કાવ્યસેતુ / આભ-ધરાને સ્પર્શતી સર્જક ચેતના

article by lata hirani

લતા હિરાણી

Feb 05, 2019, 12:05 AM IST

ઝાડ રે ઝાડ!
તું ઈશ્વરનો પાડ!
તારાં માટીમાં મૂળ
તારે ડાળ ડાળ ફૂલ!
તારું થડ છે ટટ્ટાર
તારે પાંદડા અપાર
તને મીઠાં ફળ થાય
બધાં હોંશભેર ખાય
તું ધરતીનું બાલ
તને કરતાં સૌ વ્હાલ
ઝાડ રે ઝાડ
તારો દુનિયા પર પાડ!
– ચંદ્રકાંત શેઠ

કેટલું સરળ, અર્થપૂર્ણ અને બાળકની સામે આખું ચિત્ર રજૂ કરી દેતું, લયની રીતે જોઈએ તો બાળક તરત ગાઇ ઊઠે એવું મધુરું આ બાળકાવ્ય જેના રચયિતા કવિ ચંદ્રકાંત શેઠને વર્ષ કેન્દ્રીય સાહિત્ય અકાદમી તરફથી 2018નો બાળસાહિત્ય માટેનો એવોર્ડ પ્રાપ્ત થયો. બીજા અનેક ગૌરવવંતા પોંખણા સાથે ‘ધૂળમાંની પગલીઓ’ સંસ્મરણો માટે પણ એમને 1986માં અકાદમી એવોર્ડ મળેલો.

કોઈપણ સર્જકનું બબ્બે વાર રાષ્ટ્રીય કક્ષાએ પોંખાવું એ ગુજરાતી સાહિત્યપ્રેમીઓ માટે ગૌરવની વાત છે. આ સર્જકની વિશિષ્ટતા એ કે છે એકબાજુ ગંભીર ચિંતનભર્યું સાહિત્ય અને બીજી બાજુ બાળસાહિત્ય આ બંનેમાં એમનું પ્રદાન ઉત્તમ અને માતબર. આ રીતે બંને છેડામાં કામ કરવું સહેલું નથી અને બંનેમાં ઉત્તમ આપવું એથીય અઘરું! બાળસાહિત્યની સાથે કાવ્યસંગ્રહો નાટક, વિવેચન, નિબંધ, ચરિત્રલેખન, સંશોધન, અનુવાદ અને સંપાદન અને જેવી અલગ અલગ વિધાઓમાં કામ કરનાર, ‘ગુજરાત વિશ્વકોશ’માં માતબર પ્રદાન કરનાર આ કવિ આ કવિતામાં કેટલી સહજ રીતે વૃક્ષને બાળક સામે ખડું કરી દે છે!


બાળક માટે કાંઇ પણ રચવું અઘરું છે. લોકો બાળસાહિત્યને આદર નથી આપતા, પણ એ સૌથી કઠિન વિધા છે. જ્યારે સર્જક પોતાની તમામ વિદ્વતા ભૂલીને બાળક જેવા અને જેટલા સહજ અને સરળ થઈ શકે, એ જ ભૂમિકાએ મનથી આવી શકે ત્યારે અને તો જ એ સારું બાળસાહિત્ય આપી શકે. એ માટે બાળકના મનને સમજવું જરૂરી છે. ભાષાપ્રયોગ અને શૈલીમાં ખૂબ સાવધ રહેવું જરૂરી છે. આપણે વૃક્ષ અંગેનું આ કાવ્ય જોઈએ.

કેટલી ચિત્રાત્મક શૈલી છે! બાળક આ કાવ્ય વાંચે કે સાંભળે અને એની આંખો સામે એક લીલુંછમ વૃક્ષ તરવરે. વૃક્ષનું થડ, એની ડાળીઓ, પાંદડા, ફળ એ વિષે તો સહજ રીતે એ સમજે પણ વૃક્ષની ઉપયોગિતા પણ સાવ ઓછા શબ્દોમાં અને શિખામણના કોઈ જ ભાર વગર કવિએ સમજાવી દીધી.


ઝાડ ઈશ્વરની મહેરબાની છે, એના વગર આપણું જીવન શક્ય નથી.વાંચવામાં આ સાવ સરળ લાગે પણ સરળ લખવું બહુ અઘરું છે. વૃક્ષને ધરતીના બાળક સાથે સરખાવી કવિએ એને બાળકની સમ સ્થિતિમાં મૂકી દીધું. બાળકને એ પોતાનું દોસ્ત જ લાગે અને બાળકને તો વ્હાલ જ કરવાનું હોય. વ્હાલ એટલે એને પ્રેમ કરવો અને એની સંભાળ લેવી. બાળકને વૃક્ષ વિશે સમજાવવું હોય તો આટલી કવિતા પૂરતી છે. પ્રાસરચના વગર બાળકાવ્ય સંભવે નહીં. અહીં પ્રાસ અને લય હિલોળા લે છે.

કશું પણ યાદ રાખવા માટે એને ગાવું, એનાથી ઉતમ કોઈ રસ્તો નથી. બાળકોનું બધું ભણવાનું ગીતો વડે જ હોવું જોઈએ, પછી એના અભ્યાસ માટ ફરિયાદ ના રહે. કવિને સલામ!
[email protected] gmail.com

X
article by lata hirani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી