પરમતત્ત્વ પરમ યોગી પણ હોય છે અને પરમ ભોગી પણ હોય છે

article by morari bapu

મોરારિબાપુ

Sep 30, 2018, 12:05 AM IST

હું બહુ જ વિનમ્રતાથી કહેવા માગું છું કે કોઇએ નથી કહ્યું એવું ‘રામચરિત માનસે’ કહ્યું છે. આપણે શોધી નથી શક્યા. આ હું ગાઉં છું. પરંતુ આપણે તો એક પ્રાણી છીએ, જંતુ છીએ! આપણે કોણ ગાવાવાળા? હજી તો હું સૂર મેળવી રહ્યો છું. હજી તો મંગલાચરણ કરી રહ્યો છું.

હજી તો આ ભૂમિકા છે. અને જેમ જેમ ત્રિભુવન ગુરુની કૃપાથી ગાઇ રહ્યો છું તેમ તેમ લાગે છે કે શાસ્ત્ર બહુ જ ગહન છે. અને જો કોઇ સમજાવનારું મળી જાય તો એટલું જ સરળ છે. બહુ જ ગુપ્ત-પ્રગટ રત્નોથી ભરેલો આ રત્નાકર છે.

જ્ઞાનનો ખતરો છે અહંકાર. જે મહાપુરુષોને જ્ઞાનની સાચી ઉપલબ્ધિ થઇ ગઇ છે એમના માટે જ્ઞાન જેવું બીજું કંઇ પવિત્ર નથી. જ્ઞાન મુક્તિદાતા છે

હું અવારનવાર કહું છું કે દેવતાઓએ અને દાનવોએ સમુદ્રમંથન કર્યું પરંતુ દ્વેષ અને ઇર્ષ્યાથી કર્યું એટલે ચૌદ રત્નો નીકળ્યાં. જો સ્પર્ધામુક્ત અને દ્વેષમુક્ત સમુદ્રમંથન થયું હોત તો સમુદ્રમાંથી અનંત રત્નો નીકળ્યા હોત. બધાં શાસ્ત્રોને આદર આપીને ‘માનસ’નું મંથન કરીએ છીએ તો એમાંથી અગણિત રત્નો નીકળે છે. મારે સિદ્ધાંત રજૂ નથી કરવો. મારે વિચાર જરૂર રજૂ કરવો છે. શ્રી હનુમાનજી મહારાજનું એક રૂપ છે મહાવીર. જે પરમતત્ત્વ છે એ પરમ યોગી પણ હોય છે અને પરમ ભોગી પણ હોય છે. એનું પ્રમાણ ‘રામચરિત માનસ’માં છે. ભગવાન રામ પણ પરમતત્ત્વ છે. ભગવાન કૃષ્ણ પણ પરમતત્ત્વ છે. પરમતત્ત્વ પરમ યોગી છે, પરમ ભોગી છે. પરંતુ આપણા જેવા એમના ભોગ નથી હોતા.


ભવાનીશંકરૌ વન્દે શ્રદ્ધાવિશ્વાસરૂપિણૌ.
પરંતુ જ્યાં સુધી પૃથ્વી પર રામકથા ચાલતી રહે ત્યાં સુધી હું ધરતી ન છોડું, એવી શ્રી હનુમાનજી મહારાજની એક સકામતા તો છે જ. જાનકીનાં દર્શન કર્યા બાદ તેઓ કહે છે, મને ભૂખ લાગી છે. કોઇ પણ ભૂખ કે કોઇ પણ તરસ સકામતા છે. પરંતુ માનાં દર્શન કર્યા બાદ જો ભૂખ લાગે તો એ સકામતા વંદ્ય છે, નિંદ્ય નથી. બાપ અને માની વચ્ચે એટલો ફરક હોય છે. બાપ એવું પૂછશે, કોલેજ જઇ આવ્યો? ફેક્ટરી બરાબર ચાલે છે ને? જ્યારે મા પૂછશે, ખાધું કે નહીં? હનુમાનજી ભૂખ્યા છે. જાનકીએ પૂછ્યું કે તું આટલી લાંબી યાત્રા કરીને આવ્યો, એમાં કોઇ પાસે તેં ખાવાનું ન માગ્યું અને મારી પાસે જ કેમ માગ્યું? હનુમાનજી બોલ્યા, મા, રસ્તામાં જેટલા મળ્યા એ ખવડાવનારા ન હતા, એ બધા ખાવાવાળા હતા! બીજા લોકો તો ખાવા માટે જ બેઠા છે! મા, તું જ એક મા છે જે તૃપ્ત કરે છે, જે ખાવાનું આપે છે.


‘સુન્દરકાંડ’માં કહી દીધું, ‘તાત મધુર ફલ ખાહુ.’ ખાઓ પરંતુ મધુર કરીને ખાઓ. એનો શું મતલબ? એટલે કે ‘રઘુપતિ ચરન હૃદય ધરિ’; ઠાકોરજીને ભોગ ધર્યા પછી જ વસ્તુ મધુર બને છે. એના પહેલાં મધુર નથી હોતી. ઠાકુરને હૃદયમાં ધરીને ખાવાથી વસ્તુ મધુર થઇ જશે. ફળ ખાધા પછી હનુમાનજીએ ત્રણ કામ કર્યાં. પહેલું, રાક્ષસોને માર્યા. બીજું, જે ફળ આપતાં હતાં એ જ વૃક્ષોને તોડ્યાં. ત્રીજું, લંકા બાળી. સમયાંતરે કોઇએ હનુમાનજને પૂછ્યું કે માએ તો માત્ર ફળ ખાવાનું કહ્યું હતું; બાકીનાં કામ આજ્ઞા લીધા વિના કર્યાં? માએ તો એ કરવાનું નહોતું કહ્યું, તો બોલ્યા, એ ફળ ખાવાનું ફળ હતું. જે ભક્તિનું ફળ ખાઇ જાય છે એ મોહનું વૃક્ષ ઉખેડી નાખે છે. એ દુર્ગુણોનો નાશ કરે છે અને પ્રવૃત્તિની લંકામાં આગ લગાવી દે છે. આ ત્રિભુવન-દર્શન છે. બહુ જૂનું દર્શન છે. કોઇ સકામ ભક્તિ પણ અદ્્ભુત છે! મને ભૂખ લાગી. મને તરસ લાગી. ‘અખિયાં હરિદર્શન કી પ્યાસી.’ નિષ્કામતા અદ્્ભુત છે.


હું થોડો ‘ભાગવત’માં પ્રવેશ કરું. કંસના કારાગૃહમાં નંદ અને વાસુદેવ-દેવકીને કૃષ્ણ ક્યારે મળ્યા? જેટલાં બાળકોને દેવકીએ જન્મ આપ્યો એ બધાંને કંસે મારી નાખ્યાં. આપણા જીવનમાં શું થાય છે? જેટલા સદ્્ગુણ જન્મે છે કે તરત જ કંસરૂપી દુર્ગુણ એ સદ્્ગુણને મારી નાખે છે. એક દિવસ કથા સાંભળી, એક સદ્્ગુણ જન્મ્યો. અને અહીં કંસ હાજર છે. દ્વેષ, પાખંડ, કપટ એ બધા કંસરૂપી દુર્ગુણો સદ્્ગુણોને પકડી પકડીને ખતમ કરી નાખે છે. અને એટલા સંતાનોનાં મૃત્યુ થયા પછી કૃષ્ણ આવે છે. જ્ઞાનનો ખતરો છે અહંકાર. જે મહાપુરુષોને જ્ઞાનની સાચી ઉપલબ્ધિ થઇ ગઇ છે એમના માટે જ્ઞાન જેવું બીજું કંઇ પવિત્ર નથી. જ્ઞાન મુક્તિદાતા છે. એ બધું ઠીક છે. પરંતુ ક્યારેક ક્યારેક આપણને ક્યાં પૂર્ણ જ્ઞાન થાય છે? એટલા માટે જ્ઞાનની પરિભાષા કરતાં તુલસીદર્શનમાં આવ્યું છે, ‘જ્ઞાન માન જહાં એકઉ નાહી.’ જ્યાં એકમાત્ર પણ અહંકાર નથી. નથી વૈરાગ્યનો, નથી આસક્તિનો, નથી નિષ્કામતાનો. લોકો તુલના કરે છે કે દ્રૌપદી વધારે ઓજસ્વિની છે કે જાનકી? જાનકી તેજસ્વિની નથી?

અશોકવાટિકામાં એક અબળા બંદી છે. દશાનન ઠાઠમાઠથી આવે છે. ત્યારે જાનકી કહે છે, ‘સુનુ દસમુખ ખદ્યોત પ્રકાસા.’ ત્યાં તેજસ્વિની જાનકી છે. એ કહે છે, ‘રાવણ, આગિયાના પ્રકાશથી ક્યારેય નલિની વિકસિત નથી થતી. સૂના આશ્રમમાંથી મારું અપહરણ કરવાથી હે અધમ, તને શરમ નથી આવતી! કેટલી તેજસ્વિની છે મારી મા! તું ધરતીમાંથી જન્મી છે. તારી તેજસ્વિતા દ્રૌપદી જેવી નહીં હોવી જોઇએ. દ્રૌપદી અગ્નિમાંથી પ્રગટવાને કારણે આગ-આગ-આગ! અને દ્રૌપદી પણ વચ્ચે શાંત થાય છે. પરંતુ લોકો કહે છે, દ્રૌપદી જેવું થવું જોઇએ.’


ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનું નિવેદન છે કે ‘મહાભારત’ જેવું છે એની વાત કરે છે; ‘રામાયણ’ જેવા થવું જોઇએ એની વાત કરે છે. અલબત્ત, જાનકી અને દ્રૌપદી બંને મહાન છે પરંતુ નિવેદન કરતાં પહેલાં વિચારજો; પહેલાં સાવધાન રહેશો. તાળીઓ ઉઘરાવવી સહેલી છે. દ્રૌપદી ગમે તેટલી મહાન હોય, પરંતુ એ નરની પત્ની છે. જાનકી નારાયણની પત્ની છે. જોકે નર-નારાયણ બંને મહાન છે. અર્જુન નર છે. મારા રામ નારાયણ છે. બંને વચ્ચે દેખીતું અંતર છે, છતાં પણ બંને મહાન છે. પરંતુ દ્રૌપદીને આદર્શ બનાવવાનો આજકાલ સિલસિલો શરૂ થયો છે! જાનકીજીની તેજસ્વિતા, ઓજસ્વિતા અને એનું ધૈર્ય કેવું છે! કેટલાક કહે છે, દ્રૌપદી સહન નથી કરતી, જાનકી બહુ સહન કરે છે. માતૃશક્તિ શા માટે સહન ન કરે? તમે સહન કરવાની લાખ મનાઇ કરો, પરંતુ તમારા જિન્સમાં સહનશીલતા હશે તો તમે જશો ક્યાં? અહીં મારું કહેવાનું એ જ છે કે બુદ્ધપુરુષની સકામતા પણ અદ્્ભુત હોય છે અને એમની નિષ્કામતા વિનમ્ર હોય છે. એમની સકામતા પરમની પ્રાપ્તિ માટે હોય છે. અને નિષ્કામતાનો ઘમંડ એમના જીવનમાં નથી દેખાતો.

(સંકલન : નીિતન વડગામા)
[email protected]

X
article by morari bapu

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી