માનસ દર્શન / મહાશિવરાત્રિ એ કલ્યાણકારી રાત્રિ છે

article by moraribapu

મોરારિબાપુ

Mar 04, 2019, 04:52 PM IST

મહાશિવરાત્રિનો દિવસ એ ત્રિભુવનેશ્વરનો દિવસ છે. આપણે અવશ્ય પ્રકાશપ્રેમી છીએ. અમને અંધારામાંથી અજવાળા તરફ લઈ જાઓ, એવી આપણા સૌની એક સામાન્ય માગણી હોય છે, પરંતુ રાત્રિના મહિમાને પણ ઓછો ન આંકવો. રાત્રિનો ઘણો મહિમા છે. રાત્રિનીય કેટલીક વિશેષતાઓ છે.
રાત્રિની પહેલી વિશેષતા એ છે કે રાત્રિનો સમય, રાત્રિનો કાળ પ્રકૃતિનાં બધાં તત્ત્વોને વિશ્રામ આપે છે. તમે ઘેરી રાતે બે-ત્રણ વાગ્યા વચ્ચે કોઈ નદીના તટ પર બેસી જાઓ તો તમને અનુભવાશે કે નદી પણ પોતાની ગતિને ખૂબ જ ધીમી કરીને વહે છે, કેમ કે રાત્રિના સમયની એ વિશેષ અસર છે કે ત્યારે પ્રકૃતિનાં બધાં તત્ત્વો વિશ્રામ કરે છે, શાંત થાય છે. રાત્રિ એ પ્રકૃતિનું એક જળતત્ત્વ ધીમી ગતિએ ચાલે છે અને પ્રકૃતિનું બીજું વાયુતત્ત્વ પણ મંથર ગતિએ ચાલે છે. એટલા માટે દિવસે ઝાડ-પાન કે છોડ હવાને કારણે ઝૂમે છે એ રાત્રિના સમયે હલનચલન છોડીને કંઈક વિશ્રામ કરે છે. પ્રકૃતિનું અગ્નિતત્ત્વ જે સંતપ્ત કરે છે, ઉદ્દીપ્ત કરે છે એ પણ રાત્રિના સમયે તારાઓ અને ચંદ્રમાં પરિવર્તિત થઈને એ તેજતત્ત્વ-અગ્નિતત્ત્વ શૈત્યની વર્ષા કરે છે. રાત્રે કોઈ ગગન તરફ જુએ, ગગનનો અહેસાસ કરે તો ખ્યાલ આવે. આકાશ પણ રાત્રિના સમયે પોતાની પ્રસન્નતા કંઈક વિશેષ વ્યક્ત કરે છે. વિજ્ઞાન તો કહે છે કે પૃથ્વી ફરતી રહે છે અને એ માનવું જોઈએ, પરંતુ અધ્યાત્મમાં રાત્રિના સમયે ધરતીની ગતિ પણ શાંત થાય છે. આકાશ, અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી બધાં ઇબાદતમાં લાગી જાય છે.
તો રાત્રિની પહેલી વિશેષતા એ કે પ્રકૃતિનાં બધાં તત્ત્વોને એ વિશ્રામ આપે છે અને પ્રકૃતિનાં એ બહુ જ પાવન તત્ત્વો હોવાને કારણે એ બધાં ઇબાદત કરે છે. પછી સવાર પડવા માંડે તેમ બધા પૂર્વ ગતિ પ્રાપ્ત કરે છે.

  • મહાશિવરાત્રિનો મતલબ એવો નથી કે તમે શિવપૂજા જ કરો. કોઈ કલ્યાણકારી કામ એ શિવ અભિષેક જ છે

બીજું, રાત્રિના સમયમાં માનવીનું મન દિવસની સરખામણીમાં થોડું વધારે શાંત થાય છે. દિવસના પ્રમાણમાં રાતે મનની શાંતિની માત્રા વધે છે, કેમ કે મનના શાંત થવાથી જ આપણને ઊંઘ આવે છે. રાત્રિની ત્રીજી વિશેષતા એ છે કે જો રાત્રિના ચોથા પ્રહરમાં કોઈ સપનું આવે તો એ કોઈ વિશેષ ઘટનાનો સંકેત હોય છે. ઘણી માતાઓને, ઘણા પુરુષોને ચોથા પ્રહરમાં કંઈક વિશેષ સપનાં આવે છે. એણે ઘણા મોટા સંકેતો આપ્યા છે. એ રાત્રિના ચોથા પ્રહરમાં થાય છે. રાત્રિની ચોથી વિશેષતા છે ચાંદ અને તારાનું દર્શન. જોકે, કૃષ્ણપક્ષની રાત્રિ હોય તો ચાંદ ન દેખાય, પરંતુ તારાઓ તો દેખાય છે. તારા વધારે ચમકે છે. ‘માનસ’ના આધારે કહું તો રાત્રિ જ આપણને રામનામ, પરમાત્માનું નામ અને અનેક નામોનું સ્મરણ કરાવે છે. હરિનામ અને હરિ સાથે જોડાયેલાં અનેક નામો રાત્રિના સમયે સ્મરણે ચડે છે. રાત્રિનો કાળ સૃષ્ટિના વિસ્તારનો કાળ છે. વિવેક અને ધર્મમર્યાદા અનુસાર રાત્રિ એ સૃષ્ટિવિકાસનો કાર્યકાળ માનવામાં આવ્યો છે. એ પણ એની વિશેષતા છે.
રાત્રિની એક અન્ય વિશેષતા છે કે એમાં અંધારાનું પણ એક પોતાનું વિશિષ્ટ અજવાળું પ્રગટ થાય છે. અજ્ઞાનતાને પણ પોતાનું જ્ઞાન હોય છે અને જે અજ્ઞાનતાને પોતાનું જ્ઞાન થઈ જાય છે એને બુદ્ધ થવામાં વાર નથી લાગતી. આજકાલ તો દેશકાળ બદલાઈ ગયો છે. યુદ્ધના નિયમોની ઐસીતૈસી થઈ ગઈ છે, પરંતુ ‘મહાભારત’ કાળમાં તમે જુઓ તો જ્યારે સૂરજ ડૂબતો હતો ત્યારે યુદ્ધવિરામ થઈ જતો હતો. રાત્રે કોઈ કોઈના પર પ્રહાર કરતા ન હતા. રાત્રિ એકમાત્ર એવી છે કે જે યુદ્ધને વિરામ આપે છે અને બુદ્ધની શરૂઆત કરે છે. એવી ઘણી રાતો છે કે જે રાતે બુદ્ધત્વનું નિર્માણ થયું છે. તો આ રાત્રિની પોતાની વિશેષતા છે.
રાત્રિ માણસને ઊંઘ આપે છે. ઊંઘ આવે છે તો માણસ કેટલાં બધાં પાપોમાંથી બચી જાય છે! એક તો ઊંઘ આવી એટલે બોલવાનું બંધ થઈ ગયું. તો સૌથી મોટો ફાયદો તો એ કે ખોટું બોલવાનું બંધ થઈ ગયું. રાત પડી ગઈ તો જોવાનું બંધ થઈ ગયું એટલે ખરાબ જોવાનું, આમતેમ જોવાનું બંધ થઈ ગયું. કાન ખુલ્લા છે, પરંતુ રાત્રિએ ઊંઘને કારણે આપણને સંભળાતું નથી. ઊંઘમાં આપણે કોઈને મારપીટ નથી કરતા. રાત્રિનો આ પ્રસાદ છે. રાત્રિની આ કૃપા છે કે માણસ નિદ્રાધીન થવાને કારણે અનેક બૂરાઈઓથી સ્વાભાવિક રીતે જ બચી જાય છે. તો એ પણ એક વિશેષતા છે.
ભજનાનંદીઓ માટે રાત્રિ જ ભજનનો કાળ મનાયો છે. યોગીઓ માટે રાત્રિ જ યોગસાધનાનો કાળ મનાયો છે. વિશેષ વિદ્યાની સાધના કેટલાક લોકો કરે છે એનો કાળ પણ રાત્રિ જ છે. જે લોકો તંત્ર-મંત્રની સાધના કરે છે એ દિવસે નથી કરતા, રાત્રે જ તંત્ર-મંત્રની સાધનામાં લાગી જાય છે. તો એક સાધનાનો કાળ પણ રાત્રિ માનવામાં આવે છે. પ્રકૃતિને કારણે આપણને જે પીડા થાય છે એ રાત્રિના સમયે પ્રકૃતિ શાંત થવાને કારણે પીડાઓથી આપણે બચી જઈએ છીએ. માણસ રોગી હોય તો રાત્રે ઊંઘને કારણે રોગની માત્રામાં એને રાહત થાય છે. તો રાત્રિના ઘણા ઉપકાર છે. દિવસ આપણને વહેંચી દે છે. રાત્રિ આપણને ભેગાં કરી દે છે. ખબર નહીં, દિવસે મન ક્યાં, ચિત્ત ક્યાં, બુદ્ધિ ક્યાં અને અહંકાર ક્યાં હોય છે! અને રાત્રિ એ ચારેયને ભેગાં કરી દે છે. રાત્રિના અનંત ઉપકાર છે.
તો સંસારની રાત્રિ, આપણા જેવા જીવોની રાત્રિની અનેક વિશેષતાઓ છે, તો શિવરાત્રિની વિશેષતા કેવી હશે? આપણી પરંપરામાં પ્રત્યેક કૃષ્ણ પક્ષની ચતુર્દશી શિવરાત્રિ માનવામાં આવી છે, પરંતુ મહાશિવરાત્રિનો તો ઘણો બધો મહિમા છે. મહાશિવરાત્રિ એ કલ્યાણકારી રાત્રિ છે. શિવનો મતલબ છે કલ્યાણ. એ શિવની રાત્રિ એટલે કલ્યાણકારી રાત્રિ. મને તો એવું લાગે છે કે શિવરાત્રિને દિવસે દિવસ થતો જ નથી. ચોવીસ કલાકની રાત જ હોય છે. એ તો આપણને ખબર નથી હોતી એટલા માટે આપણે જાગીએ છીએ. બાકી સાધુઓ માટે બારેમાસમાં આ એકમાત્ર રાત્રિ એવી છે કે જ્યારે ચોવીસ કલાક રાત જ હોય છે. યાદ રાખજો, મહાશિવરાત્રિનો મતલબ એવો નથી કે તમે શિવપૂજા જ કરો. કોઈ પણ કલ્યાણકારી કામ એ શિવ અભિષેક છે. પ્રભુએ તમને પૈસા આપ્યા હોય અને આજે તમે એવો સંકલ્પ કરો કે તમારો પાંત્રીસ વર્ષ જૂનો નોકર છે એના માટે એક ઓરડો, એક કિચન, એક શૌચાલય બનાવી દઈશ, તો એ તમારો શિવ અભિષેક છે. કોઈ સાવ અભાવગ્રસ્ત વિદ્યાર્થી છે, જે તેજસ્વી છે, એની પ્રજ્ઞા પ્રખર છે, એને ઉચ્ચ શિક્ષણ મેળવવું છે, પણ અભાવને કારણે એ ઉચ્ચ શિક્ષણ લઈ શકતો નથી એવા કોઈ વિદ્યાર્થીની ફી ભરી દો, એને સહયોગ આપો એ મારી દૃષ્ટિએ શિવરાત્રિનું શિવપૂજન છે. ભૂખ્યાને આદર સાથે રોટી આપવી એ શિવઅભિષેક છે. નિર્વસ્ત્રને વસ્ત્ર આપો એ શિવપૂજા છે. તો શિવઅભિષેક તો આપણે કરીએ જ છીએ, કરવો જ જોઈએ. શિવરાત્રિએ સવારથી રાત સુધી લોકો એ કરશે. ચોવીસ કલાક અભિષેક થશે, પરંતુ આપણાથી સમાજના કલ્યાણનાં કેટલાંક કાર્ય થશે તો એ પણ શિવપૂજા છે; એ પણ રુદ્રાભિષેક છે.
(સંકલન : નીતિન વડગામા)
[email protected]

X
article by moraribapu

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી