પૃથ્વી પ્રેમ છે, આકાશ સત્ય છે અને પાતાળ કરુણા છે

article by morari bapu

મોરારિબાપુ

Dec 02, 2018, 12:05 AM IST

યાત્રાઓ અનેક પ્રકારની હોય છે. એક હોય છે શબ્દયાત્રા. શબ્દ સાથે યાત્રા થાય છે. એક હોય છે તીર્થયાત્રા. એક હોય છે જીવનયાત્રા. બધી યાત્રામાં સૌથી શ્રેષ્ઠ હોય છે વિચારયાત્રા.


સોક્રેટિસ વિચારયાત્રાના માણસ હતા. એમના વિશે અનેક લોકોએ લખ્યું અને વિચાર્યું છે. એમના વિચારોનો વધુમાં વધુ સંગ્રહ પ્લેટોએ કર્યો. બીજા ઘણા લોકોએ કર્યો હશે. ગુજરાતી સાહિત્યકાર મનુભાઇ પંચોળી ‘દર્શક’, એમણે ‘સોક્રેટિસ’ નવલકથા લખી. એ સમયે એવોર્ડ પણ પ્રાપ્ત કર્યો. પોતાની રીતે એમણે લખ્યું છે. એ નવલકથામાં એથેન્સની પરિસ્થિતિ, રાજકીય વાતાવરણ, સામાજિક વાતાવરણ વગેરેનું ચિત્રણ છે.

કેટલાક મહાપુરુષ એવા આવ્યા જેમનું રમણ સત્યમાં પણ હતું, પ્રેમમાં પણ હતું; જેમનું રમણ કરુણામાં પણ હતું

પૌરાણિક દેવ-દેવીઓ તો અહીં પણ છે; અહીંની સભ્યતા છે. સોક્રેટિસ કહ્યા કરતા હતા કે હું કોઇને કંઇ આપતો નથી. એનામાં જે હોય છે એનું અનાવરણ કરું છું. કોઇ દાયણ કોઇ સ્ત્રીના ગર્ભમાં બાળક નથી આપી શકતી. ગર્ભ તો ઓલરેડી હોય છે; દાયણ એને ખોલે છે. મારું કામ એ જ છે. કેમ કે મા પાસેથી હું એ શીખ્યો છું. યુવાનોમાં જે પડ્યું છે એને હું ખોલું છું. આ રીત મને સારી લાગે છે.


હમણાં એક સાહિત્યકારની વાત નીકળી હતી. એક વિખ્યાત સાહિત્યકાર પર આક્ષેપ મૂકવામાં આવ્યો કે આ સાહિત્યકાર મોરારિબાપુની અસરમાં બહુ છે! એમણે જવાબ પણ બહુ જ સરસ આપ્યો કે અમે મોરારિબાપુની અસરમાં નથી પણ મોરારિબાપુના સ્નેહમાં અમે છીએ. આ ખરેખર બહુ જ સુંદર વાત છે. મારી વ્યાસપીઠની અસરમાં તમે ન રહેશો. મારી વ્યાસપીઠની મહોબ્બતમાં રહેજો.


અસરમાં તો ઘણા લોકો આવી જાય છે! સાચું કહું તો આ અસરમાં પરાધીનતા છે. કોઇ અસરમાં આવી જાય એ પણ ઠીક નહીં. અને કોઇ અસર પાડવાની કોશિશ કરે એ પણ યોગ્ય નથી. મારું માનવું છે કે વ્યક્તિ સ્વાધીન હોવી જોઇએ. અસરમાં ન આવવું, પ્લીઝ. હું અસર પાડવા નથી આવ્યો. મારું એ કામ નથી. હું તો સ્નેહ કરવા આવ્યો છું. અને સ્નેહ કરવો એ કંઈ ગુનો નથી, પાપ નથી.


મારી અસરમાં આવવાથી શું? મારામાં એવું છે પણ શું? અરે, મારી અસરમાં આવવાનું કોઇ કારણ પણ તો નથી. હું તો બસ તમારા પ્રત્યે ખૂબ જ મમતા રાખું છું. તમે મને આદર આપો છો. અમે આનંદ કરીએ છીએ. તેથી જ કહું છું કે અસરને છોડો. અસર ઊતરતા વાર નથી લાગતી; ચાહે ઝેર હોય કે ચાહે અમૃત હોય.


સોક્રેટિસનું એક વાક્ય મને બહુ જ પ્રિય છે. એક વખતની વાત છે. સોક્રેટિસને એવું કહેવામાં આવ્યું કે જલદી ઝેર પી લો. સોક્રેટિસે કહ્યું, ધીરેધીરે પીવા દો ને યાર! જિંદગી પણ હું ધીરેધીરે જીવ્યો છું, મોત પણ ધીરેધીરે. કેવી આ ફકીરી હતી! શું સોક્રેટિસનો ઇરાદો એવો હતો કે એ મરે નહીં? ના; સોક્રેટિસનું બહુ સુંદર વાક્ય હતું કે હું ધીરેધીરે એટલા માટે પી રહ્યો છું કે ઝેર કે ચડે નહીં અને મરીશ નહીં તો જ્યુરીને ફરી કહીશ, મને પાછું ઝેર આપો. આ વખતે મીરાં યાદ આવે છે. સત્યને કોઇ સરહદ બાંધી શકતી નથી. ક્યાં એથેન્સ ને ક્યાં જૂનાણાં! એક મીરાંએ કહ્યું હતું; આટલાં વર્ષો પછી મીરાંએ કહ્યું હતું. સત્ય માટે જીવવું હોય એમણે તો આમ જ બોલવું જોઇએ -


રાણાજીને કહેજો પાછાં ઝેર મોકલે.
મીરાંબાઇ કરે છે મનવાર.
ઝેરને ઝીરવા જીવણ મારો આવશે;
મને છે એનો એતબાર.


હું સોક્રેટિસની અસરમાં નથી, એની મહોબ્બતમાં છું. એટલા માટે આ વાક્ય મને પ્રિય છે, બચવું નથી, બીજીવાર પી લઇશું. મને એ સારું લાગે છે, જે માણસ હસતાં હસતાં મૃત્યુની પ્રતીક્ષા કરે છે. એ બહુ મુશ્કેલ છે. જેમને એ માફક આવી ગયું હોય એમના માટે એનાથી મંગલમય ઘડી બીજી કોઇ નથી. આ માણસ સૂતો નથી! માણસ મૃત્યુના ભયથી નથી સૂતા હોતા. આ માણસ મૃત્યુની પ્રતીક્ષામાં નથી સૂતો! ક્યારે આવે, જરા પીઓ તો ખરા! એનો ટેસ્ટ કેવો છે, જરા જોઇએ તો ખરા! દુનિયામાં લોકો ઝેર-ઝેર કરે છે, એ શું છે? જરા જોઇએ તો ખરા! કોઇની અસરમાં ન આવવું. લોકો એમ જ બોલ ફેંકે છે કે મોરારિબાપુ પાસે જાય છે, એમની અસરમાં છે! નહીં, નહીં, નહીં, ન હું કોઇની અસરમાં છું કે ન કોઇ મારી અસરમાં. અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ.


ગાય આપણને દૂધ આપે છે. ગાય આપણને ગોબર આપે છે. ગાયને આપણે માતા કહીએ છીએ. છતાં પણ આપણે ગાયને બહાર કેમ રાખીએ છીએ? ઘરમાં કેમ નથી રાખતા? આંગણામાં છાપરું બનાવી દઇએ છીએ. કૂતરો દૂધ આપે છે? કૂતરાનું મળ કોઇ ઉપયોગમાં આવે છે? કૂતરાને આપણે દેવ કહીએ છીએ? છતાં પણ કૂતરાને આપણે ઘરમાં શું કામ રાખીએ છીએ? શું કામ લોકો એને ગોદમાં બેસાડે છે? અરે, કોઇ મહાનુભાવ તો એટલા બધા પશુપ્રેમી હોય છે કે કૂતરાને પોતાની સાથે સુવડાવે છે! કારણ શું છે? એક જ કારણ છે, ગાય પૂંછડી નથી હલાવતી, કૂતરું પૂંછડી હલાવે છે. પૂંછડી હલાવનારા અસરમાં છે, દૂધ પિવડાવનારા મહોબ્બતમાં છે. ચાહે રાજકારણી હોય, ધર્મવાળા હોય કે બીજા કોઇ હોય. ગાય એની નિજતામાં છે.


મનુષ્ય કેવો હોવો જોઇએ? માણસ નિજતંત્ર હોવો જોઇએ. કોઇ કોઇની અસરમાં ન હોય. બધા એકબીજાના સ્નેહમાં સિક્ત હોય. આપણે ત્રણ લોક કોને કહીએ છીએ? સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ. આપણે ત્રિભુવન કહીએ છીએ. તો સ્વર્ગ
એટલે જે ઉપર હોય. સ્વર્ગ શું છે એની મને ખબર નથી. પરંતુ સ્વર્ગ એટલે આકાશ. આકાશ સત્ય છે. કંઇ છે એ સત્ય નથી. કંઇ પણ નથી એ સત્ય છે. જરા અઘરું છે એ સત્ય નથી, કેમ કે સૂરજ ખતમ થઇ જશે. ચાંદ ચાલ્યો જશે. સર્વોચ્ચ સત્ય કંઇ નથી એ છે. એટલા માટે સર્વોચ્ચ સત્ય આકાશ છે. પૌરાણિકોએ એને સ્વર્ગ એવું નામ આપી દીધું. વૈષ્ણવોએ એને વૈકુંઠ નામ આપ્યું. રામ ઉપાસકોએ એને સાકેતધામ નામ આપી દીધું. કૃષ્ણ ઉપાસકોએ એને ગોલોક નામ આપી દીધું. અને મારી સમજ મુજબ પૃથ્વી છે પ્રેમ. પ્રેમ પૃથ્વી પર જ થાય છે. કોઇ થોડાક સ્પેસમાં જાય તો એકબીજાને ગળે પણ નથી મળી શકતા!


આકાશ સત્ય છે, પૃથ્વી પ્રેમ છે અને પાતાળ કરુણા છે. કરુણા જેવું ઊંડાણ કોઇનું નથી હોઇ શકતું. એને આપણે પામી શકતા નથી. કોઇ કોઇ મહાપુરુષ આપણી પાસે એવા આવ્યા; જેમ કે નારદ આવ્યા એ સ્વર્ગમાં પણ જતા હતા; પૃથ્વી પર પણ આવતા હતા અને પાતાળમાં પણ જતા હતા. કેટલાક મહાપુરુષ એવા આવ્યા જેમનું રમણ સત્યમાં પણ હતું; જેમનું રમણ પ્રેમમાં પણ હતું; જેમનું રમણ કરુણામાં પણ હતું.
(સંકલન : નીિતન વડગામા)
[email protected]

X
article by morari bapu

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી