કાવ્યસેતુ / હું ને મારી ભાષા

article by lata hirani

લતા હિરાણી

Feb 19, 2019, 12:05 AM IST

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત!
– અરદેશર ખબરદાર
***

વાત મારી જેને સમજાતી નથી; એ ગમે તે હોય ગુજરાતી નથી!
- ખલીલ ધનતેજવી
***

નરસીં જાણે ધ્રૂવ તારક ’ને મીરાંબાઈ છે મીનપિયાસી,
પાઘડિયુંના વળની વચ્ચે શોભી ઊઠે ગુર્જરવાસી.
– રક્ષા શુક્લ

અગિયારમી ફેબ્રુઆરીએ માતૃભાષાદિન ગયો અને 21 ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષાદિન છે અને આજે આપણે એ બંનેની વચ્ચે છીએ. એવું થતું જ રહે છે કે આવા દિવસોએ જે તે બાબત યાદ કરીને પછી વર્ષભર એને ભૂલી જઈએ, પણ એ સાવ એળેય નથી જતું. એ નિમિત્તે જે કાર્યક્રમો થાય છે, આયોજનો થાય છે એ ક્યાંક અસર જરૂર છોડી જાય છે. બીજી બાજુ માતૃભાષા અભિયાન, ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ, ગુજરાતી લેક્સિકન, માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન જેવી સંસ્થાઓ લયસ્તરો, રીડ ગુજરાતી, અક્ષરનાદ, ટહુકો જેવી વેબસાઇટ આપણી ભાષાને ધબકતી રાખવામાં મોટો ફાળો આપી રહ્યા છે. ગુજરાતી ભાષાને બચાવવાના ધીંગા પ્રયત્નો થઈ રહ્યા છે, પણ એથી આપણી ભાષા બચશે ખરી? માતૃભાષાનું ભાવિ ધૂંધળું છે જ.
હરદ્વાર ગોસ્વામી કહે છે, ‘એના કરતાં હે ઈશ્વર દે મરવાનું, ગુજરાતીનું પણ ગુજરાતી કરવાનું?’ આજની ભેળસેળવાળી ગુજરાતી ભાષા સાંભળીએ ત્યારે આ વાત સાચી લાગે. આપણી ભાષા બોલવામાં થોડું વધુ જીવશે પરંતુ લખવા-વાંચવામાં ક્યાં સુધી ટકશે એ વિચાર પીડા આપે છે. ઘરની બહાર નીકળીએ અને ચારે બાજુ અંગ્રેજી જ વાંચવા મળે. મા-બાપ ઓછું ભણેલા હોય, મજૂરી કરતાં હોય તોય એમને પોતાના સંતાનોને અંગ્રેજી માધ્યમમાં જ ભણાવવા છે. એ બાળક કેવી કફોડી હાલતમાં મુકાશે એની સમજ મા-બાપ પાસે નથી.
અંગ્રેજી વગર હવે ચાલે નહીં, એક વિષય તરીકે બાળકને સારું અંગ્રેજી આવડવું જોઈએ એ સાચું, પણ પ્રાથમિક શાળાઓનું માધ્યમ માતૃભાષા જ હોવું જોઈએ એવું ભાષાશાસ્ત્રીઓ અને ભાષાવિજ્ઞાનીઓ પણ કહે છે. વિશ્વના અનેક વિકસીત દેશોમાં પ્રાથમિક શિક્ષણ એમની પોતાની માતૃભાષામાં જ અપાય છે. કવિ ભાગ્યેશ જહાં કહે છે, ‘ગુજરાતી મારી મા છે, હિન્દી મારી માસી છે, સંસ્કૃત મારી દાદીમા છે અને અંગ્રેજી મારા પાડોશમાં રહેતી રૂપાળી, વિદેશી અને વિદૂષી નારી છે. હું બેસતા વર્ષના દિવસે એ વિદેશિનીને પગે લાગી પાંચસો ડોલર લઉં, પણ મને ઊંઘ ના આવે તો હાલરડું તો મારી મા એટલે કે ગુજરાતી જ ગાય અને મને પેટમાં દુઃખે તો બેટા, સૂંઠ-ઘી-ગોળ ખાઇ લે એવું તો મારી દાદીમા એટલે કે સંસ્કૃત જ કહે એવા ભાષાભિમાન સાથે જીવવું છે...’ યુનોનો એક બાળઅધિકાર એમ કહે છે કે બાળકને એ જ ભાષામાં ભણાવવા જોઈએ, જે ભાષા તેનાં માતા-પિતા, ભાઈ-બહેન, દાદા-દાદી બોલતાં હોય. આ દૃષ્ટિએ જોતાં બોલીઓને પણ આમાં સાંકળવી પડે. કચ્છી બોલી કે ઉત્તર-દક્ષિણ ગુજરાતના છેવાડાના આદિવાસીઓની બોલી બોલતાં બાળકોને ગુજરાતીમાં ભણવું કેટલું અઘરું લાગે? કવિ વિનોદ જોશીની આ પંક્તિથી મારી વાત પૂરી કરીશ. ‘એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી; હું ને મારી ભાષા બન્ને ગુજરાતી.’

[email protected]

X
article by lata hirani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી