જો દર્શન કરશો તો ‘રામચરિતમાનસ’માં સાત પ્રકારનાં આંસુ છે. ‘માનસ’ અશ્રુનું શાસ્ત્ર છે. અશ્રુઓનો સમુદ્ર છે ‘માનસ.’ ક્યારેય પરમાત્મા પાસે એટલા સુખની માગણી ન કરો જે તમારાં આંસુના બદલામાં તમને મળે; તમારાં આંસુ છીનવી લેવામાં આવે અને તમને સુખ આપવામાં આવે. એવી કોરી આંખોને શું કરવી જે ક્યારેય ભીની ન થઈ હોય? મને પૂછો તો આંખ કાજળથી નથી શોભતી, આંસુથી શોભે છે. કોઈ ભૂખ્યા બાળકની આંખમાંથી એક આંસુ નીકળે છે તો એ શું પરમાત્માનો અવતાર નથી થઈ રહ્યો? અશ્રુનું શાસ્ત્ર છે ‘માનસ.’

  • આંસુ હર્ષનાં હોય છે; આંસુ શોકનાં પણ હોય છે. આંસુ યોગનાં હોય છે, આંસુ વિયોગનાં પણ હોય છે

સાત પ્રકારનાં અશ્રુની સૃષ્ટિ છે ‘માનસ.’કેટલાંક આંસુ સુખનાં હોય છે. કેટલાંક આંસુ હોય છે દુ:ખનાં, પીડાનાં, દર્દનાં. ‘માનસ’માં તમને એ મળશે. જ્યારે નારદ હિમાલયને દ્વાર આવ્યા; હિમાલયે પોતાની પુત્રીને નારદને પ્રણામ કરાવ્યા અને નારદને કહ્યું કે આપ એનું નામકરણ કરો અને એને વર કેવો મળશે એ બતાવો. જ્યારે નારદજીએ ભવાનીને-ઉમાને કેવો પતિ મળશે એ અંગે જ્યારે ભવિષ્યકથન કર્યું ત્યારે ઉમાને હર્ષનાં આંસુ આવ્યાં અને એનાં મા-બાપને દુ:ખનાં આંસુ આવ્યાં! આંસુ હર્ષનાં હોય છે; આંસુ શોકનાં પણ હોય છે. આંસુ યોગનાં હોય છે, આંસુ વિયોગનાં પણ હોય છે. રામ અને ભરત મળે છે, યોગ થાય છે, આંખો ભીંજાઈ જાય છે અને થોડા દિવસ પછી રામ અને ભરત છૂટા પડે છે. પાછી એ જ દશા, આંખો ભીંજાઈ ગઈ! આંસુ ક્રોધનાં પણ હોય છે. મેં જોયું છે, ક્રોધનાં આંસુ હોય છે. જેને બહુ જ ક્રોધ આવે છે એને આંસુ આવી જાય એ સારું છે. એનાથી ક્રોધની માત્રા ઓછી થઈ જાય છે. એક હોય છે બોધનાં આંસુ. પુસ્તકોમાં લખ્યું છે કે ભગવાન બુદ્ધને જ્યારે બોધ થયો ત્યારે અસ્તિત્વએ ફૂલ વરસાવ્યાં અને ખુદ એમની આંખોમાંથી ફૂલ વરસવા લાગ્યાં! પોતાનું શરીર એક છોડ બની ગયું હતું. બુદ્ધનું શરીર જ છોડ બની ગયું અને એ છોડમાંથી આંસુ નીકળ્યાં. ફૂલ ઝર્યાં. તો ક્રોધનાં આંસુ હોય છે એવી જ રીતે કોઈને બુદ્ધત્વ પ્રાપ્ત થાય છે તો એની આંખોમાંથી પણ અશ્રુ પડવા લાગે છે.
સાતમા આંસુ હોય છે એક નાના એવા બાળકનાં આંસુ. જેનું મન હજી ડેવલપ નથી થયું, જેને હજી આ સારું છે ને આ ખરાબ છે એવો નિર્ણય કરવાનું જ્ઞાન નથી. સ્પર્શનું થોડું જ્ઞાન થવા લાગ્યું છે, પરંતુ બાળક નથી ભૂખ્યું, નથી બીમાર, નથી કોઈ ચોટ લાગી; નથી પડી ગયું કે નથી કોઈએ ઉપેક્ષા કરી; છતાં પણ બાળક ક્યારેક અકારણ-અહેતુ રડે છે. મારી વિશ્વને પ્રાર્થના છે કે કોઈ આંખમાં અકારણ આંસુ આવે એ આંસુઓની તપાસ કરવી જોઈએ. એવા નિર્દોષ ચિત્તમાંથી પડેલાં આંસુ કે જેની પાછળ કાર્યકારણનો સંબંધ નથી, એ આંસુઓને કસનળીમાં નાખીને કોઈ વૈજ્ઞાનિક એનું સંશોધન કરે. મને લાગે છે કે એવાં આંસુ વિશ્વમાં કરુણા ફેલાવી શકે છે; કરુણાનું સામ્રાજ્ય સ્થાપિત કરી શકે છે. આંસુનો ઘણો મહિમા છે. તમે પણ ક્યારેક એવું મહેસૂસ કર્યું હશે કે ક્યારેક કોઈ કારણ ન હોય, કોઈ થાંભલો પકડીને રોઈ લેવાનું મન થાય, કોઈ એક ખૂણો મળી જાય અને માણસ ચૂપચાપ બેસે અને રોઈ લે. માણસ માટે અશ્રુ છે પરમાત્માનું વરદાન. ક્યારેક ક્યારેક કેવળ વિચારે અને ક્યારેક ક્યારેક તથાકથિત જ્ઞાને આ આંસુઓને છીનવી લીધાં છે!
તમે રાંકનાં છો રતન સમાં,
ન મળો હે અશ્રુઓ ધૂળમાં,
જો અરજ કબૂલ હો આટલી,
તો હૃદયથી જાઓ નયન સુધી.
- ગની દહીંવાલા
અને પરમાત્માની ચેતના જ્યારે જગતમાં પહેલી વાર કોઈ માના ઉદરમાંથી આવે છે તો એને પહેલી દીક્ષા આંસુની આપવામાં આવે છે. જો બાળક રડતું નથી તો ડોક્ટર એને રડાવવાનું કહે છે. આપણને સૌને જે પહેલી દીક્ષા મળી છે એ આંસુઓની મળી છે. તો સાત પ્રકારનાં આંસુઓની ચર્ચા છે ‘રામચરિત માનસ’માં.
તો ‘બાલકાંડ’ છે અવતાર-દર્શન. ‘અયોધ્યાકાંડ’ છે ‘આઘાત-દર્શન’, જે જીવનમાં સમયે સમયે આપણે ફેસ કરીએ છીએ. ત્રીજું સોપાન ‘અરણ્યકાંડ’ છે એ આક્રમણ-દર્શન છે. એમાં આક્રમણનું દર્શન થઈ રહ્યું છે. પ્રત્યેક વ્યક્તિ ક્યાંક ને ક્યાંક આક્રમણ કરી રહી છે. સૌથી પહેલું આક્રમણ જયંત કરે છે. આક્રમણ-દર્શનનો આરંભ અહીંથી થયો. મા જાનકીનાં ચરણમાં ચાંચ મારીને એ ભાગે છે. બીજું આક્રમણ ‘અરણ્યકાંડ’માં શૂર્પણખાનું થાય છે. એ જાનકી પર આક્રમણ કરવા ગઈ કે આ સીતા છે એટલે મને રામ પ્રાપ્ત નથી થતા તો હું એને ખતમ કરી દઉં! ત્રીજું આક્રમણ ખર-દૂષણ, ત્રિશરાદિ સેનાનું આક્રમણ છે, જે રામ પર આક્રમણ કરવા માટે તૈયાર થઈ જાય છે. ચોથું આક્રમણ રાવણે પોતાની ભુજાઓને ફેલાવીને જાનકીનું અપહરણ કરવા માગ્યું. પાંચમું આક્રમણ એ રાવણ પર જટાયુએ કરેલું આક્રમણ છે.
ચોથું સોપાન છે ‘કિષ્કિન્ધાકાંડ’ . એમાં દર્શન રાજનીતિનું દર્શન છે. રાજનીતિ સારી છે કે ખરાબ છે એ છોડો! આદર્શ રાજનીતિનું દર્શન ‘કિષ્કિન્ધાકાંડ’માં થાય છે. રાજનીતિનો આદર્શ હોય છે સામ, દામ, દંડ, ભેદ. જરૂર પડે તો સામનો ઉપયોગ કરો. જરૂર પડે તો દામનો ઉપયોગ કરો. જરૂર પડે તો દંડનો ઉપયોગ કરો. જરૂર પડે તો ભેદનો ઉપયોગ કરો. અહીં ભગવાન રામ એક રાજા છે. વનના રાજા બનીને આવ્યા છે; રાજકુમાર છે. સુગ્રીવ સાથે મૈત્રી કરવામાં રામ સામનીતિનો પ્રયોગ કરે છે કે આપણે બંને મળી જઈએ. એક સમજૂતી કરી લઈએ કે હું તારું કામ કરું, તું મારું કામ કરે. એક સમજૂતી, એક સામનીતિ. પછી દામનીતિ પણ આવી-
તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હા.
રામ મિલાય રાજપદ દીન્હા.
એ બધી દામનીતિ આવી. દંડનીતિ પણ આવી, જ્યારે સુગ્રીવ પરમાત્માનું કામ ચૂકી ગયો ત્યારે. ચાતુર્માસમાં ભોગમાં ડૂબી ગયો. રામને જે વચન આપ્યું હતું એ ચૂકી ગયો ત્યારે પરમાત્માએ દંડનીતિનો પ્રયોગ કર્યો. જે બાણથી મેં વાલીને માર્યો, એ બાણથી આ મૂઢને પણ ખતમ કરી દઉં, એ વિચારમાં દંડનીતિ આવી. અને વાલીના નિર્વાણના પ્રસંગમાં ભેદનીતિનો પ્રયોગ થયો છે. રાજકીય ક્ષેત્રમાં આવી નીતિઓ હોય છે.
‘સુંદરકાંડ’માં છે આશ્વાસનનું દર્શન. અહીં એકબીજાને આશ્વાસન આપવામાં આવી રહ્યું છે. હનુમાનજી પોતાના મિત્રોને આશ્વાસન આપે છે કે દુ:ખી ન થતા, ફૂલ-ફળ ખાજો. હું પાછો આવીશ; જીવતા રહેજો; એવું આશ્વાસન આપીને જાય છે. હનુમાનજી વિભીષણને પણ આશ્વાસન આપે છે. વિભીષણ જ્યારે એમ કહેવા લાગ્યો કે હું અસુર કુળમાં જન્મ્યો છું ત્યારે હનુમાનજી કહે છે કે હું ક્યાં કુલીન જાતિનો છું? હું પશું છું, ચંચળ છું. મારા પર જો પરમાત્માની કૃપા થઈ શકે તો તારા પર કેમ નહીં? આ આશ્વાસન છે. ત્યાર બાદ અશોકવાટિકામાં ત્રિજટા પણ જાનકીજીને આશ્વાસન આપે છે અને મારા હનુમાનજી પણ મા જાનકીને આશ્વાસન આપે છે કે ધૈર્ય ધારણ કરો. થોડા દિવસ પછી ભગવાન રામ આવશે. બધું બરાબર કરશે. તો આશ્વાસનનું દર્શન ‘સુંદરકાંડ’માં દેખાય છે. ‘લંકાકાંડ’માં મારી દૃષ્ટિએ આધિભૌતિકતાના વૈભવનું દર્શન છે. ‘ઉત્તરકાંડ’ મારી દૃષ્ટિએ આધ્યાત્મિક દર્શનનો કાંડ છે. (સંકલન : નીતિન વડગામા)
[email protected]

X
article by moraribapu

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી