માનસ દર્શન / એક ધર્મ અને બીજા ધર્મ વચ્ચે દીવાલ ન રહેવી જોઈએ

article by moraribapu

મોરારિબાપુ

Dec 30, 2018, 06:20 PM IST

ભગવાન ઇસુ કહે છે કે, હું વિશ્વનો પ્રકાશ છું. આ બહુ જ સુંદર વાત છે. ભગવાન શ્રીકૃષ્ણ ‘શ્રીમદ્ ભગવદ્્ ગીતા’માં કહે છે, તેજસ્વીઓનું તેજ હું છું, બળવાનોનું બળ હું છું, બુદ્ધિમાનોની બુદ્ધિ હું છું. આ સૂત્રોને જો હૃદયસ્થ કરી શકાય તો અહંકારથી મુક્ત થવું બહુ જ આસાન થઇ જાય. પ્રકાશ પરમાત્માની વિભૂતિ છે.

તેજની વિભૂતિ જિસસનો આ સ્ત્રીવાળો પ્રસંગ અને રામનો અહલ્યાવાળો પ્રસંગ બહુ જ સામ્ય ધરાવે છે

અને ભગવાન ઇસુ જ્યારે પોતાને પરમાત્માના પુત્ર માને છે તો એનો અર્થ આપણે એમ કરી શકીએ કે એ પણ વિભુની એક વિભૂતિ છે. તો ઇસુ જ્યારે કહે છે કે, હું જગતનો પ્રકાશ છું અને એ પ્રકાશથી તમે તમારો દીપ જલાવીને એવી ઊંચાઇ પર દીપ લઇ જાઓ કે એનું અજવાળું ચારે તરફ ફેલાઇ જાય. એ દિવ્ય પ્રકાશને તમે કેવળ તમારા ઘરમાં બંદી ન બનાવો. જેથી એ દીવાલોમાં કેદ ન થઇ જાય. ક્યાંય દીવાલ ન રહે. તત્ત્વત: તો એક ધર્મ અને બીજા ધર્મ વચ્ચે ક્યાંય દીવાલ ન રહેવી જોઇએ.


એક સ્ત્રી જે ભૂલ કરી બેઠી હતી અને એને પથ્થર મારવાની વાત આવી, એ પ્રસંગના સંદર્ભમાં દર્શકદાદા કહે છે કે ઇસુનો કોઇ પણ સંદેશ વિશ્વ સુધી ન પહોંચ્યો હોત અને માત્ર ને માત્ર આ એક આખ્યાયિકા જે ભગવાન જિસસે કહી કે જેણે પાપ ન કર્યું હોય એ આ સ્ત્રીને પહેલો પથ્થર મારે, એ આપણને મળી હોત તોપણ ઇસુનું આસન વિશ્વની સંસ્કૃતિમાં અવિચળ બની રહેત; અને પછી મને સ્મરણ થાય છે એક ઋજુ કવિ મનોજ ખંડેરિયાનું. શબ્દની સાથે બહુ જ નજાકતથી કામ લેતા હતા એ. એમનો એક શે’ર છે-


ક્યારેય પાપ જેવું કશું પણ કર્યું નથી,
એથી જ થોડો આપણે પથ્થર ઉપાડિયે?


મનોજભાઇ બહુ સુંદર સત્ય લાવ્યા. હું એને તર્ક નહીં કહું. એમણે કહ્યું કે મને તો લાગે છે કે મારા નિષ્પાપ હોવાનું પ્રમાણપત્ર દુનિયાને આપવાને માટે પણ હું કોઇને પથ્થર ન મારું. અમારો મનોજ એક ડગલું આગળ નીકળ્યો. મને બહુ જ સ્પર્શ્યું. આ દર્શન, જ્યાં ખંડેર નથી, ગઢ છે ત્યાંના ખંડેરિયાનું છે. તમે વિચારો, જ્યારે આપણે પંથમાં કેદ થઇ જઇએ છીએ ત્યારે પથ્થર સાધન બને છે.


આપણા એક મંત્રમાં વૈશ્વિક સંદેશ છે. એનંુ અંતિમ ચરણ છે, ‘વિસર્ગે ધરુણેષુ તસ્થૌ.’ હું પ્રત્યેક પંથનો વિસર્ગ કરી દઉં. અને એક એવી ભૂમિ પર મારો પ્રકાશ સ્થાપિત કરું જેથી આ તમામ પંથ વિસર્જિત થઇ જાય. જ્યાં કોઇ પંથ ન હોય. વ્યવસ્થા જરૂર હોય, વિષમતા ન હોય. વિભેદ ન હોય. ક્યારેક નાનકદેવે પણ આ જ બોલમાં વાતો કહી હતી કે પંથ સમાપ્ત થવા જોઇએ, કેમ કે એનાથી ભેદ પેદા થાય છે.


તુલસીદાસજી પણ આ વિષયમાં બોલ્યા છે, ‘દંભિન્હ નિજ મતિ કલ્પિ કરિ પ્રગટ કિએ બહુ પંથ.’ રાજમારગમાં ચાલવામાં તો આપણે ખોવાઇ જઇશું! એટલે કેટલાક લોકોને લાગે છે કે આપણે નવો પંથ પેદા કરીએ જેથી દુનિયામાં આપણી પણ નોંધ લેવામાં આવે!
મારી વ્યાસપીઠ ગુરુની કૃપાથી, તમારા આશીર્વાદથી કંઇક આવા કાર્યમાં લાગેલી છે. એનાથી ઘણા લોકો ખુશ પણ છે અને કેટલાક નારાજ પણ છે! ધમકીઓ પણ મળે છે.


રામકથાના પંડાલમાં ઇસ્લામ ધર્મનો કોઇ ઉપાસક આવે અને રામકથાની પોથીને આદર આપે તો એ ખુશીની વાત છે કે ધમકી દેવાની વાત છે? પરંતુ એ પણ થવું જોઇએ. માત્ર પોઝિટિવ વસ્તુથી કંઇ બનતું નથી, થોડું નેગેટિવ પણ કંઇક મળે ત્યારે વાત બને છે. છોડો, એની કોઇ ચિંતા પણ નથી. કોઇ કારણ પણ નથી, કારણ કે મારી ધારા મૂળધારા છે. મારી વ્યાસપીઠ એમાં લાગી છે. વ્યાસનો અર્થ થાય છે વિશાળ.


તો આ જિસસવાળી જે વાત છે કે જેમણે પાપ ન કર્યું હોય એ પથ્થર મારે. જ્યારે હું આ પ્રસંગને લઉં છું ત્યારે મારે ફરી પાછી અહલ્યા પણ યાદ આવે છે. તમે જરા એ બંનેની તુલના કરો. અને આ ઘટના વિશે ભારતીય પ્રતિક્રિયા અને ઇસાઇ પ્રતિક્રિયાનું સામ્ય અને વૈષમ્ય તપાસો. ભગવાન જિસસે જે સ્ત્રીને નિર્ભાર કરી દીધી એ પણ એક ભૂલ કરી બેઠેલી સ્ત્રી હતી. એ જિસસના સમયની અહલ્યા હતી.

શાંતિથી વિચારો. અને રામકથામાં જે અહલ્યા આવે છે એ રામકાળની અહલ્યા છે. જિસસના સમયની અહલ્યા ભાગી જઇ રહી છે અને એની પાછળ લોકો પથ્થર લઇને મારવા દોડે છે. અને ‘રામાયણ’ની અહલ્યા ભાગી નહીં, બેસી ગઇ. અને એનું બેસવું, એનું પ્રાયશ્ચિત્ત, એનું સ્થૈર્ય, એ બધાંને કારણે એની આજુબાજુમાં જે ભીડ હતી એ દૂર થઇ. અહીં બધી ભીડ પાછળ ગઇ! અને ત્યાં જિસસવાળી અહલ્યાને લોકો પથ્થર મારે છે, મારી ‘રામાયણ’ની અહલ્યા સ્વયં પથ્થર છે.

હવે શું પથ્થર મારશો? શંકરાચાર્યની બોલીમાં, ‘એકાંતેસુખમાસ્યતામ્.’ બેસી જઇએ. તો સામ્ય પણ જુઓ. ત્યાં જિસસવાળી અહલ્યા ભાગીને દોડતી દોડતી પાછી ઇસુની પાસે ગઇ અને ‘રામાયણ’ની અહલ્યાની પાસે ઈશ્વરનો પુત્ર નહીં, સ્વયં ઈશ્વર ગયા.


જિસસવાળી અહલ્યા જિસસનાં ચરણોમાં પડે છે, રામવાળી અહલ્યા પર રામનાં ચરણ પડે છે. પેલી સ્ત્રી કોની હતી એ મળતું નથી અને કયા કારણે એ બદનામ થઇ એ પણ મળતું નથી. રામની અહલ્યા મૂળમાં બ્રહ્માનું સર્જન, પછી ગૌતમ નારી અને પછી ઇન્દ્ર દ્વારા બદનામ થઇ છે. ભારતીય દર્શનની હિંમત જુઓ, નામ દઇ દીધાં! ‘ગૈ પતિલોક અનંદ ભરી.’ ભગવાન રામ પુન:મિલન કરાવે છે. ઇસુની કથામાં એ અહલ્યા પછી ક્યાં ગઇ, કોની હતી એનો કોઇ પત્તો લાગતો નથી!


હું આ કોઇ તુલના નથી કરી રહ્યો. દર્શન કરાવી રહ્યો છું કે ત્યાં આમ છે, અહીં આમ છે. આમાં કોઇ શ્રેષ્ઠ કે કોઇ નિમ્ન એવી વાત નથી. હું દીવાલ તોડવાની ચર્ચા કરી રહ્યો છું. અહીં કોઇ નવી દીવાલ પેદા નથી કરવી. આમ તુલનાત્મક રૂપે જોઇએ તો જે તેજની વિભૂતિ જિસસ છે એમનો આ સ્ત્રીવાળો પ્રસંગ અને આ જે અહલ્યાવાળો પ્રસંગ છે એ બહુ જ સામ્ય ધરાવે છે, પરંતુ કેટલીક નવી પ્રેરણા પણ આપે છે.
(સંકલન : નીતિન વડગામા)
[email protected].com

X
article by moraribapu

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી