Back કથા સરિતા
લતા હિરાણી

લતા હિરાણી

કાવ્ય (પ્રકરણ - 35)
લેખિકા જાણીતાં કવયિત્રી અને ‘દિવ્ય ભાસ્કર’નાં કોલમિસ્ટ છે.

આઝાદીની અઘરી કથા

  • પ્રકાશન તારીખ29 Jan 2019
  •  

આઝાદી હજુ અધૂરી છે
સપનાં પૂરાં થવા બાકી છે
રાંચીની શપથ પણ ક્યાં પૂરી થઈ છે
જેમની લાશો પર પગ ધરીને, આઝાદી ભારતમાં આવી
તેઓ છે આજ સુધી રઝળતાં, દુ:ખના કાળાં વાદળો છવાયાં
કલકત્તાની ફૂટપાથો પર, જેઓ આંધી-વરસાદ સહન કરે છે
તેમને પૂછો 26 જાન્યુઆરી વિશે, તેઓ શું કહે છે!
ભારતીયના નાતે તેમનું દુ:ખ
તમે સાંભળો તો તમને શરમ આવે
સીમાની બીજી બાજુ જુઓ
જ્યાં સભ્યતાને કચડવામાં આવે છે, માણસ જ્યાં વેચાય છે
ઈમાન ખરીદવામાં આવે છે, ઈસ્લામ કણસી રહ્યો છે
ડોલર મનમાં હસે છે
ભૂખ્યા અને ઉઘાડાઓને હથિયાર પહેરાવવામાં આવે છે
સૂખા ગળામાંથી કટ્ટરતાના નારા લગાવવામાં આવે છે
લાહોર, કરાંચી, ઢાકા પર માતમની કાળી છાયા
ભારતના મુખ્ય શહેરોમાં ભય અને ડરની છે છાયા
તેથી જ તો કહું છું, આઝાદી હજુ અધૂરી છે
કેવી રીતે હું ખુશી મનાવું, થોડા દિવસની મજબૂરી છે
એ દિવસ દૂર નથી, જ્યારે પુન: ભારતને અખંડ બનાવીશુ.
ગિલગિટથી ગારો પર્વત સુધી, આઝાદીનો ઉત્સવ ઉજવીશુ.
એ સુવર્ણ દિવસ માટે આજથી કમર કસો બલિદાન આપો
જે મળ્યું તેમાં ખોવાઈ ન જશો, જે ગુમાવ્યું તેનું ધ્યાન કરો.
- અટલબિહારી વાજપેયી
ભાવાનુવાદ : કલ્યાણી દેશમુખ

પ્રજાસત્તાક દિનના સંદર્ભમાં કવિહૃદયી ભૂતપૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી વાજપેયીજીએ દેશ અને દુનિયાની દુ:ખદ વાસ્તવિકતા કવિતા સ્વરૂપે કહી હતી. જે આજે પણ એ એટલી જ યથાર્થ છે! પ્રજાસત્તાક દિન ગયો ને આવતી કાલે ગાંધીજીની પૂણ્યતિથિ છે, ત્યારે પ્રજા તરીકે આપણે ક્યાં ઊભા છીએ? માનવમૂલ્યોના ધોરણે આપણે કઈ તરફ જઇ રહ્યા છીએ? એ બાબત વિચાર માંગી લે છે. એક નાગરિક તરીકેની શિસ્ત કે નૈતિકતા લગભગ ભુલાઈ ગઈ છે એવું સતત લાગ્યા કરે.

પરદેશ જવામાં લગભગ સૌથી મોટી સંખ્યામાં આપણે! ભારતની પ્રજામાં એ વિચિત્ર વિરોધાભાસ છે કે ગમે તેવા ભ્રષ્ટાચાર થાય, ગરીબ બાળકો મજૂરી કરે, શાળામાં બાળકો સાથે અમાનવીય વ્યવહાર થાય, નાની બાળકીઓનું જાતીય શોષણ થાય, આપણો આત્મા પોઢેલો જ રહે! લાલબત્તી કે રસ્તો ઓળંગનારની તો ઠીક પણ એમ્બ્યુલન્સને જવા દેવા જેટલી સમજણ આપણામાં નહીં. સ્વચ્છતા અભિયાનથી શહેરોમાં ગંદકીમાં થોડો ફરક પડ્યો છે! જોકે હજી લાંબી મજલ કાપવાની બાકી છે.

બળાત્કારના કિસ્સા એટલા વધ્યા છે કે થાય, આપણે રાક્ષસોના યુગમાં જીવીએ છીએ? નાની બાળકીઓને એનો ભોગ બનતાં સાંભળીએ ત્યારે અરેરાટી છૂટી જાય. ગરીબી અને ગુનાખોરીને સીધો સંબંધ છે. ક્યાંથી પકડવું અને ક્યાં સુધારવું એ પ્રશ્ન છે પણ એનો હલ નથી એવું નથી. પાણી અને પ્રદૂષણની સમસ્યા વિકરાળ બનતી જાય છે. સવાલ એ છે કે એક પણ બાબતમાં આપણે આપણાથી શરૂઆત કરવા જેટલી નિષ્ઠા ધરાવીએ છીએ? રોજબરોજની દિનચર્યામાં આપણે એક કામ, એક સમય એવો રાખીએ કે આપણી નિષ્ઠા અને નૈતિકતાથી વધીને કશું ન હોય! [email protected]

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP