સૂરજ જિદ્દે ભરાયો છે

article by lata hirani

લતા હિરાણી

Dec 04, 2018, 12:05 AM IST

સૂરજ આજે જિદ્દે ભરાયો છે,
રસ્તાનો ડામર પીગળીને
જાણે શહેર આખામાં રેલાયો છે.
સૂરજ હવે મરણિયો થયો છે,
ને સડકો મૃગજળની જનેતા બની છે.
રસ્તાની કોરે ઊભેલાં
ગરમાળાનાં હારબંધ વૃક્ષો,
તડકો પી પીને ખીલવે છે ઢગલાબંધ ફૂલો.
સૂરજ અણનમ ઊભો છે મેદાને એકાકી,
રસ્તા પરનો મોચી, સાઇકલવાળો, લારી ગલ્લાવાળો,
સૌ ગોઠવાયા છે ગરમાળાને છાંયે.
સૂરજ ધીમો પડવાનું નામ નથી લેતો,
ને ગરમાળો પણ પોપકોર્નની જેમ
ફોડે જાય છે પીળાંચટ્ટાક ફૂલ.
ફૂલો જ ફૂલો
જાણે અનેક નાના સૂરજના
પ્રતિદ્વંદ્વ માટે!
- દક્ષા પટેલ


કવયિત્રી અમદાવાદનાં છે અને અમદાવાદીઓ માટે તડકો જીવનનો એક ભાગ છે. આમ તો આ વાત સૌને માટે હોય, પણ હવે એવું થઈ ગયું છે કે અમદાવાદમાં અગિયાર મહિના ઉનાળો અને માંડ એકાદ મહિનો શિયાળો. આમ તો શિયાળોય નહીં, ‘શિયાળા જેવું’ જ કહેવાય કે જ્યારે ગરમી ખાસ ન થાય. લગભગ નવેમ્બરથી શરૂ થઈ જતી અને ફેબ્રુઆરીના અંત સુધી ઠરીઠામ થઈને રહેતી ઠંડીને હવે અમદાવાદમાં એકાદ મહિનાથી વધારે રહેવું નથી ગમતું.


અહીં તો કાળઝાળ ઉનાળે પીળાંચટ્ટાક ફૂલો વેરતા મજાના ગરમાળાની વાત છે. માથે સૂરજ તાંડવ કરતો હોય, તડકાને કારણે જીવન બેહાલ હોય, સડકો પર મૃગજળના સાથિયા રચાતા હોય. આવા વસમા સંજોગોમાંય ગરમાળાનાં કે કોઈપણ ફૂલો આંખને ભલે ક્ષણભર પણ જે ઠંડક આપે એ અદ્્ભુત હોય છે. લૂમેઝૂમે લચકતો ગરમાળો રસ્તા ઉપર તો બે ઘડી આંખને ઠારે જ છે, પણ કવિતાના અંતમાં આ વૃક્ષ એનાં સેંકડો ફૂલોથી જાણે સૂરજ સાથે સ્પર્ધામાં ઊતરે છે એ કલ્પન હીંચકે બેસીને ઝૂલતાં ઝૂલતાં કવિતા વાંચતાં હો તો ટાઢક પ્રસરાવી દે એવું અદ્્ભુત બન્યું છે. અછાંદસ કાવ્યની આ જ વિશેષતા છે. શરૂઆતમાં કોઈ વર્ણન વાંચતા હોય એવું લાગે, પણ એમાં વચ્ચે નમણાં સ્પંદનો મનને સ્પર્શી જાય અને અંતમાં કોઈ વિશેષ ચમત્કૃતિથી કાવ્યતત્ત્વને હૃદયવત્ કરી દે.


આ સુવાંગ પ્રકૃતિ કાવ્ય છે, પણ જીવનમાંય કેટકેટલા તડકા પીધા પછી સમજણનાં ફૂલ ખીલે છે. તડકાઓ બાહ્ય હોવા જરૂરી નથી. સાવ સુંવાળા દેખાતા જીવનમાં અંદરના તાપ અભરે ભર્યા હોય છે, જેની જાણ બહારના લોકોને ખાસ નથી થતી. અનેક ઠોકરો, અનેક ભૂલો અને એનાં માઠાં પરિણામોની પોતાને જ ખબર હોય છે, પણ સમજણનાં ફૂલો બેસે, ખીલે ત્યાં તો જીવનનો ઉત્તરાર્ધ આવી જાય છે. આમ તો આ જીવનભર ચાલતી પ્રક્રિયા છે તોયે ‘ઠરેલપણું’ ઠરીઠામ થતાં બહુ વાર લાગે છે. પૂર્ણત્વ તો ઋષિઓને પણ દુર્લભ છે તો માનવીનું શું ગજું? શાપોની તમામ કથાઓ એ જ સિદ્ધ કરે છે ને. જેમને થોડીક ‘સમજણ’ ઊગે છે એ વર્ગ બહુ નાનો છે ને અણસમજની દુનિયામાં જીવીને આયખું પૂરું કરનાર લોકોનો વર્ગ બહુ મોટો! આનું જ નામ સંસાર ને!
[email protected]

X
article by lata hirani

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી