સમાન ઘરમાં પણ વાસ્તુદોષ હોઈ શકે!

article by mayank raval

મયંક રાવલ

Nov 29, 2018, 12:05 AM IST

નવા વરસમાં બોણી જ નથી થઇ અને ખર્ચા તો મારા ભાઈ થોડા જ બંધ થવાના છે? આવું સાંભળ્યા પછી જરૂર વિચાર આવે કે દિવાળી પહેલાં કઈ ફેરફાર કરાવ્યા હતા? તહેવાર આવે એટલે ઘરમાં નાના-મોટા ફેરફાર તો થયા જ હોય ને? પણ જો એમાંથી કોઈ એવો ફેરફાર થઇ જાય કે જે ઘરની ઊર્જા માટે નકારાત્મક હોય તો તે વાતાવરણ બદલી શકે છે. આમને ત્યાં નવો પલંગ આવ્યો એટલે જગ્યા ઓછી પડવાથી તિજોરીનું સ્થાન બદલાઈ ગયું હતું.

વળી તે ઉપરાંત દુકાનમાં પણ નવું વોટર ડિસ્પેન્સર આવતા તે તિજોરીની ઉપર મૂકવામાં આવેલું હતું અને નૈઋત્યમાં આવેલ વડવાઓના ફોટા જગ્યા ઓછી પડતા દેવસ્થાનમાં મૂકી દીધા હતા. આમ સામાન્ય લાગતા ફેરફારોથી પણ તેમના જીવનમાં ફેરફાર તો આવ્યા જ. આપણે ત્યાં એવું કહેવાય છે કે શાંત પાણીમાં પથરા ન નંખાય. જો તમે સુખી છો તો તમારે કોઈ પણ વાસ્તુ નિષ્ણાતની જરૂર નથી. અમુક એવા લોકોને હું મળેલો છુ કે જેઓનાં ઘર મ્યુઝિયમ જેવાં બની ગયાં હોય. જ્યાંથી જે મળ્યું તે લાવીને રાખી દીધું હોય અને તો પણ સમસ્યા તો હોય જ.

ભારતીય વાસ્તુને વિજ્ઞાનની રીતે સમજવું જરૂરી છે. વિવિધ મંત્ર જો સાચા ઉચ્ચારણથી કરવામાં આવે તો ચોક્કસ ઊર્જામાં વધારો થાય છે. આ જ રીતે દરેક ઘરને અનુરૂપ આંતરિક વ્યવસ્થા કરવામાં આવે તો તે લાભપ્રદ રહે છે

દરેક ઘરની પરિસ્થિતિ અલગ હોય તો પછી તેના માટેની સલાહ પણ અલગ હોય ને? જેમ ડોક્ટર અલગ અલગ બીમારી માટે અલગ દવા આપે છે અને તેના માટે જરૂરી પરેજી પણ સમજાવે તેવું જ વાસ્તુના નિયમોમાં બની શકે. આનું મુખ્ય કારણ છે વાસ્તુનું ગણિત. એક મકાનમાં ઇશાનનો ભાગ માત્ર લંબાઈના નવમા ભાગ સુધી જ બહાર હોય અને અન્યમાં લંબાઈના ત્રીજા ભાગ સુધીનો ભાગ બહાર હોય તો તે બંનેની અસર અલગ હોઈ શકે. બે સરખાં લાગતાં મકાન પણ તેની આંતરિક વ્યવસ્થાના લીધે અલગ હોઈ શકે.


આર્થિક સમસ્યા કોઈ માત્ર એક કારણથી જ આવે તેવું પણ ન કહી શકાય. તેથી જ જે તે મકાનનો બારીકાઇપૂર્વકનો અભ્યાસ જરૂરી છે. બેંગ્લોરમાં બે ભાઈઓના મકાન એક સમાન બનાવવામાં આવેલાં હતાં. બંને ઘરમાં ગયા પછી એકને ઘર ફળ્યું અને બીજાને સમસ્યાઓ વધી. એક સમાન લાગતા આ ઘરમાં એક દીવાલ કોમન હતી. જેને ઘર ફળ્યું તેની દક્ષિણની દીવાલ બીજા ભાઈની ઉત્તરની દીવાલ બનતી હતી. નકશો બનાવતી વખતે સામાન્ય લાગતી બાબત હતી, પણ તેની અસર થયા બાદ તે સમજાયું. આ જ ઘરમાં એકના રસોડામાં ક્રોસ વેન્ટિલેસન મળતું હતું અને અન્યના ઘરમાં નહોતું મળતું. તેથી નારીને પણ રસોઈમાં મજા નહોતી આવતી. સારા હવા-ઉજાસ પણ ઘરની ઊર્જાનો ભાગ છે. ઉત્તર મધ્યનો દોષ પણ સમસ્યા આપે છે.


ભારતીય વાસ્તુને માત્ર ધર્મની રીતે ન જોતા વિજ્ઞાનની રીતે સમજવું જરૂરી છે. મેનુમાં ફોટા જોઈને આપણું પેટ ભરાઈ નથી જતું કે પૈસાના ફોટોગ્રાફ લગાવવાથી લક્ષ્મી પ્રાપ્ત નથી થતી તેવો મારો મત છે. હા વિવિધ મંત્ર જો સાચા ઉચ્ચારણથી કરવામાં આવે તો ચોક્કસ ઊર્જામાં વધારો થાય છે. આ જ રીતે દરેક ઘરને અનુરૂપ આંતરિક વ્યવસ્થા કરવામાં આવે તો તે લાભપ્રદ રહે છે. આ ઉપરાંત યોગ્ય રંગો અને વનસ્પતિ પણ ઘર અને વ્યક્તિની ઊર્જા વધારવામાં મદદરૂપ થાય છે.

[email protected]

X
article by mayank raval

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી