Back કથા સરિતા
લતા હિરાણી

લતા હિરાણી

કાવ્ય (પ્રકરણ - 35)
લેખિકા જાણીતાં કવયિત્રી અને ‘દિવ્ય ભાસ્કર’નાં કોલમિસ્ટ છે.

આ નહીં ચાલે!

  • પ્રકાશન તારીખ12 Mar 2019
  •  

મને તેં હાંસિયામાં કાઢી નાખી છે,
મળ્યું ના કોઈ તો અથવામાં રાખી છે.
તું કડવી વાણી બોલે છે સતત તો પણ,
પીડાને તારી મધની જેમ ચાખી છે.
તું આરસ પર ભલેને ચિત્ર દોરે છે
મળ્યા છે તે ઉઝરડાની એ ઝાંખી છે.
વધુ મારાથી કોઈ ચાહશે નહીં ને!
તેં બકબક એટલે મારી સાંખી છે.
પ્રણયના એ કબૂતરને ઉડાડયું છે,
નગરમાં એટલે તો સંખ્યા પાંખી છે.
- રૂપાલી ચોકસી ‘યશવી’

પ્રેમી મોં ફેરવી લે તોય પ્રેમિકા ‘તુમ હમેં પ્યાર કરો યા ના કરો, હમ તુમ્હેં પ્યાર કિયે જાયેંગે...’ ગાય અને જીવ્યા કરે એવી ફિલ્મી સિચ્યુએશન જીવનમાં પણ હોય છે. આવી પરિસ્થિતિમાં ફિલ્મમાં (જૂની) કોઈ આદર્શ અંત બતાવે ને ખરેખર જીવનમાં એ ક્યાંક વાસ્તવને બદલી નાખે અથવા વાસ્તવ ખુદ બદલાઈ જાય એવું બને. હવે ફિલ્મોમાં દેવદાસ શોધ્યા જડે એમ નથી અને એ જ સત્ય છે, પણ એ ખરું કે પ્રેમમાં બરાબર ડૂબ્યા પછી પાર ન ઉતરાય તો કોરા થવાનું બહુ અઘરું છે, જો ખરેખર પ્રેમ કર્યો હોય તો! બેવફાઇ કે અવગણના મળે ત્યારે એ ‘વચ્ચેનો સમયગાળો’ બહુ અઘરો છે. ન ઇધર કે, ન ઉધર કે! તૂટી જવાય તોય માયા તોડી ન શકાય.

આ રચનામાં નાયિકાની દશા કાંઈક આવી છે. પ્રેમીની અવગણના સહેવી કઠિન બની છે ને તોયે મન એ પીડા મધની જેમ ચાખ્યા કરે છે. ‘મને તેં હાંસિયામાં કાઢી નાખી છે/ મળ્યું ના કોઈ તો અથવામાં રાખી છે’ આટલું એને સ્પષ્ટ દેખાય છે તોય કહે છે, ‘વધુ મારાથી કોઈ ચાહશે નહીં ને! તેં બકબક એટલે મારી સાંખી છે.’ પોતે જેને પ્રેમ કરે છે એને પોતાનાથી વધુ કોઈ ચાહી શકે નહીં એની એને ખાતરી છે. વળી, એય વિશ્વાસ છે કે મારી સાથે જે આછો-પાતળો સંબંધ એ રાખે છે એનું કારણ એ જ છે! પણ ‘બકબક’ શબ્દ કવિતાના ભાવને નબળો પાડી દે છે. ‘બકબક’ને બદલે ‘વાતો’ જેવો સાદો શબ્દ સહજપ્રાપ્ય છે. એમ તો પ્રેમના કબૂતરને ઉડાડવાનું પ્રતીક પણ નવું નથી. એ કવયિત્રીની મરજી પર છોડીએ.
શરૂઆતના શબ્દો ‘મને તેં હાંસિયામાં કાઢી નાખી છે/ મળ્યું ના કોઈ તો અથવામાં રાખી છે.’ એ અત્યારના સમયને અનુરૂપ છે અને કોઈના દર્દને, પીડાને કવિતામાં વ્યક્ત કરવાની ઇચ્છાને આવકારવાની જ હોય. કવિતા કરવી છે? ક્યાં છે તારા જખ્મો? પીડા વગર કવિતા ક્યાંથી? જીવન હો કે કવિતા, પીડા જ શરૂઆત અને પીડા જ અંત!

જ્યારે બંને પક્ષે પ્રેમ એની પૂર્ણ અવસ્થામાં હોય ત્યારે દુનિયામાં એ સિવાય બીજું કશું હોતું નથી પણ એક પક્ષે વધ ને બીજા પક્ષે ઘટ થાય ત્યારે લાગણીના હિસાબકિતાબ શરૂ થઈ જાય છે, સમીકરણો મંડાવા લાગે છે. પ્રેમમાં સવાલ જ્યારે ઓછીવત્તી લાગણીનો, મનની સચ્ચાઈનો આવે ત્યારે અભિવ્યક્તિમાં અવરોધની અને સંવાદમાં સંઘર્ષની આંચ આપોઆપ પ્રવેશી જાય છે. સામાન્ય વાતચીત પણ આડે રસ્તે ફંટાઈ જાય છે. આખરે આ બધું જીવનનો જ એક ભાગ છે. રોપાયેલું બીજ પાંગરવાને બદલે ખાખ થઈ જાય ત્યારે યાદ રહે, ફરી બેઠા થવાની ને જીવવાની ઈચ્છા જાળવી રાખવી મહત્વનું બની જાય છે કેમ કે જીવન સૌથી અગત્યનું છે.

[email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP