માનસ દર્શન / સત્યની પ્રાપ્તિ ન કરવાની હોય, એને પ્રગટ કરવું પડે

article by moraribapu

મોરારિબાપુ

Feb 17, 2019, 03:42 PM IST

સો ક્રેટિસનાં ચાર સૂત્રો છે. એક છે, એકમાત્ર સાચી બુદ્ધિમત્તા એવી સમજણમાં છે કે તમે કંઈ નથી જાણતા. સૌથી મોટી બુદ્ધિમત્તા એમાં છે કે આપણે જાણી લઈએ કે હું કાંઈ નથી જાણતો. બહુ સુંદર સૂત્ર છે. આપણે કંઈ ન જાણતા હોવા છતાં કહીએ છીએ કે અમે બધું જાણીએ છીએ! ત્યાંથી આપણી અધ્યાત્મયાત્રા અટકી જાય છે. આપણે આગળ નથી વધી શકતા. જ્યારે એથેન્સવાસીઓએ દેવીને પૂછ્યું કે આપણે ત્યાં સૌથી મોટા જ્ઞાની કોણ છે? દેવીએ કહી દીધું, સોક્રેટિસ. હવે દેવી આમ કહી દે પછી તો શું કહેવું? તો બધા લોકો સોક્રેટિસ પાસે આવ્યા કે દેવીએ કહી દીધું છે કે સૌથી મોટા જ્ઞાની આપ છો. સોક્રેટિસે કહ્યું, દેવીએ કહ્યું હશે એ તમે સમજ્યા નહીં હોય કે પછી ખબર નહીં શું હશે, બાકી હું નથી જાણતો. હું જ્ઞાની નથી. લોકો પાછા ગયા દેવી પાસે. કહ્યું, સોક્રેટિસ તો કહે છે કે હું જ્ઞાની નથી. દેવીએ હસતાં હસતાં કહ્યું કે એટલા માટે જ તો એ જ્ઞાની છે, કેમ કે એ કહી શકે છે કે હું જ્ઞાની નથી. એમ કહેવું બહુ મુશ્કેલ છે, બહુ કઠિન છે. આપણને કોઈ જ્ઞાની કહે, ભક્ત કહે, એ સારું લાગે છે; બહુ પ્યારું લાગે છે. એ વાતોથી જે બહાર નીકળી ગયા, એમની વાતો આપણે સમજીએ તો ધન્ય થઈ શકીએ.

  • સત્સંગનો સાચો અર્થ છે સત્યનું હોવું અને એમાંથી જે પ્રગટ થાય છે એનું નામ વિવેક છે

બીજું સૂત્ર, આત્માની ઉન્નતિ અથવા દેખભાળ બે વસ્તુથી થઈ શકે છે. એક વિવેક અને બીજી સચ્ચાઈ. વિવેક અને સચ્ચાઈ વિના આત્માની ઉન્નતિ આપણે નથી કરી શકતા. ‘વિવેક’ અને ‘સચ્ચાઈ’ આ બે શબ્દો બહુ જ આવશ્યક છે. હવે હું તુલસીનો આધાર લઉં તો વિવેકની પ્રાપ્તિ થાય છે સત્સંગથી. ‘બિનુ સત્સંગ બિબેક ન હોઈ.’ સત્યની પ્રાપ્તિ કરવાની નથી હોતી, એને પ્રગટ કરવું પડે છે. આપણે ખુદ ન કરી શકીએ તો કોઈ માર્ગદર્શકની જરૂર પડે છે જે એને ખોલે, દીપ જલાવે. સત્ય એટલે સચ્ચાઈ અને વિવેકની વાત સોક્રેટિસે કરી. ગોસ્વામી ‘માનસ’માં કહે છે,
સચિવ સત્ય શ્રદ્ધા પ્રિય નારી.

માધવ સરિસ મીતુ હિતકારી.
એક છોડને મોટો કરવો હોય તો સારું ખાતર જોઈએ. સમયસર પાણી પાવું જોઈએ. બરાબર પવન જોઈએ. સુરક્ષા જોઈએ. સૂર્યનો તાપ પણ જોઈએ. ઉપદ્રવી જીવોથી એને બચાવવો પણ જોઈએ. સોક્રેટિસ આત્માની ઉન્નતિની વાત કરે છે એમાં બે જ વાત વચ્ચે મૂકે છે, વિવેક અને સચ્ચાઈ. સત્સંગથી વિવેક આવે છે. સત્સંગનો અર્થ છે સત્યનો સંગ. ઠીક છે, આપણે કહી દઈએ છીએ, હું બોલું, તમે સાંભળો એ સત્સંગ છે. સારી વાત થાય એ સત્સંગ છે, પરંતુ સત્સંગનો સાચો અર્થ છે સત્યનું હોવું અને એમાંથી જે પ્રગટ થાય છે એનું નામ વિવેક છે. સોક્રેટિસની દૃષ્ટિએ આત્માની ઉન્નતિની દેખભાળ વિવેક અને સચ્ચાઈમાં થાય છે.
સોક્રેટિસ કહે છે, તમે મને દંડ દઈ રહ્યા છો તો દેવો વિરુદ્ધ પાપ કરી રહ્યા છો. મારો સ્વીકાર દેવતાઓએ કર્યો છે, તમે નહીં. મોટી વાત એ છે કે દેવ આપણને સ્વીકારે. લોકોનો શું ભરોસો? લોકો તો આજે સ્વીકારે ને કાલે ગાળો દે! આજે ચરણસ્પર્શ કરે, કાલે પગ ખેંચે! એમનું શું ઠેકાણું? જેમને સાધુપણું પામવું છે એ બંનેનો સ્વીકાર કરે. મને પૂછવામાં આવ્યું છે કે, ‘બાપુ, આપે કહ્યું, સ્વીકાર કરવો જોઈએ. તો કેટલી હદ સુધી સ્વીકાર કરવો?’ આ પ્રશ્ન વારંવાર ઊઠે છે. શુભ-અશુભ બંનેનો સ્વીકાર કરો. અસ્તિત્વએ એ નથી જોયું કે તું સારો છે કે ખરાબ છે. એને આપણને રહેવા માટે પૃથ્વી આપી છે. એણે જ એનું જળ આપણને પીવડાવ્યું છે. એની જ હવાથી આપણને જીવતા રાખ્યા છે. એણે આપણને તેજ આપ્યું છે. અસ્તિત્વ આટલો સ્વીકાર કરે છે તો એની છાયામાં ઉછરનારા આપણે પણ એટલો સ્વીકાર કરીએ. આપણે પણ શુભ-અશુભથી દીક્ષિત થવાનું છે. આપણે નબળાઈઓનાં પૂતળાં છીએ. સોક્રેટિસને ખબર છે કે મને દંડ દેવામાં આવી રહ્યો છે એ પાયા વગરનો છે! આપણે જાણીએ છીએ કે સોક્રેટિસની સામે બે પ્રસ્તાવ આવ્યા હતા. સારા માણસો સમજતા હતા કે આ બુદ્ધપુરુષ રહી જાય તો સારું છે. બે પ્રસ્તાવમાં એક હતો કે અમે નૌકાની વ્યવસ્થા કરી દઈએ અને તમે અહીંથી નીકળી જાઓ. કોઈ એવી સ્વતંત્ર જગ્યાએ ચાલ્યા જાઓ. દેશ છોડી દો. બીજી વાત આવી કે જ્યૂરીની સામે તમે મૌન રહો તો વાત ખતમ! સોક્રેટિસે કહ્યું કે આ બે વાતો માટે હું સત્યને એટલો મોટો ધોખો આપું? શું હું ભાગી જાઉં? હું એથેન્સ છોડી દઉં? મૃત્યુ જેવી નાની વાત, જે નિશ્ચિત જ છે. તો કહે, તમે ચૂપ રહો. સોક્રેટિસ સૌને એટલા પ્રિય હતા કે એ બજારમાં નીકળતા હતા તો યુવાનો એમને ચારે બાજુથી ઘેરી લેતા હતા. એ માણસ કેટલો પ્યારો હશે? એમણે કહ્યું, હું બોલવાનું બંધ નહીં કરું. એ માણસ કહે છે, હું મૌન નહીં રહું અને ભાગીશ પણ નહીં. સત્યનો ઉપાસક ભાગતો નથી. કેવી રીતે ભાગે? સોક્રેટિસનો નિર્ણય બહુ પ્યારો લાગે છે.
ચોથા સૂત્રમાં જે આજની વાત છે, સદ્્ગુણ જ્ઞાન છે. જ્યાં સારપ હોય છે ત્યાં જ્ઞાન હોય છે. કેમ કે કોઈ પણ વ્યક્તિ સ્વેચ્છાએ ખરાબ નથી કરતી, એવું એક સૂત્ર છે. સદ્્ગુણની ચર્ચા સોક્રેટિસે બહુ કરી છે. સદ્્ગુણમાં પણ મુખ્ય સદ્ છે. આટલાં વર્ષો પહેલાં કહેવામાં આવેલી વાતો આજે આપણે ખોલીને એટલા માટે કરી રહ્યા છીએ કે આપણા માટે એ પ્રાસંગિક છે. દેવે જેમને અનુમોદિત કર્યા હોય એમને દંડ ન દેવો જોઈએ. વ્યક્તિગત રૂપે હું કોઈને દંડ દેવાના પક્ષમાં નથી. સંવિધાન, ન્યાયતંત્ર એનું કામ કરે. કોઈએ કંઈ પણ કર્યું હોય, ક્ષમા કરી દો. રામરાજ્યમાં ‘દંડ’શબ્દ જ કાઢી નાખવામાં આવ્યો હતો. સંન્યાસીઓના હાથમાં જે દંડ રહેતો હતો એકમાત્ર એના સંદર્ભમાં જ ‘દંડ’ શબ્દનો પ્રયોગ કરાતો હતો. વ્યક્તિ-વ્યક્તિની વચ્ચે ભેદ નહોતો. ક્ષમાને એટલી બધી કમજોર શું કામ સમજો છો?
કોઈ ગુનો કરે અને તમે પણ સ્વાભાવિક દંડ પક્ષી ન હો તો કેવળ જિસસને યાદ કરવા. એમણે એક વાક્ય કહ્યું હતું, આ લોકોને ખબર નથી કે એ શું કરી રહ્યા છે! એમાં આખું શાસ્ત્ર આવી જાય છે. એક બાળક કદાચ ફોડી નાખે છે તો એને ખબર જ નથી કે એ શું કરી રહ્યો છે? સોક્રેટિસ જતી વખતે જે પ્રવચન આપે છે એ મને બહુ જ સારું લાગે છે. કહે છે, મારાં એથેન્સવાસીઓ; એ સંબોધન કોઈ વ્યક્તિવાચક નથી; આખું રાષ્ટ્ર એની સામે આવી જાય છે. કેટલો વિશાળ દૃષ્ટિકોણ રહ્યો હશે! એ કહે છે કે મારાં એથેન્સવાસીઓને મારે એટલું જ કહેવું છે કે મારી સાથે જે થઈ રહ્યું છે તે, પરંતુ મારા મનમાં કોઈ પ્રત્યે કટુતા નથી. નરસિંહ યાદ આવે છે,
જે ગમે જગતગુરુ દેવ જગદીશને,
તે તણો ખરખરો ફોક કરવો.
આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે,
ઊગરે એ જ ઉદ્વેગ ધરવો.
(સંકલન : નીતિન વડગામા)
[email protected]

X
article by moraribapu

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી