વિશ્વાસ શંકરથી પ્રિય શંકર સુધીની આપણી યાત્રા થઈ રહી છે

article by morari bapu

મોરારિબાપુ

Sep 09, 2018, 12:05 AM IST

‘રામચરિત માનસ’ના ‘ઉત્તરકાંડ’ના મંગલાચરણના શ્લોકમાં શંકરની એક મૂર્તિનો ઉલ્લેખ છે-


કુન્દઇન્દુદર ગૌર સુન્દરં
અમ્બિકાપતિમભીષ્ટસિદ્ધિમ્.
કારુણીકકલકંજલોચનં
નૌમિ શંકરમનંગમોચનમ્.


ત્યાં ભગવાન શંકરની એક સાતમી મૂર્તિનું દર્શન છે. શંકર કેવા છે? શંકર ગૌર છે અને પાર્વતીના પતિ અભીષ્ટ વરદાન દેનારા છે, અભીષ્ટ સિદ્ધિ દેનારા છે. આ મૂર્તિનું નામાભિધાન મારી વ્યાસપીઠ કરે છે કારુણિક શંકર, શિવનું રૂપ કેવું છે? ગૌર વર્ણ કેવો છે? એના માટે બે ઉપમા આપવામાં આવી-કુન્દ, ઇન્દુ. કુન્દ એક પુષ્પનું નામ છે, જે સફેદ હોય છે. અને તુલસીને ભગવાન શંકરના વિગ્રહને ગૌર કહેવાય છે એટલા માટે એક તો કહ્યું કે કુન્દ પુષ્પ જેવા ગૌર છે. પરંતુ ગોસ્વામીજીને સંતોષ ન થયો. એટલે ગૌર શરીર માટે એક બીજો શબ્દ યોજ્યો ‘ઇન્દુ.’ ઇન્દુ એટલે કે ચંદ્ર ગૌર છે. તો ગૌર પુષ્પની માફક અને ચંદ્રમાની માફક જેમનું શરીર સુંદર છે. અને જગતની માતા અંબિકા, જગદંબા, પરામ્બા, પાર્વતીના પતિ છે, જે અભીષ્ટ વરદાન આપનારા છે, સિદ્ધિ આપનારા છે. આગળ કહે છે, એ કારુણિક છે. ‘વિનયપત્રિકા’માં તુલસી કહે ‘કારુણિક રઘુરાઇ.’ ત્યાં પણ ‘કારુણિક’ શબ્દ આવ્યો. કારુણિકનો અર્થ છે કૃપાલુ, કરુણામય, કરુણારૂપ.

કોઈ પણ પ્રિયતા આખરે આત્માને કારણે હોય છે. શિવ છે જગદાત્મા. જગતનો આત્મા મહાદેવ છે. આખા જગતનો આત્મા છે શિવ

આપણા શરીરનાં અંગોમાં અમુક વસ્તુ વસે છે. જે આપણી ઇન્દ્રિયો છે એ પ્રત્યેક ઇન્દ્રિયમાં એક-અેક ચીજ વસે છે. દયાનું તત્ત્વ છે એ માણસના મનમાં વસે છે. પ્રેમ, મહોબ્બત, પ્યાર એ માણસના દિલમાં વસે છે. સત્ય જીભમાં રહે છે. અને મારે કહેવું છે એ કે કરુણા કેવળ, કેવળ અને કેવળ બુદ્ધપુરુષની આંખમાં રહે છે. એટલા માટે તુલસી કહે છે-


કારુણીકકલકંજલોચનં
નૌમિ શંકરમનંગમોચનમ્.


શા માટે તુલસીએ અહીં ‘કલકંજલોચનં’ કહ્યું? અસંગ આંખમાં કરુણા નિવાસ કરે છે. આંખ છે કમળ. તો ગોસ્વામીજીના શબ્દો અનુસાર અને મારી ધારણા અનુસાર કરુણા આંખોમાં નિવાસ કરે છે. કરુણા શિવની હોય કે જીવની, ગુરુની હોય કે કોઇપણ હોય, કરુણાનું નિવાસસ્થાન છે માણસની આંખો. પરંતુ શરત એટલી કે એ ‘કલકંજલોચન’ હોવાં જોઇએ. એ આંખ નિર્મળ હોવી જોઇએ. પક્ષપાતી આંખોમાં કરુણા નથી રહેતી. આપણી આંખો પક્ષપાતી પણ હોય છે. ત્યારે એમાં કરુણા નથી હોતી, હોશિયારી હોય છે, હિસાબ હોય છે, ગણતરી હોય છે! તમારે ભજનનો આનંદ લેવો હોય તો હોશિયારી છોડી દો. કરુણા, કૃપા કોને મળે છે? જે મન, કર્મ, વચનથી હોશિયારી છોડી દે છે એમને મળે છે.


તો ભગવાન શંકરની કારુણિક મૂર્તિ છે. અને ભગવાન શંકર તો કરુણાવતારમ્ છે. અને કારુણિક શંકર શું કરે છે? ‘અનંગમોચનમ્.’ મોચનનો અર્થ નાશ કરવો એટલો જ ન કરશો. મોચનનો અર્થ સમાજમાં પ્રસ્થાપિત કરવું એવો પણ થાય છે. આપણે એક જ અર્થ સમજ્યા છીએ કે મોચન એટલે મિટાવવું. ‘અનંગમોચનમ્’માં કામને મિટાવવાની વાત નથી, કામને પુન:સ્થાપિત પણ કરવાની વાત છે. ‘અનંગમોચન’નો અર્થ કામદહન એટલો જ નથી. શંકરે કામને બાળી નાખ્યો હોત અને પછી પ્રસ્થાપિત ન કર્યો હોત તો આપણે કોઇ હોત જ નહીં! પરંતુ શંકરે કામને સ્થાપિત કર્યો. કામની મૂળ પ્રકૃતિમાં પ્રગટીકરણ કર્યું.


ભગવાન શંકરની આઠમી મૂર્તિ છે પ્રિય શંકર. ‘પ્રિય શંકરં સર્વનાથં ભજામિ.’ વિશ્વાસ શંકરથી પ્રિય શંકર સુધીની આપણી યાત્રા થઇ રહી છે. તો શંકરનું આખરી રૂપ પ્રિય શંકર. આ પરમતત્ત્વ આપણને પ્રિય લાગે. શંકર આપણને પ્રિય લાગે. ઉપનિષદ કહે છે, ભાઇને એનો ભાઇ સંબંધને કારણે પ્રિય નથી, આત્માને કારણે પ્રિય છે. પત્ની પતિને પત્ની હોવાને કારણે પ્રિય નથી, આત્માને કારણે પ્રિય છે. ગુરુ શિષ્યને અને શિષ્ય ગુરુને એ સંબંધને કારણે પ્રિય નથી, આત્માને કારણે પ્રિય છે. તો શંકર આપણને ઉમાનાથને કારણે તો પ્રિય છે, ભવાનીપતિને કારણે તો પ્રિય છે, અંબિકાપતિને કારણે તો પ્રિય છે, સ્વયંભૂના રૂપને કારણે તો પ્રિય છે પરંતુ ઉપનિષદના ન્યાયે કહું તો શિવ પ્રિય છે આત્માને કારણે. કેમ કે જગદ્્ગુરુ કહે છે, હે મહાદેવ, તું મારો આત્મા છે. કોઇ પણ પ્રિયતા આખરે આત્માને કારણે હોય છે. શિવ છે જગદાત્મા. મહેશ. જગતનો આત્મા મહાદેવ છે. આખા જગતનો આત્મા છે શિવ.


પ્રેમ ત્રણ રીતે થાય છે. એક તો પ્રેમ શરીરથી થાય છે. શરીરનું આકર્ષણ થોડો પ્રેમ પ્રગટ કરી દે છે. પછી મનભાવન વસ્તુ જોવામાં મન કેન્દ્ર બને છે. અને મનભાવન પ્રત્યે થોડી પ્રિયતા શરૂ થઇ જાય છે. ત્યાર બાદ બુદ્ધિની ગણતરીમાં પોતાનો સ્વાર્થ સફળ થાય છે ત્યારે ઉપરઉપરનો રાગ શરૂ થઇ જાય છે. પરંતુ આખરી પ્રિયતા તો આત્માને કારણે જ થતી રહે છે. મારી સમજ મુજબ કોઇ પણ વ્યક્તિ ત્રણ કારણે પ્રિય લાગે છે. એક તો આસક્તિને કારણે પ્રિય લાગે છે.

પરંતુ આસક્તિ એક પ્રકારનો વિકાર હોય છે અને વિકાર ક્યારેય શાશ્વત નથી હોતો. એ નાશવંત હોય છે. એટલે આસક્તિથી શરૂ થયેલી પ્રિયતા કાયમી નથી હોતી. પરંતુ આસક્તિથી પ્રિયતા તરફ જવું એ ખરાબ બાબત નથી. આસક્તિ પ્રિયતા જન્માવે છે. બીજી પ્રિયતા જન્માવે છે ભક્તિ. જેમના પ્રત્યે આપણને ભક્તિ હોય છે એ પ્રિય લાગવા માંડે છે. રાષ્ટ્ર પ્રિય લાગે છે રાષ્ટ્રભક્તિના કારણે. ત્રીજું પ્રિયતાનું કારણ છે મસ્તી. કોઇ માણસ મસ્તી કરે છે તો સારું લાગે છે. કોઇ મોટા ધર્મગુરુ આમ ગંભીર ન હોય, ન કોઇ હાસ્ય-વિનોદ હોય તો આપણને થાય કે ક્યાં જેલમાં આવી ગયાં? પરંતુ કોઇ મસ્ત ફકીર મળી જાય તો ગમે છે. કબીરની બોલીમાં કહું તો કોઇ મુસ્કુરાતા મહાત્મા મળી જાય તો એમની મસ્તી જોઇને આનંદ આવે છે. માણસ મસ્તીમાં રહેવો જોઇએ. મસ્તીમાં જીવો. પ્રિયતાનું એક કારણ છે મસ્તી. તો આસક્તિ, ભક્તિ અને મસ્તી પ્રિયતાનાં કારણો છે. એવી પ્રિયતા શંકર જાણે છે. શંકર આપણને પ્રિય છે. તો શિવનું આ પ્રિય રૂપ આઠમી મૂર્તિ છે.

(સંકલન : નીતિન વડગામા)
[email protected]

X
article by morari bapu

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી