માનસ દર્શન / હરિનામથી થશે વિશ્રામ અને જાગૃતિની પ્રાપ્તિ

article by moraribapu

મોરારિબાપુ

Feb 10, 2019, 06:35 PM IST

ગાંધીબાપુને પૂછવામાં આવ્યું કે આપને રામનામમાં આટલી બધી શ્રદ્ધા છે અને આપ સત્ય જ બોલો છો, તો રામનામમાં શ્રદ્ધાનાં કારણ કહો. ગાંધીએ કહ્યું, રામનામ ભયંકરમાં ભયંકર સ્થિતિમાંથી બહાર કાઢી લે છે. કોઈપણ સમસ્યા એવી સ્થિતિ પર પહોંચી હોય કે હવે કોઈ ઉપાય જ નથી, એવે વખતે રામનામે મને મદદ કરી છે.

  • રામનામ વેદનો પ્રાણ છે. જો રામ ન હોય તો વેદ નથી રહેતા. જેવી રીતે પ્રાણ ન હોય તો શરીર શબ બની જાય છે

હવે જઈએ અરુણાચલ, જ્યાં મહર્ષિ રમણ બેઠા છે. રમણને પૂછવામાં આવ્યું કે સમસ્યાઓ ઘેરી વળે, મનમાં અશાંતિનું સામ્રાજ્ય છવાઈ જાય, વ્યાકુળતાની દાદાગીરી વધી જાય ત્યારે શું કરવું? તો રમણ મહર્ષિ જવાબ આપતાં કહે છે, મારી જેમ શાંત, મૌન અને એકાંતમાં બેસવું. જે સમસ્યામાંથી પચાસ વર્ષે પણ તમે બહાર નથી આવ્યા એનો નિકાલ પચાસ મિનિટમાં થઈ જશે. આ રમણના શબ્દો છે. ત્રણ વસ્તુ - શાંત, એકાંત અને મૌન.
ત્રીજી વાત ભગવાન ચૈતન્ય ગૌરાંગની. એમને જ્યારે પૂછવામાં આવ્યું કે આપના પર કોઈ મુશ્કેલી તો આવી હશે ને? એમણે કહ્યું, માણસ છીએ તો મુશ્કેલી તો આવશે. પૂછ્યું, એનો ઉપાય? તો બોલ્યા, એકમાત્ર ઉપાય નર્તન.
તમે નૃત્ય કરો. તમે ગાઓ, ‘હરિ બોલ.’ હરિનામની ધૂન ગાવા માંડો, એ ધૂન પર નાચવા લાગો. એ ધૂનમાં તન્મય થઈ જાવ. તમે ધીરે ધીરે સમસ્યાઓમાંથી મુક્ત થઈ જશો. આ બુદ્ધપુરુષની વાત હું તમારી સામે કરી રહ્યો છું, પરંતુ આપણા અનુભવનું સત્ય તો ત્યારે જ બનશે જ્યારે આપણે એવું કરીશું. હું નથી ઇચ્છતો કે મુશ્કેલી કે સમસ્યા આવે ત્યારે આપણે કરીએ. સંકટના સમયે જ આ ઉપાય અજમાવીએ. ડાહ્યો માણસ એ ગણાય, જે પાણી પહેલાં પાળ બાંધવા અંગે વિચાર કરે. કોઈ પણ શાણો, સમજદાર માણસ કે આપણે પોતે પહેલાં તો મુશ્કેલી જ ન આવે એવું ઇચ્છીએ, પરંતુ મુશ્કેલી તો આવશે. દુનિયા છે, જગત છે. દરેક સંજોગ પર આપણો કાબૂ નથી હોતો. કોઈ ને કોઈ બાબત આપણને નડી શકે, આપણો માર્ગ અવરોધી શકે, મુશ્કેલી સર્જી શકે. બહારથી મુશ્કેલી નથી આવતી તો આપણે ખુદ ઊભી કરીએ છીએ! ચૈતન્ય કહે છે, તમારા પર કોઈ મુશ્કેલી આવી હોય અને તમે એનાથી મુક્ત થવા ઇચ્છતા હો તો તમે ખોટા પરેશાન ન થાઓ. તમે નૃત્ય કરો; હરિનામ લો.
આપણે પહેલેથી જ દરવાજા બંધ કરી દીધા કે રામ-રામમાં શું છે? ગાંધીજી મૂર્ખ ન હતા; બેરિસ્ટર હતા. સાઉથ આફ્રિકામાં એમની પ્રેક્ટિસ ચાલી રહી હતી ત્યારે બહુ મોટી પ્રેક્ટિસ ચાલતી હતી. એ વખતે એમણે આ માર્ગ પસંદ કર્યો; જગતને મુક્તિ અપાવવા માટે બધું છોડી દીધું, પરંતુ એની પાછળ રામનામનું બળ છે. હરિનામ લેવાથી વિશ્રામ અને જાગૃતિની પ્રાપ્તિ થાય છે. એટલા માટે તુલસીએ હનુમાનજીની વંદના કરી; ત્યારબાદ ‘રામચરિત માનસ’માં રામનામની વંદના કરી. આખા પ્રકરણમાં રામનામની વંદના છે.

બંદઊ નામ રામ રઘુબર કો,
હેતુ કૃસાનુ ભાનુ હિમ કર કો.

તુલસી કહે છે, રામનામમાં પહેલાં ર-અ-મ એ ત્રણેય વર્ણમાં રકાર એ અગ્નિતત્ત્વ છે; અકાર એ સૂર્યતત્ત્વ છે અને મકાર ચંદ્રતત્ત્વ છે. અગ્નિ કચરાને બાળી નાખે છે. સૂર્ય અંધારાને ભગાડી દે છે. ચંદ્ર શીતળ ચાંદનીમાં આપણને વિશ્રામ આપે છે. મારા ગોસ્વામીજીનું નામનું વિજ્ઞાન એવું છે કે રામનામ લેવાથી માણસના ભીતરનો અગ્નિ પેદા થાય છે. રામનામ એટલે પરમનું નામ. મારો આગ્રહ નથી કે રામનામ જ. આ હું વર્ષોથી બોલું છું. આખી દુનિયા જાણે છે. હું મારા રામને સીમિત કરવા નથી માગતો. કૃષ્ણનામ, દુર્ગાનામ, શિવનામ, તમે જે ઇચ્છો એ લઈ શકો છો, પરંતુ રકાર અગ્નિતત્ત્વ હોવાને કારણે કચરાને બાળી નાખે છે. અકાર સૂર્યતત્ત્વ છે. એ અંધારાને દૂર કરે છે અને મકાર ચંદ્રતત્ત્વ છે એટલે એ વિશ્રામ આપે છે, શીતળતા આપે છે. તુલસીદર્શનમાં રામનામને પ્રણવના પર્યાય તરીકે પણ સ્વીકારાયું છે. કોઈ ન સ્વીકારે તો એ એની મોજ છે. પ્રણવપર્યાય એટલે કે ૐકાર. રામનામ વેદનો પ્રાણ છે. જો રામ ન હોય તો વેદ નથી રહેતા. જેવી રીતે પ્રાણ ન હોય તો શરીર શબ બની જાય છે. પરમ ઊર્જાનું નામ રામ છે. પરમતત્ત્વનું નામ રામ છે. એ નામની વંદના હું કરું છું. નામનો મહિમા ગજબ છે! હું વારંવાર બોલું છું. ગુરુકૃપાથી બોલતો રહીશ, પરંતુ હું તમને સાફસાફ કહી દઉં છું કે કેન્દ્રમાં તો હરિનામ છે. હરિનામ સિવાય મારા માટે બીજો કોઈ ઉપાય નથી. મારું જે કંઈ છે એ નામનો પ્રતાપ છે. હરિનામ સિવાય મારી કોઈ સંપદા નથી. પ્રભુનું નામ, જેમાં તમારી શ્રદ્ધા હોય. શું ફરક પડે છે? રામનામનો મહિમા છે. રામે જે ત્રેતાયુગમાં કર્યું એ રામનામ કળિયુગમાં કરી શકે છે. આપણે એ રામનામનો આશ્રય કરીએ.
મને લોકો પૂછે છે, માળા રાખીએ તો નિરંતર માળા જપવી જોઈએ? જરૂરી નથી. અંદર જ્યારે ઈર્ષ્યા અને દ્વેષ પેદા થવા લાગે ત્યારે માળા કરો. મને લોકો કહે છે, બાપુ, માળા કરું છું. નામ વધારે બોલું છું. મણકા ધીમા થઈ જાય છે. એ સારી વાત છે. એમાં શું બગડી ગયું? ગોસ્વામીજીએ બહુ સ્પષ્ટ બતાવ્યું છે, સતયુગમાં લોકો ધ્યાન કરતા હતા. ત્રેતાયુગમાં એ જ પરમ અનુભવ યજ્ઞોથી થતો હતો. દ્વાપરમાં એ પરમ અનુભવ પૂજા-અર્ચનાથી થતો હતો. કળિયુગમાં એ અનુભવ કેવળ નામથી થાય છે. એનો મતલબ એ નથી કે આપણે ધ્યાન ન કરવું. જેને ધ્યાન લાગતું હોય એ કરે, જરૂર ધ્યાન કરે, પરંતુ કળિયુગમાં એ બધું ન થઈ શકે તો રામનામ પર્યાપ્ત છે. પ્રભુનું નામ મહાન છે. કળિયુગમાં નથી આપણાં કર્મ બરાબર, નથી ધ્યાનયોગ બરાબર કે નથી આપણો ભક્તિયોગ બરાબર. કેવળ પ્રભુ નામ બરાબર છે. ‘માનસ’માં રામનામ પ્રકરણ છે. એમાં એટલી બધી છૂટ આપવામાં આવી છે કે ભાવથી લો, અભાવથી લો, આળસમાં લો, ખુશીમાં લો. નામથી બધી દિશાઓ મંગલ થઈ જાય છે. તો પ્રભુનું નામ બહુ જ મહિમાવંત છે.
કબીરા કુઆ એક હૈ પનિહારી અનેક.
બરતન સબ ન્યારે ભયે પાની સબ મેં એક.

પરંતુ તથાકથિત ધર્માવલંબીઓએ પોતપોતાના આગ્રહને કારણે ઘણી દીવાલો પેદા કરી છે કે આ જ નામ લો! આ જ સાચો મંત્ર છે! નહીં, નહીં! એવું કહેનારાઓ ઉપર દયા આવે છે! વિનોબાજીએ પણ રામનામ પર નાની એવી પુસ્તિકા લખી છે. પ્રભુના નામનો અદ્્ભુત મહિમા છે. મારી પાસે લોકો આવે છે કે પ્રભુનું નામ લેવાની વિધિ કઈ છે? હું કહું છું, વિધિ નહીં, વિશ્વાસ બસ! મારા તુલસીએ ‘વિનય’માં લખી દીધું છે, કોઈ પણ રીતે જપો.

બિસ્વાસ એક રામ નામકો,
માનત નહીં પરનીતિ અનત,
અસોઈ સુભાવ મન બામકો.

ટૂંકમાં, પોતાનો વ્યવહાર નિભાવતાં નિભાવતાં જેટલો સમય મળે એટલો સમય વિશ્વાસપૂર્વક હરિનામ લેવું, બસ. નથી કપડાં બદલવાની જરૂર, નથી સ્થળાંતર કરવાની જરૂર. યુવાન ભાઈ-બહેનોને જ્યારે હું નામની વાત કરું છું ત્યારે તેઓ એ સાવધાની પણ રાખે કે પોતાનું કર્તવ્ય ન ચૂકે. જાગૃતિ જરૂરી છે. પ્રભુના નામની સાથે વ્યવહાર પણ નિભાવવો અને વિશ્વાસથી નામ લેવું.
(સંકલન : નીતિન વડગામા)
[email protected]

X
article by moraribapu

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી