કાવ્યસેતુ / માને વળગ્યો ઘરનો ‘વા’

article by lata hirani

લતા હિરાણી

Mar 26, 2019, 03:37 PM IST

મા પ્રેમિકા જેટલી સુંદર નથી હોતી
અને થોડી વૃદ્ધ પણ હોય છે
આપણામાં જ્યારે સમજણ પ્રવેશી જાય છે ત્યારે
અકળાઈને બોલી ઊઠીએ છીએ
મા, તને કંઈ ખબર પડતી નથી.
પછી મા કશું બોલતી નથી,
ઘરના એક ખૂણામાં બેસીને પોતાના
વાથી પીડાતા પગને પંપાળ્યા કરે છે,
ચૂપચાપ...
પછી એક દિવસ મા મરી જાય છે
અને આપણે બે હાથ જોડીને
કહી પણ શકતા નથી કે માફ કરી દેજે મા!
સ્ત્રીઓના બે સ્તન વચ્ચેથી
પસાર થતા રાજમાર્ગ પર
દોડી દોડીને એકવાર હાંફી જઈએ છે
ત્યારે ઇચ્છા થાય છે
માના વૃદ્ધ પડછાયામાં બેસીને
ઘડીક આરામ કરવાની પણ ત્યારે ખબર પડે છે કે મા તો મરી ચૂકી છે.
મા, જે પ્રેમિકા જેટલી સુંદર ન હતી.
- કિરીટ દૂધાત

સ્ત્રીના કપાળ પર એક ચાંદલો હોય છે ને એનાં હૃદયમાં એક ચંદ્ર હોય છે, જે એનાં સંતાનો પર હંમેશાં ચાંદની વરસાવે છે. માના ખોળામાંથી ઘડીભર ખસવા ન માંગતું બાળક મિત્રો સાથે રમવા જેવડું થાય એટલે માએ એને શોધવા નીકળવું પડે છે, કેમ કે બાળકનું પેટ ક્યારે ખાલી થઈ જશે એની બાળક પહેલાં માને ખબર પડતી હોય છે. રમતાં બાળકના પગ હવે દુખવા આવશે એનો અણસાર માને પહેલાં આવી જાય છે. બાળકની બીમારીમાં માની આંખો રાતે બીડાઈ શકતી નથી. પોતાના સંતાન માટે ઈશ્વરે માને એક અદૃશ્ય ઇન્દ્રિય આપી છે, જેમાં એને તમામ અણસારા પહેલાંથી આવી જાય છે. એ જ સંતાન પ્રિયતમના સપનાં જોતું થાય ત્યારે એના માટે મા લગભગ ખોવાઈ જાય છે. આ સમયગાળો લાંબો ચાલે છે. કરુણતા એ છે કે જેની આંગળી પકડીને ચાલતાં શીખ્યા એને ‘તને કાંઇ ખબર પડતી નથી!’ કહેવાઇ જાય છે અને મા ત્યારે જવાબ આપતી નથી. જીવનભર ચૂપચાપ ઘર સંભાળનાર માને એની સમજણ જ કહે છે કે હવે ‘જોયા કરવું અને કશું બોલવું નહીં!’ આ પીડા સમજવા કે અનુભવવા સંતાન અસમર્થ છે.

ગમતી સ્ત્રીનો સહવાસ ભોગવતાં એક દિવસ થાક લાગે, ત્યારે મા યાદ આવે છે, એ વૃદ્ધ ખોળાનો છાંયડો યાદ આવે છે, કેમ કે માની કાળજીની નીપજ માત્ર પ્રેમ, માત્ર સુખ હતાં, પણ એ મા તો સંતાનની એક કાળજીભરી નજરની રાહ જોઈજોઈને સિધાવી ગઈ હોય છે! મા છોડીને ગઈ ત્યારે સમજણનાં દ્વાર હજુ બંધ જ હતાં. એનું મૃત્યુ પણ સંતાનો માટે કુદરતના નિયમનો સહજ સ્વીકાર જ બની જાય. જિંદગી તમાચો મારીને શીખવે છે પણ હાથમાં માત્ર અફસોસ રહે છે. આ અનુભવ દરેકનેે થયા કરે. છતાંય બીજાના અનુભવમાંથી શીખીને સમયસર ચેતવાનું કોઈ શીખે નહીં એ કડવું સત્ય છે. જોકે પરિસ્થિતિ સાવ તળિયે ગયેલી નથી. ક્યાંક, હા, ક્યાંક આ બે ‘અતિ’ વચ્ચે બેલેન્સ રાખી શકનારા વીરલા હોય છે.

[email protected]

X
article by lata hirani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી