ભજન સત્ય, એકતારો પ્રેમ અને ભજનિક કરુણા છે

article by moraribapu

મોરારિબાપુ

Nov 25, 2018, 12:05 AM IST

ભજન શું છે? આપણે ત્યાં ઘણી વખત ચર્ચાઓ થઇ છે કે ભજન લખાય, ભજન વંચાય, ભજન ગવાય, ભજન ચર્ચાય, ભજન ઉપર પ્રવચનો થાય. આ બધું જ જરૂરી છે. પણ, જેણે જેણે ભજનનો માર્ગ લીધો છે એ બધાંએ લગભગ ગાયું છે. ગાયા વગર કોઇ રહી શક્યાં નથી. બધાંએ ગાયું છે. તો ભજન ગાવાનો બહુ જ મોટો મહિમા છે. અને જેમણે ખરેખર ભજન કર્યું છે એમણે ભજન ગાયું તો છે જ, પણ મને એમ લાગે છે કે એમણે આપણા હૈયામાં ભજન વાવ્યું છે. અને એની આ ફસલ છે. જ્યારે કાળ ખરાબ છે. માનવીનું મન ખરાબ છે એવા ભીષણ કાળમાં સંતવાણી તરફ, સંતો તરફ, એના ઇતિહાસ તરફ, એની રચનાઓ તરફ આટલો બધો ઉત્સાહ ને ભાવ દેખાય છે! આ એણે વાવેલાનો મબલક પાક છે. ભજન પોતે સત્ય છે-


ઉમા કહઉં મૈં અનુભવ અપના.
સત હરિ ભજનુ જગત
સબ સપના.

ભજનાનંદી કોઈનો દોષ ન કાઢે ને નિરંતર સ્વદર્શન કરે એ ભજનના ખટદર્શનનો પહેલો પડાવ છે

ભજન સત્ય છે. એકતારો એ પ્રેમ છે, રામસાગર એ પ્રેમ છે; કારણ કે જેણે જેણે પ્રેમનો મારગ લીધો છે એ એકતાર થયા છે. ત્યારે પહોંચ્યા છે. એટલે ભજન સત્ય છે મારી દૃષ્ટિએ, એકતારો-રામસાગર એ પ્રેમ છે અને ભજનિક એ પરમાત્માની કરુણા છે. એટલે મારી જીવનયાત્રામાં સત્ય, પ્રેમ અને કરુણા, જે એના નીચોડરૂપે હું છેલ્લાં થોડાં વર્ષોથી કહી રહ્યો છું ત્યારે સંતવાણીની ચર્ચા આવે ત્યારે મને એ ત્રણેય સૂત્રો આમાં દેખાય કે ભજન મૂળમાં સત્ય છે, રામસાગર પ્રેમ છે, ‘રામહિ કેવલ પ્રેમુ પિઆરા.’ એ પ્રેમનો સાગર છે કે પ્રેમનો પર્યાય છે. અને ભજનિક ઉપર કરુણા હોય તો જ ભજન ગવાય. આપણે ત્યાં ખટદર્શન છે, છ દર્શન છે. વૈદિક પરંપરામાં છ દર્શનો છે. પણ ભજન પરંપરાનાં છ દર્શનો એટલે? એનું કયું ખટદર્શન?
એક, સ્વદર્શન, માણસને પોતાનું દર્શન થવા માંડે, જેમ જેસલને થયું, ‘જેટલાં મથ્થે જા...’ આ સ્વદર્શન છે. ભજનાનંદી કોઇનો દોષ ન કાઢે ને નિરંતર સ્વદર્શન કરે એ ભજનના ખટદર્શનનો પહેલો પડાવ છે. આપણને આપણું દર્શન થાય. આપણને આપણા દોષ દેખાય ત્યારે ગુરુકૃપાથી આપણા જ સદ્્ગુણો દ્વારા આપણે આપણા દોષને ધોવાના હોય છે. સાબુ બીજેથી નહીં લાવવો. આપણી પાસે કંઇક તો પડ્યું હશે ભજનની કૃપાથી. એનાથી દોષ ધોવાના. સ્વદર્શન ભજન કરાવે, ચોક્કસ. પછી આપણે કબૂલ કરીએ કે ન કરીએ, પણ માંહ્યલો કબૂલ કરે કે મને મારું સ્વદર્શન થયું. બીજું, ભજન સાંભળો, ગાઓ, લખો, કોઇ પણ રીતે ભજનની દુનિયામાં પ્રવેશ કરીએ તો બીજું એક દર્શન સાંપડે છે સમદર્શન.


સકલ લોકમાં સહુને વંદે નિંદા ન કરે કેની રે,
સમદૃષ્ટિ ને તૃષ્ણા ત્યાગી પરસ્ત્રી જેને
માત રે...


એમ સમદર્શની વાત કરે છે નરસિંહ મહેતો. ભજનના ક્ષેત્રમાં આવેલ વ્યક્તિને બીજું દર્શન સાંપડે છે સમદર્શન. એ વિષમ રહી જ ન શકે. અને જો વિષમ હોય તો ભજન એનો દંભ છે, ભજન એનું ગોઠવેલું નેટવર્ક છે, કોઇ પણ રીતે ભજનરૂપી પવિત્રતમ વસ્તુ દ્વારા સમાજને જાળમાં લેવાનો બુદ્ધિપૂર્વકનો પ્રયાસ છે! ભજન સમદર્શન નિર્માણ કરે જ. તમે વિષમ રહી શકો જ નહીં. ભજન પોતે એનું કામ કરવા માંડે, જો ભજન હોય તો. એટલે મારી દૃષ્ટિએ ભજનના ખટદર્શનનો બીજો પડાવ છે સમદર્શન.


ત્રીજો પડાવ ભજનનો છે છાયાદર્શન. આપણે આપણા પડછાયામાં આપણું કદ જોતાં હોઇએ છીએ! હું તો આટલો મોટો, હું તો આમ, હું તો આમ! પણ મધ્યાહ્્નનો સૂરજ થાય ત્યારે બધા છાયા-પડછાયા જતા રહે! ત્યારે ખબર પડે કે હું તો આટલો છું! મને ને તમને છાયાના ભ્રામિક ભાવમાંથી મુક્ત કરે ભજન. આપણું છાયાદર્શન છે. છાયાદર્શનમાં ન જીવવું. ભજન મને ને તમને એક આભાસી દર્શનમાંથી મુક્ત કરે છે. રજ્જુ અને સર્પન્યાયમાંથી મુક્ત કરી દે છે. એટલે ભજન એક વિવેક પ્રગટાવે, છાયાદર્શન કરાવે. ચોથું, દર્પણદર્શન. એ સાધકનું દર્શન છે. માનવીને પોતે શું છે એ જેમ દર્પણ દર્શાવે, એમ ભજન કરતાં કરતાં દર્પણદર્શન થાય. મને ને તમને ખ્યાલ આવે કે આપણે કેમ છીએ? એ ભજનનો એક મુકામ છે.


પાંચમું દર્શન છે સિદ્ધદર્શન. કેટલા સિદ્ધપુરુષો આપણે ત્યાં થયા છે? એનું જે દર્શન છે એ ભજનને પ્રતાપે થાય. એ ક્રિયાથી પણ થાય, તંત્ર મારગના પથિકો પણ કંઇક એવી સિદ્ધિ પ્રાપ્ત કરતા હશે, મને ખબર નથી! ઘણા માર્ગો છે. પણ મને કહેવા દો કે કેવલ, કેવલ અને કેવલ ભજન દ્વારા સિદ્ધદર્શન થતું હોય છે. ભજન એ કરાવી શકે. આપણને કાંઇક અજવાળું દેખાય. આપણને કાંઇક અનુભવાય. ભજનમાં એ તાકાત છે. અને પાછો સરળ મારગ છે ભજન. આ સરળ મારગ આપણને આટલી મસ્તી આપી શકે, આટલો આનંદ આપી શકે.
અને છેલ્લે શુદ્ધદર્શન. બ્રહ્મને ઉપનિષદકારોએ, શાસ્ત્રોએ શુદ્ધ કહ્યું છે. બ્રહ્મ એટલે શુદ્ધતત્ત્વ. એમાં કોઇ ભેળસેળ નહીં. અમારે એક શરણાનંદજી મહાત્મા હતા. જે. કૃષ્ણમૂર્તિ સાથે જેમનો વાર્તાલાપ થાય. અને શરણાનંદજી ગાડીમાંથી ઊતરે તો કૃષ્ણમૂર્તિ એનો દરવાજો ખોલે! આટલો ફાટલ બાવો! કેવલ ભજન! અને પ્રજ્ઞાચક્ષુ. અખંડાનંદ સરસ્વતીને કોઇએ કહ્યું કે શરણાનંદજી વિશે, એના ભજન વિશે તમારો શું મત છે? કહે, એટલું જ કે મિલાવટવાળું વેદાન્ત સાંભળવું હોય તો અમારી પાસે આવજો અને શુદ્ધ વેદાંત સાંભળવું હોય તો શરણાનંદજી પાસે જજો. બ્રહ્મતત્ત્વ શુદ્ધ છે. એ શુદ્ધતત્ત્વ છે. મને એવું લાગે છે, આપણે પહોંચી શકીએ કે નહીં, એ ખબર નથી પણ ભજન દ્વારા છઠ્ઠું દર્શન પ્રાપ્ત થાય છે ભજનિકોને, ગાનારને ધીરેધીરે, અને એ છે શુદ્ધદર્શન. એ શુદ્ધદર્શન પામ્યા પછી મીરાંએ કહ્યું હશે, ‘દૂસરો ન કોઇ.’ એટલે કે અદ્વૈતનું એકદમ મંડાણ થઇ ગયું. તો ભજનજગતમાં આવાં ખટદર્શનો કહી શકાય, એવું મને લાગે છે. કળિયુગમાં ભજન સિવાય બીજો કોઇ આરો નથી!


ભાયં કુભાયં અનખ આલસહૂં.
નામ જપત મંગલ દિસિ દસહૂં.


એક આદમીને શ્રદ્ધાનું ચિત્ર દોરવું હતું. શ્રદ્ધા વ્યક્તિ તો નથી, એ તો ભાવ છે. ચિત્ર કેમ દોરવું? થયું કે શ્રદ્ધાનું ચિત્ર રહેવા દઇએ. પછી એને થયું કે પ્રેમનું ચિત્ર દોરું. એ પણ આંતર પ્રેમ છે, એક અવસ્થા છે, એ કાંઇ વ્યક્તિ નથી. અને ત્રીજું, વાત્સલ્યનું ચિત્ર દોરવું હતું, પણ કાંઇ સૂઝ્યું નહીં! પછી એમ થયું કે ઘરે ચાલ્યો જાઉં. એ જેવો ઘરે ગયો, તો છોકરાઓ દોડીને ભેટી પડ્યા! એની પત્ની સ્નેહથી આવકારતી હતી અને એનાં મા-બાપે વાત્સલ્યનો હાથ ફેરવ્યો! એને એમ થયું કે જુદાં જુદાં ચિત્રો દોરવાની જરૂર નથી, એક ઘર દોરાઇ જાય તો ત્રણેય આવી જાય! એમ ભજનનું ઘરાનું જો મળી જાય તો બધું આવી ગયું!
(સંકલન : નીતિન વડગામા)
[email protected]

X
article by moraribapu

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી