Back કથા સરિતા
લતા હિરાણી

લતા હિરાણી

કાવ્ય (પ્રકરણ - 35)
લેખિકા જાણીતાં કવયિત્રી અને ‘દિવ્ય ભાસ્કર’નાં કોલમિસ્ટ છે.

ટેરવે કંકુનો સૂરજ

  • પ્રકાશન તારીખ23 Oct 2018
  •  

બોલને સખા કઈ રીતે હું આયના સામે જોઉં?
જોઈ તું લે તો ક્યાંય બીજે હું ભાળવું મેલી દઉં.
ટેરવે લીધું કંકુ અલી મેંય બરાબર એમ,
ઊંચકે જાણે આભ ધરાથી સૂરજદેવને જેમ.
ભાલમાં તિલક તાણતાં લાગી હું અજાણી હોઉં,
બોલને સખા કઈ રીતે હું આયના સામે જોઉં?
ઉરનો આનંદ આજ ગળાના હારમાં પહેર્યો મેં,
હાથના કંગન હાથને દે છે સુખની તાળી લે.
મન કળાયેલ મોર થયું ત્યાં જાતને આખી ખોઉં,
બોલને સખા કઈ રીતે હું આયના સામે જોઉં?
આંખમાં ઝૂલે શમણું જાણે ડાળીએ ઝૂલે ફૂલ,
રુદિયે હરખ માય નહીં તો હોઠને કીધું ખૂલ.
કેશ હું ગૂંથું કે પછી હું કાનમાં કુંડલ પ્રોઉં,
બોલને સખા કઈ રીતે હું આયના સામે જોઉં?
રાતના તારી આંખમાં મારા કરતાં રાતની પાળી,
આવતો જ્યાં તું શમણે ત્યાં તો પાંપણ પાડતી તાળી.
આવ ને મારા ભાગની નીંદર તુજને આપી દઉં,
બોલને સખા કઈ રીતે હું આયના સામે જોઉં.
જોઈ તું લે તો ક્યાંય બીજે હું ભાળવું મેલી દઉં.
- ગૌરાંગ ઠાકર


પ્રેમમાં પડેલી સ્ત્રી આયના સામે જુએ અને એને એમાં પોતાના ચહેરાને બદલે પ્રિયતમનો ચહેરો દેખાય એવું બને? હા, બને. એ ચાંદ, સૂરજ, તારા જોતી હોય, ખુલ્લા આકાશ તરફ જોતી હોય અને એને બધે જ એના પ્રિયતમનો ચહેરો દેખાય એવું બને જ. એનું કારણ એનું પોતાનું પ્રેમમાં તરબોળ હોવું જ નથી, પણ ચાહે નિર્જીવ અરીસો હોય કે કુદરતનાં તત્ત્વો, આ આખુંય વિશ્વ પ્રેમની ભાષા સમજે છે. આખુંય વિશ્વ પ્રેમનો પડઘો પાડે છે. પ્રેમના વાઇબ્રેશન્સ એવાં છે કે જે સેકન્ડ્સમાં પૃથ્વીને બીજે છેડેય પહોંચી જાય છે અને પ્રેમ એટલે પ્રેમ. એમાં મમતા, કરુણા બધુંય સમાઈ જાય.


આ ગીતમાં આમ તો બધાં જ કલ્પનો મનને પ્રેમના નશામાં ચૂર કરે એવાં છે, પણ મને સૌથી વધુ ગમ્યું એ - ટેરવે કંકુ લેવાના હરખને કવિએ સૂર્યોદય સાથે સરખાવ્યું! જાણે ધરાની આંગળી કંકુ જેવા લાલ સૂરજને લઈને ભાલ તરફ જાય છે! વાહ, મન સોળે કળાએ ખીલી ઊઠે એવી રમ્ય કલ્પના છે.


કવિ વાત કરે છે શૃંગારરત નાયિકાની. નાયિકાને શૃંગાર કરવો છે ને ક્ષણે ક્ષણે, પ્રત્યેક ક્રિયામાં એને પ્રિયતમનો પ્યાર, સનમનાં સપનાં ને દિલદારની દુનિયા અનુભવાય છે. એ પોતે એનાથી જ વીંટળાયેલી છે. એને રહેવું છે એમાં, જીવવું છે એમાં. સખાની એક નજરના બદલામાં એ બધું જ છોડી દેવા તૈયાર છે અને મજા એમાં છે કે સખાનીયે એ જ મરજી હોય કે ‘છોડ દૂં, સારી દુનિયા તુમ્હારે લિયે.’ આપણે જાણીએ છીએ કે અમુક હદ સુધી એ મુનાસિબ પણ હોય છે. જિંદગીમાં એકવાર તો એવો સમય આવવો જોઈએ કે જ્યારે પ્યારથી વધુ જરૂરી બીજું કોઈ કામ ન હોય!


પ્રેમમાં હજુ ગળાડૂબ છે એ લોકો અને એ અદ્્ભુત દુનિયાની સુગંધ લઈને વાસ્તવની દુનિયામાં જીવતા લોકો, મારી વાત સાથે સહમત થશે. શું કહો છો?

[email protected] gmail.com

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP