Back કથા સરિતા
લતા હિરાણી

લતા હિરાણી

કાવ્ય (પ્રકરણ - 35)
લેખિકા જાણીતાં કવયિત્રી અને ‘દિવ્ય ભાસ્કર’નાં કોલમિસ્ટ છે.

સુખનાં સરનામાં

  • પ્રકાશન તારીખ25 Sep 2018
  •  

નિરંતર પહેરતાં મન વસંત ભીની મજા,
વળી, સબળ હૂંફથી સભર પી શિયાળા બધા.
દિવસપન વાવતા ભરબપોર વૈશાખમાં,
કુતૂહલભરી ઊડે બસ જુદાં નભો શોધતાં.
ન પાનખર પાથરે, બસ અથાક તૃષ્ણા ચણે,
કદી સમય હાંફતો અકલ દોટ સંગે ઘણો.
પરે નિયમ સૃષ્ટિના પરમતા ધરી શ્વાસમાં,
અનાગત પળો ભરે સહજ ઘૂંટ પીયૂષના.
કરે જ નકશી, હતાં થર અતીત પીડા તણાં,
જરા નરમ ટીપતાં મન ચડેલ ભારીપણાં.
રસાયણ ઉજાસની અનુપ ઘાટ મૂલ્યો ઘડે,
રચાય પડ ખોતરી બસ કલા થકી કાળના.
નવો સમય ફૂટતો તવ ક્ષણો ધરી કોખમાં,
સજીવન બની સજે નવયુગો કલાકારથી.
- ભારતી પ્રજાપતિ

સોનેટ લખનારી, સંસ્કૃત છંદોમાં કાવ્ય રચનારી બહુ ઓછી કવયિત્રીઓ. સંધ્યા ભટ્ટ, દક્ષાબહેન વ્યાસ ખરાં. બીજાં કેટલાંક નામો યાદ આવે છે, પણ અહીં એ લખીશ અને કોઈ રહી જશે તો. એટલે જવા દો. ભારતી પ્રજાપતિ એમાંના એક છે. મનના અકળ અગોચર વિશ્વને વર્ણવતું આ સોનેટ કવયિત્રીએ પૃથ્વી છંદમાં સરસ રીતે ઢાળ્યું છે. મનની લીલાઓ અહીં શબ્દોમાં લહેરાય છે.


મનને નવાં નવાં વસ્ત્રો જોઈએ. અખૂટ ઇચ્છાનું એ જ તો જન્મસ્થાન છે. બાહ્ય સાધનો હોય કે કુદરતનાં બદલાતાં રૂપો, મન હંમેશાં નિત્ય નવું ઝંખશે. અનુભૂતિઓમાં પણ નાવીન્ય! વસંતના રસોત્સવની ભીનાશ અંગે ઓઢી-ન ઓઢી ત્યાં શિયાળાની હૂંફ માટે મન અધીરું થઈ જાય. વૈશાખનો તાપ દિવસને દઝાડે ને સાંજને ઠારે, પણ એનું રૂપ જુદું. ઋતુઓની લીલા માનવીના મનને ઇન્દ્રધનુષના રંગે રંગતી રહે. નવાં નવાં કુતૂહલો પ્રગટાવતી રહે. એને જોવાની, માણવાની સૂઝ, સમજ ને દૃષ્ટિ જેનામાં હોય એના માટે.


ઇચ્છાના મૃગની દોડ થંભવી અશક્ય છે. સાધુ-સંતો પણ એમાંથી બાકાત નથી રહી શકતા. મન પંખી સદાય તૃષ્ણાના ચણ ચણ્યા કરે છે. સમયની ગતિ સાથે મનનો વેગ સ્પર્ધા કર્યા કરે છે ને તોય ક્યારેક હારી જાય છે, છે ને ઇચ્છાઓની દુનિયાની બલિહારી. વર્તમાનને ઉવેખીને, આજે કરેલાં કાર્યોને ભૂલી જઈને, કાલ્પનિક ભાવિના અમૃતપ્યાલા ભરીભરીને પીવા એ મનુષ્યનો સ્વભાવ છે. એટલે જ તો દાર્શનિકો વર્તમાનમાં જીવવાની સલાહ આપે છે, સંતો સદાય કર્મફળનો વિચાર કરવાનું કહે છે.


પીડાનું ટાંકણું માનવીના બરડપણાને કોતરે છે, નરમ બનાવે છે. એમાંથી એક સુરેખ આકાર ઘડે છે, જો માનવી એને સાચા સ્વરૂપમાં સ્વીકારે તો. બાકી ભગવાનને ગાળો દેવામાં પણ પીડાનો પર્યાય શોધતા લોકો ઓછા નથી. એકલું સુખ આમ તો કોઈને મળતું નથી ને કોઈને મળે તો એ છકી જાય. અહીં સુખની વ્યાખ્યા સમજવી પડે, કેમ કે કરોડોની સંપતિમાં આળોટતા માણસને સુંવાળી સેજ સંતાપ્યા કરે ને ઊંઘની ગોળી લેવી પડે અને સામે ફૂટપાથ પર નીંદરની મહેફિલ જામી હોય તો સુખ કોને કહેવાય એ વિચારવું પડે. સો વાતની એક વાત કે બધું પેકેજમાં મળે છે. એકલું સુખ નહીં ને એકલું દુ:ખ નહીં. કયું મોટું ગણવું ને કયું નાનું, એ આપણી દૃષ્ટિ પર નિર્ભર છે.
[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP