Back કથા સરિતા
Home » Rasdhar » 15 યુદ્ધોની કથા
15 યુદ્ધોની કથા
અરુણ વાઘેલા

અરુણ વાઘેલા

ઈતિહાસ (પ્રકરણ - 89)
લેખક ગુજરાત યુનિવર્સિટી ઈતિહાસ વિભાગમાં પ્રાધ્યાપક છે અને ભારતીય ઈતિહાસના અભ્યાસી છે.
પ્રકરણ-25

મહમૂદ બેગડાનાં યુદ્ધો - 6 (રાણપુરનું યુદ્ધ)

  • પ્રકાશન તારીખ07 Aug 2018
  •  

જુનાગઢ પર જય પ્રાપ્ત કરી અને દ્વારકાને ધમરોલી સુલતાન મહમૂદ બેગડો અમદાવાદ પરત ફર્યો અને ત્યાં જ તરતની ઘટના બની રાણપુરનું યુદ્ધ. બેગડાના સમયમાં એટલાં બધાં યુદ્ધ થયાં હતાં કે ખુદ સૈનિકો
થાકી ગયા હતા, પણ સુલતાનની મહત્વાકાંક્ષા અને આન- બાન -શાન જાળવી રાખવા તેમણે કમને પણ કરવું તો પડે જ. એક પૂરું થાય અને બીજું યુદ્ધ આવી પડે ! રાણપુરનું યુદ્ધ પણ તેનો એક નમૂનો.

રાણપુર એટલે સૌરાષ્ટ્ર અને ગુજરાતના સીમાડા પર આવેલું રાજ્ય હતું. તેની સાથે મહમૂદ બેગડાએ કરેલા યુદ્ધનાં કારણો અગાઉનાં યુદ્ધો કરતાં સાવ નોખાં હતાં અને કેટલાંક તો ગળે પણ ન ઊતરે તેવાં હતાં. રાણપુરનો રાજા રાણજી ગોહેલ હતો અને સગપણમાં તે સુલતાન મહમૂદ બેગડાનો સાઢુભાઈ થતો હતો. એક વખત રાજપૂત બેગમ યાને મહમૂદની પત્ની પોતાના પિયર ગઈ. ત્યાં રાણજીની પત્નીની બહેન હોવા છતાં બેગમ સાથે જમવા બેસવાની ઈચ્છા ન હતી, પણ બહેન સુલતાનની બેગમ હોવાથી સીધે સીધું તો કહેવાય નહીં. તેથી તેણે નુસખો કર્યો અને બહેનને કહ્યું કે તમે તો ગુજરાતના સુલતાનનાં પત્ની અને મારા ધણી તમારા ખંડિયા રાજા છે. તમારો દરજ્જો ઊંચો, અમારો નીચો. અમે તમારી સાથે જમી ન શકીએ.

મહમૂદ બેગડાના સમયમાં એટલાં બધાં યુદ્ધ થયાં હતાં કે ખુદ સૈનિકો થાકી ગયા હતા, પણ સુલતાનની મહત્વાકાંક્ષા અને આન- બાન -શાન જાળવી રાખવા તેમણે કમને પણ કરવું તો પડે જ.

મહમૂદપત્ની રાજપુતાણીને કારણ ગળે ન ઊતર્યું. તેણે અમદાવાદ આવી પતિ મહમૂદને પિયરમાં બનેલી ઘટના જણાવી, તો મહમૂદે રાણજીને પત્ની સાથે જમવા માટે અમદાવાદ આવવા નોતરું દીધું. રાણજીએ ઘણી આનાકાની કરી, પણ ગુજરાતના સુલતાન આગળ તેનું શું ચાલે? તેણે અમદાવાદ જવું પડ્યું, અને સુલતાનને તેમના આ ધાર્મિક મતભેદોની ખબર પડી ગઈ હતી. એટલે રાણજી ગોહેલ અને તેનાં પત્ની પર સકંજો કસ્યો. આખરે યેનકેન પ્રકારે પત્નીને છોડાવી પરત લઇ આવ્યો.

આવી જ બીજી લોકવાયકામાં એમ કહેવાય છે કે મક્કાની હજ માટે જતી એક મુસ્લિમ સ્ત્રી રાણપુરમાં પુત્ર સાથે રાતવાસો કરવા રોકાઈ. પ્રભાત થતા જ નમાઝનો સમય થતાં તેના બાળકે બાંગ પોકારી. બાંગ
સાંભળી રાણપુરના બ્રાહ્મણોમાં ખળભળાટ મચી ગયો. બાળકની બાંગમાં બ્રાહ્મણોને રાણપુરમાં મુસ્લિમ શાસનની એંધાણી વર્તાઈ. આ પછી રાજા રાણજી ગોહેલે બાળકને મારી નાંખ્યું. તેની ફરિયાદ લઇ બાળકની માતા અમદાવાદમાં સુલતાન પાસે ગઈ. તેના ગુસ્સાનો પાર ન રહ્યો અને રાણપુર પર હુમલો કરવા ફોજ
તૈયાર કરી.

રાણપુરના યુદ્ધનાં બંને કારણોમાં પહેલું કારણ સત્યથી નજીક લાગે છે અને બાળકને મારી નાંખવાવાળી વાતમાં કઈ વજૂદ જણાતું નથી કારણકે જમવાવાળી વાતમાં વધુ દમ અને સમયના સંદર્ભમાં તાર્કિક પણ જણાય છે.

મહમૂદ બેગડા અને રાણજી ગોહેલની સેનાઓ વચ્ચે ધંધુકા મુકામે જબરી લડાઈ થઇ. રાણજી ગોહેલ લાંબી ઝીંક ન ઝીલી શક્યો અને પીછેહઠ કરી રાણપુર પરત ફર્યો.

કારણ જે હોય તે, અને આમ પણ સામ્રાજ્યવાદી માનસના લોકો માટે કારણોની ક્યાં જરૂર હોય છે ? તાત્કાલિક મહમૂદ બેગડાએ પોતાના સેનાપતિ ભંડારી ખાનને રાણપુર જીતવા મોકલ્યો. બંને સેના વચ્ચે ધંધુકા મુકામે જબરી લડાઈ થઇ. રાણજી ગોહેલ લાંબી ઝીંક ન ઝીલી શક્યો અને પીછેહઠ કરી રાણપુર પરત ફર્યો. રાણજીએ પરિસ્થિતિનો ક્યાસ કાઢી લીધો હતો. તે સીધો રાણીવાસમાં આવ્યો અને સહુને કહ્યું કે કિલ્લા પર આપણો ઝંડો ફરકતો દેખાય ત્યાં સુધી સમજવું કે અમે હયાત છીએ અને ઝંડો નીચો પડી જાય તો તમે બધા આપઘાત કરજો. ધંધુકાથી નાસેલા રાણજીનો પીછો કરતો ભંડારી ખાન રાણપુર પર ચડી આવ્યો. તેના લશ્કરે રાણપુરને તબાહ કરવામાં કોઈ મણા ન રાખી. તે જ વખતે ઝંડોપકડી રાખનારા સેવકે પાણી પીવા ખાતર ઝંડો હેઠો મૂક્યો. તેને મહેલમાં રહેલી રાજપૂત મહિલાઓએ રાણજી અને રાજપૂત સેનાનો પરાજય સમજી લીધો અને રાણજીની સૂચના અનુસાર કૂવામાં ઝંપલાવી જીવતર ટૂંકાવી દીધું. આ તરફ ભંડારી સામે લડતાં રાણજી ગોહેલ પણ વીરગતિને પામ્યો.

રાણપુરની જીત પછી સુલતાન મહમૂદ બેગડાએ રાણપુરની ગાદી રાણજીના ભાણેજ હાલુંજી પરમારને સોંપી, પણ તે પહેલાં તેણે ઇસ્લામ સ્વીકારવો પડ્યો હતો. તે પછી રાણપુરના ગરાસીયાઓમાં મોલે સલામ ઠાકોરોની નવી જ્ઞાતિ પેદા થઇ. તેઓ રાજપૂત અને મુસલમાન કોમનું મિશ્રણ હતા. તે પછી લાંબો સમય રાણપુર ઇસ્લામી હકુમત હેઠળ રહ્યું. આજે જે કિલ્લો રાણપુરમાં મોજુદ છે તેનું બાંધકામ સને ૧૬૩૫માં થયું હતું. મુઘલ બાદશાહ શાહજહાંના સમયમાં આઝમખાન ઉધાઇએ રાણપુરનો કિલ્લો બંધાવ્યો હતો.

આમ રાણપુરની જીત સાથે સુલતાન મહમૂદ બેગડાનું સૌરાષ્ટ્ર અભિયાન પૂરું થયું. હવે તેનો ડોળો મધ્ય ગુજરાતના ચાંપાનેર તરફ હતો. તેની વાત આવતી કાલે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP