કાવ્યસેતુ / માણસ નામે જાત

article by lata hirani

લતા હિરાણી

Apr 16, 2019, 03:50 PM IST

એક હોસ્પિટલ
ચોધાર આંસુએ રડ્યા કરે,
રોજ રોજ ઉભરાતાં મબલખ રોગીઓને જોઈને.
રોગ પણ કેવા!
કોઈની નજરમાં કાણું,
કોઈની જીભમાં દોઢું હાડકું,
કોઈના ઉચ્છવાસમાં ‘નજાકત’ ચીમળાઈ જાય એટલું ઝેર,
તો કોઈની બુદ્ધિને દૂરનાં ચશ્માં!
રોગીઓની સંખ્યા વધતી જતી જોઇને
પરાણે-મહાપરાણે,
‘પથારી’ઓની સંખ્યા પણ વધારવી પડી
હોસ્પિટલને દુ:ખ થયું
આમ ને આમ થતું રહેશે તો
એક દિવસ બધી ‘પથારી’ઓ ઓછી પડશે અને,
ખુદ રોગીઓ જ
એકબીજાની સામે જોઈને બોલતા રહેશે:
‘આના કરતાં ‘પથારી’ બન્યા હોત તો સારું હતું’
આ ‘પથારી’એ તો પથારી ફેરવી નાખી છે,
પેરેલિસિસ થયેલ ઈજ્જતની,
એન્જિયોપ્લાસ્ટી કરાવેલ આદરની,
ટ્રાન્સપ્લાન્ટ થયેલ સ્વચ્છંદતાની
અને
ઓપરેશન માટે ક્યારની વેઈટીંગમાં ઊભેલ… શર્મની…
- ચંદ્રા તળાવિયા

માણસજાત કઈ દિશામાં જઇ રહી છે? આડેધડ ઊગતા બાવળની જેમ હોસ્પિટલો ઊગતી જાય છે. માણસને રહેવા ઘર મળે કે ન મળે એની ચિંતા ઓછી થાય છે, પણ મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલો વધતી જાય છે. આ બધા રોકાણોને વસૂલ કરવા ‘રોગીઓ’ની શોધ અને શિકાર સતત ચાલ્યા કરે! હોસ્પિટલમાં રોગી દાખલ થાય એ પહેલાં એનો ભૂતકાળ દાખલ થયો હોય છે અને ભવિષ્ય નક્કી હોય છે. મોંઘી સારવાર કે ઓપરેશનની પથારી તૈયાર હોય છે અને રોગી(?)ને પહોંચાડવામાં આખી ‘કતાર’ કામે લાગી ગઈ હોય છે. જેમાં વીમા એજન્ટોથી માંડીને હોસ્પિટલનો સ્ટાફ અને રોગીના સગાંવહાલાંયે સામેલ હોય છે. આમાં દાખલ થનારનેય સંડોવી શકાય! સાંભળ્યા છે ને આવા સંવાદો? ‘પાંચ લાખ ખર્ચીને આપણે ઓપરેશન કરાવી જ લીધું. તબિયતની વાત આવે ત્યારે પૈસા સામે નહીં જોવાનું!’ હા, પૈસા ખર્ચવાનોય એક સંતોષ હોય છે. અરે, દર્દીને તપાસતાં પહેલાં ‘મેડીકલેમ છે?’ જેવો સવાલ સાંભળ્યો છે! આ બધી થઈ સત્ય પણ ભૌતિક વાતો. આના જ સંદર્ભમાં માનવીના સ્વભાવ, કુભાવ ને પ્રભાવને તાકતું આ કાવ્ય કટાક્ષમય અને વેધક છે.
માનવીની પથારી ફેરવી નાખનાર માનવી પોતે જ છે. આ કવિતામાં માણસના દ્વેષની, અવગુણોની, વિસરાતા જતા મૂલ્યોની વાત કેવા પ્રતીકો દ્વારા કેટલી અસરકારક રીતે થઈ છે એ નોંધવું જ પડે. કોઇની જીભમાં દોઢું હાડકું તો કોઇની નજરમાં કાણું! કોઇની બુદ્ધિને દૂરનાં ચશ્માં તો કોઈના શ્વાસોમાં ભરેલું નર્યું ઝેર! માનવીની કડવી જુબાન, સ્વાર્થ, મૂર્ખતા અને દ્વેષવૃતિની વાત, જુદા અંદાજમાં, હોસ્પિટલ અને રોગોના પ્રતીકથી કરીને કવિએ સાદ્યંત કવિતા જન્માવી છે. પોતાના સ્વાર્થ અને અહંકારમાં અંધ માનવીએ ભયંકર અહિત સાધ્યું છે. ગુણો અને મૂલ્યો હવે માત્ર શબ્દકોશોમાં જ બચ્યા છે એમ આ કવિતા કહે છે અને ખોટું પણ નથી, કેમ કે એની માત્રા હદ ઉપરાંત વધી ગઈ છે. જોકે ક્યાંક ક્યાંક આશા જન્મે એવું હજીયે થતું રહે છે અને એને ટેકો આપવાનું મન થઈ જાય એય સાચું!

[email protected]

X
article by lata hirani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી