કાવ્યસેતુ / નસકોરાં પાર્ટી

article by lata hirani

લતા હિરાણી

Dec 25, 2018, 12:05 AM IST

શાંત આ રાત્રિ મહીં આવો ગહન રવ કાં સૂણું?
છે ભરશિયાળુ રાતડી વાદળની ગડગડ કાં સૂણું?
રે માંડ તો સૂવા મળ્યું ચિંતા મૂકી ઘરબારની,
રેશમ રજાઈ ઓઢતા આવો ઊંચો સ્વર કાં સૂણું?
છે નસકોરાંનો નાદ આ સંભળાય છે બહુ જોરથી,
બંધ કરવા મારું ટપલી કે ઝીણી ચૂંટી ખણું?
દિવસ આખો કચકચો સૂણતી રહું વરરાજની,
રાતેય મૂંગા ના રહે? બેસૂર સંગીત શીદ સૂણું?
ચાર ફેરા છે ફર્યા, સાતેય ડગલાં માંડીયાં,
તો શું થયું? શા કારણે હું રાતમાં ઘેટાં ગણું?
જાગી ગઈ છે આજ નારી, ઊંઘ બસ ઊડી ગઈ,
છું નિશ્ચયી, દૃઢ નિશ્ચયી આ ગડડ ગડગડ નહીં સૂણું.
ઇક્વોલિટીનો છે સમય ના સહીશ જુલમો એકલી,
લૈ લઉં ડિસિશન બસ હવે, આ પાર કે તે પારનું.
નાખીશ કાને પૂમડાં, માથે દુપટ્ટો લૈ વીંટીશ,
બેવડી બેસૂર તરજ ના એ સૂણે ના હું સૂણું.
- સ્વાતિ મેઢ

સહુને નાતાલ મુબારક. એના ઇતિહાસમાં કે કથામાં આપણે નહીં જઈએ, કેમ કે આ દિવસો મોજમજાના, પાર્ટીના છે. એકત્રીસ ડિસેમ્બરની ઉજવણીની, પાર્ટીની ચારેબાજુ ધૂમ તૈયારી ચાલતી હશે. આમેય હવે નાનકડું વેકેશન અને મોજમજા. એટલે આજે હાસ્યકવિતા. હાસ્યમાં સ્ત્રીઓ ઓછી અને એમાંય હાસ્ય કવિતા ભાગ્યે જ મળે. સ્વાતિ મેઢ આ દિશામાં થોડું થોડું કામ કર્યે જાય છે.


લો ત્યારે, કવિતા તો તમે પહેલાં જ વાંચી લીધી છે. વિષયમાં સદાસર્વદા ચાલ્યો આવતો અને ક્યારેય નહીં ખતમ થનારો એ જ નસકોરાંનો પ્રોબ્લેમ! કદાચ ભવિષ્યમાં એના ઉપાયમાં ડોક્ટરો કોઈક સર્જરી શોધી કાઢશે ખરા. (આજે પણ હોય તો મને ખબર નથી) સર્જરી એટલા માટે કે દવામાં તો ડોક્ટરો કમાય શું? સર્જરી કરે તો બિચારા ડોક્ટરોનેય પાર્ટીઓ કરવા મળેને. જુઓને! હવે નોર્મલ ડિલિવરી કેટલી ઓછી થાય છે, જ્યાં જુઓ ત્યાં સિઝેરીયન અને ડોક્ટરો પાસે એના માટે કારણોની અછત હોય ખરી?


આવી મુશ્કેલી અનેક બહેનોને હશે. મોટાભાગે તો સ્ત્રીઓ ઉદાર હોય છે. પતિની તમામ કુટેવો એ ચલાવી લે છે કે આંખ આડા કાન કરે છે. હવે આમાં મુશ્કેલી કાનની જ અને કાન આડે તો આંખ થાય નહીં. કાન આડે કશું આવી શકે નહીં. આંખ આડે કાન કેમ આવી શકતા હશે એય વિચારવા જેવું ખરું. ભલેને એ રૂઢિપ્રયોગ રહ્યો. રૂઢિપ્રયોગમાં આંખ ને કાનને જ કેમ લાવ્યા? બાજુબાજુમાં છે એટલે? આ બધું સંશોધનનો વિષય કહેવાય અથવા હાસ્યકવિતા કે લેખ માટે વિષય બની શકે ખરો.


જે હોય તે પણ રોજ રાત્રે બાજુમાં સૂતેલા પતિદેવનાં નસકોરાં સાંભળવા જેવો જુલમ આજની જાગી ગયેલી નારી ન ખમી શકે. હવે સમાનતાનો વાયરો ફૂંકાયો છે એટલે આ અન્યાય સાંખી ન શકાય. સમાનતાના ધોરણે પતિદેવ એને કહી શકે કે કાલથી તુંય નસકોરાં બોલાવજે જા, પણ એય થોડું પોતાની મરજીથી થાય છે! આ તો બાજી આખી કુદરતના હાથમાં. છતાંય પતિદેવનો વિરોધ કરી જ શકાય. એમને જગાડી ચૂપ રહેવા જોરદાર ચીમકી આપી શકાય.

પતિ મહાશય બિચારા જાગીને ‘સોરી’ કહી ફરી સૂઈ જાય, પણ ફરી સ્પીકર ચાલુ થવાનું જ. એક જ ઉપાય છે. કાનમાં ખોસો રૂનાં પૂમડાં ને માથે રાણી લક્ષ્મીબાઈના ફેંટાની જેમ બાંધો દુપટ્ટો. પછી ચડો ઊંઘના ઘોડે. એ પૂમડાને કે દુપટ્ટાનેય આરપાર વીંધીને થોડો અવાજ આવે તો પછી હાર સ્વીકારી લેવા સિવાય કશું ન થઈ શકે.

[email protected]

X
article by lata hirani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી