માનસ દર્શન / સાવધાની સંન્યાસ છે, અસાવધાની સંસાર છે

article by moraribapu

મોરારિબાપુ

Dec 23, 2018, 12:05 AM IST

પ્રત્યેક વ્યક્તિએ સાવધાન રહેવું જોઇએ. મનથી, બુદ્ધિથી સાવધાન રહેવું જોઇએ; ચિત્તથી સાવધાન રહેવું જોઇએ અને અહંકારથી સાવધાન રહેવું જોઇએ. મને લાગે છે, આ અંત:કરણ ચતુષ્ટયથી જે સાધક સાવધાન થઇ જાય છે એને અંત:કરણની પ્રવૃત્તિનો અવાજ સંભળાય છે. અને જ્યારે અંત:કરણની પ્રવૃત્તિનો અવાજ સંભળાય છે તો એ જીવનના નિર્ણય માટે સૌથી મોટું પ્રમાણ માનવામાં આવે છે. આપણે ત્યાં વેદોને પ્રમાણ માનવામાં આવ્યા છે કે વેદોએ આમ કહ્યું છે તો કરો. ક્યારેક અનુમાન પ્રમાણ હોય છે કે અહીં ધુમાડો છે તો અગ્નિ હોઇ શકે છે.

મીરાં સંસારમાં રહ્યાં, સાવધાન રહ્યાં. એ નાચ્યાં પરંતુ ક્યારેય તાલભંગ થયો? ના, કેમકે સાવધાન રહ્યાં

ક્યાંક પ્રત્યક્ષ પ્રમાણ હોય છે કે આ જુઓ, અહીં પાણી છે એની સાબિતી છે. પરંતુ ક્યારેક-ક્યારેક પ્રત્યક્ષ પ્રમાણ પણ ખોટાં હોય છે! જેમ કે ગરમીના દિવસોમાં ખેતરમાં જાઓ તો ક્યાંક દૂર પાણી દેખાય છે. તમે એ પણ જાણો છો કે તરસ્યાં હરણ તો એ જળ પીવા માટે માઇલો સુધી દોડે છે! ક્યારેક મરી પણ જાય છે! કેમ કે જળનું પ્રત્યક્ષ પ્રમાણ ખોટું છે. એ જળ નહીં પરંતુ મૃગજળ હોય છે! તુલસી કહે છે કે સમુદ્રના તટ પર છીપ છે. છીપમાં સમુદ્રનું જળ ભર્યું છે અને સૂરજનાં કિરણો કંઇક એ રીતે એના પર પડે છે તો છીપમાં રહેલું જળ દૂરથી ચાંદીનો ટુકડો લાગે છે!

તુલસીનું એવું વક્તવ્ય છે. એ દેખાય છે ચાંદી પરંતુ એ પ્રત્યક્ષ પ્રમાણ ખોટું છે. એ ચાંદી નથી. એ જળ, છીપ અને સૂરજના સંગમથી ઊભો થયેલો એક આભાસ છે. વેદનું પ્રમાણ તો સાચું માનવામાં આવ્યું છે, તેમ છતાં પણ શાસ્ત્રનું પોતાનું એક સ્થાન છે. એક મહાત્માએ કહી દીધું. ‘નહીં મિલતી સબ બાત બેદન મેં. બેદ કહી સો ભેદ હી હૈ.’ નરસિંહ મહેતાએ કહી દીધું, ‘ગ્રંથ ગરબડ કરી.’ હવે આપણી પાસે શાસ્ત્રપ્રમાણ કે વેદપ્રમાણ પણ સુલભ ન હોય; આપણને વેદનું જ્ઞાન ન હોય અને કોઇ આડાઅવળું બતાવી દે તો! અનુમાન પ્રમાણનું પણ એવું છે. જ્યાં ધુમાડો હોય ત્યાં અગ્નિ હોવો જોઇએ એવો ન્યાય છે. પરંતુ એ પણ ખોટું હોઇ શકે. ઠંડીના દિવસોમાં તમારા મુખમાંથી પણ ધુમાડો નીકળે છે પરંતુ ત્યાં અગ્નિ નથી હોતો. એવે વખતે બુદ્ધપુરુષોએ એક નિર્ણય આપ્યો કે તમારા અંત:કરણની પ્રવૃત્તિ જ પ્રમાણ છે.


અંત:કરણમાં ચાર ચીજો છે-મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. એક માણસને ચાર દોરડાં બાંધી દો. એક માણસ એને પૂર્વમાં ખેંચે, એક પશ્ચિમમાં, એક ઉત્તરમાં, એક દક્ષિણમાં, તો એ માણસની દશા કેવી જાય? એના જીવનની તો કોઇ આશા જ ન રહે! એ તો મરવાની પ્રવૃત્તિ જ થઇ ગઇ! આપણા જેવા સંસારીઓની કેટલીક દશા એવી છે કે ચાર ચીજ દોરડાની જેમ આપણને ખેંચે છે. એમાં સાવધાની કેવી રીતે રાખવી? મન કહે છે, આ બાજુ જઇએ. બુદ્ધિ કહે છે, છોડ યાર, આમ કર! ચિત્ત તો કમ્પ્યુટર છે, જનમ-જનમના પ્રોગ્રામ એમાં નાખવામાં આવ્યા છે!

એ કંઇક જુદું જ કહે છે. અને અહંકારનું તો કોઇ ગણિત જ નથી! અને ચાર દોરડાઓથી બંધાયેલો માણસ કેવી રીતે નિર્ણય કરી શકશે? ત્યારે સંતો અને મહાપુરુષો એમ સમજે છે કે એ ચારેયથી જે સાવધાન થઇ જાય એને સાચું પ્રમાણ પ્રાપ્ત થવા લાગે છે; બધાં દર્શન પ્રાપ્ત થવા લાગે છે. તો આ ‘સાવધાન’ શબ્દ આધ્યાત્મિક પણ છે. વ્યાવહારિક અર્થમાં પણ છે. ફરી એક વાર કહું કે સાવધાનીનો અર્થ તમે જાગૃતિ જ કરજો. જાગતા રહો, જાગતો રહો, જાગતા રહો. દરેક પ્રક્રિયામાં, દરેક કાર્યમાં સાવધાની રહેવી જોઇએ.


આપણા જીવનમાં સત્સંગ કરતાં કરતાં જો સાવધાની આવી જાય તો એકવીસમી સદીનો એ સંન્યાસ છે. અને વિધિવત્ સંન્યાસ લીધા પછી પણ જો જાગૃતિ ન રહે તો એ અવિધિસર સંસાર છે. નરસિંહ મહેતા સાવધાન રહ્યા. કોણ કહેશે કે નરસિંહ મહેતા સંન્યાસી ન હતા? મીરાં સંસારમાં રહ્યાં, સાવધાન રહ્યાં. એ નાચ્યાં પરંતુ ક્યારેય તાલભંગ થયો? સાવધાન રહ્યાં. ક્યારેય મીરાંનો સૂરભંગ થયો? સાવધાન રહ્યાં. મને લાગે છે કે નાચનારાનાં ઘૂંઘરું ક્યારેક-ક્યારેક તૂટી જાય છે પરંતુ મીરાંનાં ઘૂંઘરું ક્યારેય તૂટ્યાં નહીં. એનો તાલભંગ નથી થયો. સૂર-સ્વરભંગ નથી થયો.

મર્યાદા નથી તૂટી. એ છે જાગૃતિ, અવેરનેસ. મતલબ કે સાવધાની સંન્યાસ છે, અસાવધાની સંસાર છે. મોસમ બદલતી રહે છે પરંતુ ‘રામચરિત માનસ’ના પુષ્પવાટિકાના સંદર્ભમાં લખ્યું છે, ‘જહં બસંત રિતુ રહી લોભાઇ.’ જનકની પુષ્પવાટિકામાં નિરંતર વસંતઋતુ રહેતી હતી. તુલસીજીએ વસંતઋતુને આધ્યાત્મિક અર્થમાં શ્રદ્ધા કહી છે. શ્રદ્ધા તો બારમાસી હોવી જોઇએ. આ જે વ્યાસપીઠની પુષ્પવાટિકા છે, આ બધાં જ ફ્લાવર્સ છે, એમાં કાયમ વસંતઋતુ રહે છે. જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ગુણાતીત શ્રદ્ધા છે.

આ શાસ્ત્રનો નિયમ છે, યાદ રાખજો, માણસ કોઇ પણ કાર્ય કરે છે એની પાછળ એના ગુણ એને પ્રેરિત કરે છે. ભારતીય મુનિઓનું આ મનોવિજ્ઞાન છે. કોઇ માણસ રજોગુણી હશે તો અત્યંત પ્રવૃત્તિ કરશે. પછી સફળ થાય કે ન થાય! તમોગુણી હશે એના કાર્ય-કલાપમાં અહંકાર, ક્રોધ, બીજાને દબાવવા, કોઇપણ રીતે ઓવરટેક કરવા, હત્યા કરવા સુધી જવું! એમની બધી પ્રવૃત્તિ તમોગુણી થઇ જાય છે. જે સત્ત્વગુણી હોય છે એમના ક્રિયા-કલાપ કોઇ સાધકના હોય છે. એ શોધશે, ભટકશે, પોતાના માટે નીકળશે. સાવધાની મીન્સ જાગૃતિ. ઓશો જેને જાગરણ કહે છે, એને તુલસી સાવધાન કહે છે.


શંકરાચાર્યએ જે ઉદ્્ઘોષણા કરી એવી ભાગ્યે જ કોઇએ કરી હશે, ‘પ્રસન્ન ચિત્તે પરમાત્મ દર્શનમ્.’ તમારું ચિત્ત પ્રસન્ન રહે એ જ પરમાત્માનાં દર્શન છે. મનને પ્રસન્નતા મળે એવી રીતે જાગૃત રહેવું. શરીરમાં રોમાંચ થાય. શરીરમાં નર્તન પેદા થાય. આંખોમાં પાણી આવી જાય. પાગલ જેવી એ દશા છે. જેમણે એ દશા પ્રાપ્ત કરી છે એ બધાંને પાગલનું પ્રમાણપત્ર અપાયું છે. એ બધાંને નથી મળતું. જલન માતરીનો એક શેર છે કે દુનિયામાં જે પાગલ છે એ હકીકતમાં પાગલ છે કે નાટક કરે છે, એ ખબર નથી પડતી!
‘સમજદારીથી અળગા થઇ જવાનાં સૌ બહાનાં છે, મને શંકા પડે છે કે દીવાના શું દીવાના છે?’


સંસારમાં અને સંન્યાસમાં, બંને પ્રકારે જીવન જીવવામાં સાવધાન રહેવું. ભરતનું ચરિત્ર સાવધાનીપૂર્વક સાંભળો, એવું જનકજીએ કહ્યું છે કેમકે ભરતચરિત્ર અસહ્ય પ્રેમનું નામ છે. આ રામકથા છે એ રામશાસ્ત્ર નથી, પ્રેમશાસ્ત્ર છે. એટલા માટે હું રામકથાને પ્રેમયજ્ઞ કહું છું. કોઇ શાસ્ત્રીય ગ્રંથ હોય એનો એક નિયમ હોય છે. એના સિદ્ધાંતને આદિ, મધ્ય અને અંતમાં પ્રસ્થાપિત કરવો પડે છે. ‘રામચરિત માનસ’માં પ્રેમ કેન્દ્રમાં છે. એટલા માટે આરંભમાં પણ પ્રેમ છે, મધ્યમાં પણ પ્રેમ છે અને અંતમાં પણ પ્રેમ છે. એટલા માટે એ પ્રેમશાસ્ત્ર છે. ભરતચરિત્ર પ્રેમપ્રવાહ છે, આંસુઓનું ચરિત્ર છે. અયોધ્યાની સભામાં આખરે એવો નિર્ણય થાય છે કે ભરતજી પૂરી અયોધ્યાને લઇને વનમાં જાય અને રામને મળે. રામ અને ભરત જે વાત કરે અને જે નિર્ણય થાય એ બંને ભાઇઓ સ્વીકારે. ક્યારેક-ક્યારેક ધર્મ નિર્ણય નથી આપી શકતો, પ્રેમ નિર્ણય આપી શકે છે. અયોધ્યા છે ધર્મભૂમિ, ચિત્રકૂટ છે પ્રેમભૂમિ. મોટી મોટી સમસ્યાઓનો જવાબ પ્રેમ આપે છે.

(સંકલન : નીિતન વડગામા)
[email protected]

X
article by moraribapu

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી